Homeઉત્સવફૂલોની ચાદર ઓઢીને ધરણી મીઠી મુસ્કાન છેડી રહી હોય ત્યારે હું મારી...

ફૂલોની ચાદર ઓઢીને ધરણી મીઠી મુસ્કાન છેડી રહી હોય ત્યારે હું મારી જાતને એક દિવ્ય અવસ્થામાં પામું છું…

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

રાત્રિના ગાઢ અંધકારમાં તેજસ્વી ધનુએ તેના ચમકતા સેંકડો તારાઓ વડે જાણે હિમાલયના ઉત્તુંગ શિખરોને ચળકતી ચાદર ઓઢાડી હોય એવું અનુપમ દ્રશ્ય સર્જાયું હોય તે સમયે જ્યારે હનુમાનજી મૂર્છિત લક્ષ્મણજીને બચાવવા માટે સંજીવની બુટી લેવા માટે કૈલાશ અને ઋષભ પર્વત વચ્ચે આવેલા દેવી ઔષધીય મહાપર્વત પર આવી પહોંચે ત્યારે ત્યાં ઝગમગતી સેંકડો ઔષધી જોઈને જે દુવિધા અનુભવી અને સમગ્ર પર્વત ઉપાડી લંકા લઈ ગયા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. હવે સવાલ એ વાતનો થાય કે જે સ્થળ હનુમાનજીને બે ઘડી વિચલિત કરી શકે તે કેટલું ભવ્ય અને વૈવિધ્યસભર હશે. ઉઘડતી સવારે નાનકડાં ઘાસ પર છવાયેલી ઝાંકળની બૂંદો પગને સ્પર્શીને છેક હૃદયનાં ઊંડા ખૂણે સંવેદનાનાં તાર ઝણઝણાવે, સૂરજની સોનેરી રોશની ગંગોત્રી રેન્જનાં ગગનચુંબી પહાડોને વ્હલાપથી ઢંઢોળે, લક્ષ્મણગંગાનાં વહેણ મેડિટેશનની અવસ્થામાં પહોંચાડી દે એવા સંગીતમય રીતે સતત વહેતા હોય અને અસંખ્ય રંગોનાં નાનાથી લઈને મોટાં ફૂલોની ચાદર ઓઢીને ધરણી મીઠી મુસ્કાન છેડી રહી હોય ત્યારે હું મારી જાતને એક દિવ્ય અવસ્થામાં પામું છું… જો આ સ્થળને અનુભવીને જાણવું હોય તો આપણે ઉત્તરાખંડમાં ગઢવાલ હિમાલય પહોંચી જવું પડશે. હા, સ્થાનિકોના અને પુરાણોના ઉલ્લેખ મુજબ વેલી ઓફ ફ્લાવર તરીકે ઓળખવામાં આવતી ફૂલોની ઘાટી એ જ આપણો સંજીવની બુટીવાળો મહાપર્વત. અમસ્તું જ કઈ આ વિસ્તારમાં સત્ત્વ અને દિવ્યતા ન અનુભવી શકાય ને? સામાન્ય રીતે ભારતમાં વેલી ઓફ ફલાવર્સ ઘણી જગ્યાઓએ છે, ઉત્તરાખંડ સિવાય પણ સિક્કિમમાં છેક ચીનની સરહદ નજીક નાથન્ગ વેલી તરીકે ઓળખાતી પણ વેલી ઓફ ફ્લાવર્સ જ છે પણ ઉત્તરાખંડમાં આવેલી વેલી દિવ્ય સત્ત્વ અને તત્ત્વનો સાક્ષાત્કાર સહુ કોઈને કરાવવા માટે સમર્થ છે. ઉત્તરાખંડમાં આવેલ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક વિશે એટલું ચોક્કસથી કહી શકાય કે જો સ્વર્ગના રસ્તાઓ ક્યાંકથી નીકળતા હશે તો તે આવા જ હશે. સ્થાનિકો દ્વારા તો એવું પણ કહેવામાં આવે છે કે અહીં આ સુંદર સ્થળ પર પરીઓનો વાસ હતો અને જે કોઈ પણ ત્યાં જાય તેનું પરીઓ અપહરણ કરી લેતી હતી. હવે આટલું સાંભળીને તો જરૂરથી પરીઓને મળવાનું મન થાય. વેલી ઓફ ફ્લાવર્સ એ ૧૧૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ ભારતનો સૌથી જૂનો અને ખૂબસૂરત કહી શકાય એવો ટ્રેકિંગ રૂટ છે અને વિશ્ર્વના સૌથી વધુ પ્રસિદ્ધ થયેલા ટ્રેકિંગ રૂટમાં શામેલ છે.
વેલી ઓફ ફ્લાવર્સ એટલે સુગંધોની સફર. આપણે હંમેંશાં આપણી આસપાસ ઊંચી ઇમારતો જોવા ટેવાઈ ગયેલા છીએ, પરંતુ જે લોકો ખરેખર પ્રકૃતિ પ્રત્યે લગાવ ધરાવે છે તેઓએ ચોક્કસથી આ ટ્રેક દ્વારા કુદરતના ખોળે ભમવું જોઈએ. અહીંની વિશાળતા જોઈને એવું લાગે કે માનવી ભલે ગમે તેટલી શોધ કરી લે, નવાં નવાં યંત્રો શોધી કાઢે, પરંતુ નિસર્ગના સર્જન સામે તે હંમેશાં પાંગળો જ રહેશે. કોઈ પણ માનવી અથાક પ્રયત્નો પછી પણ આવી ફૂલોની ઘાટી બનાવવા અસમર્થ છે. આ વિશાળ અને ખૂબસૂરત વિસ્તાર ખૂબ જ વિશાળ છે પરિણામે નિર્જન હોય એવું દીસે. અહીંનું વાતાવરણ હંમેશાં શાંતિપૂર્ણ અને આહલાદક છે. અહીં જવાનો સમય જૂન થી સપ્ટેમ્બર મહિના સુધીનો છે. સામાન્ય રીતે હિમાલય વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલન જેવી ઘટનાઓ બનતી રહે છે, પરંતુ જુલાઈના અંતમાં જ અહીં બધાં ફૂલો એના સંપૂર્ણ રંગોમાં રંગાય છે એટલે એને એના વાસ્તવિક રૂપમાં જોવા માટે આ સમયગાળો જ શ્રેષ્ઠ છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વેલી ઓફ ફ્લાવર્સ એ નંદાદેવી બાયોસ્ફર રિઝર્વનો એક ભાગ છે. વર્ષો સુધી આ સ્થળ માણસોની પહોંચથી પરે રહ્યું હતું, પરંતુ સૌપ્રથમ ફ્રેન્ક એસ સ્મિથ અને તેમના સાથી જે કામેત પર્વત એક્સપ્લોર કરી પરત ફરતા હતા તે દરમિયાન તેઓ અનાયાસે જ આ સ્થળ પર પહોંચ્યા. આમ બ્રિટિશ પર્વતારોહકો દ્વારા આ સ્થળ લોકોના પરિચયમાં આવ્યું. ૧૯૮૨માં ભારત સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર્સને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો. આ સ્થળ ત્યારે વધુ મહત્ત્વનું બની ગયું જયારે યુનેસ્કોએ આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યું. આ ટ્રેકની શરૂઆત ગોવિદઘાટથી થાય છે. જે જોશીમઠ નજીક આવેલું છે તેમજ આ ટ્રેક માટે ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી પરવાનગી લેવી જરૂરી છે. આ વિસ્તાર પ્રોટેકટેડ વાઇલ્ડ લાઈફ એરિયાનો ભાગ છે તેથી રાત્રી દરમિયાન ત્યાં કોઈ રોકાઈ શકે નહીં. તો આપણે ગોવિંદઘાટથી આ સફરની શરૂઆત કરીએ. અલકનંદાનાં કાંઠે વસેલું આ સ્થળ ખૂબ જ અગત્યનું છે. બદ્રીનાથ, હેમકુંડ સાહેબ અને વેલી ઓફ ફ્લાવર્સનો રસ્તો ગોવિંદઘાટથી જ પસાર થાય છે. અહીંથી આગળનો પડાવ ઘાંઘરીયા ગામ છે પણ તે પહેલાં પુલના ગામ આવે જે ગોવિંદઘાટથી ત્રણથી ચાર કિલોમીટર દૂર છે. બસ ત્યાં સુધી જ વાહન દ્વારા આવી શકાય પણ આગળ પુલનાથી ઘાંઘરીયા દસ કિલોમીટર જેટલો રસ્તો છે ત્યાંથી ટ્રેકિંગ શરૂ થાય છે. આ રસ્તામાં પુષ્પાવતી નદી આપણને સાથ આપશે. ઊંચી પહાડીઓ પરથી ઠેર ઠેર પડતા શ્ર્વેત ઝરણાંઓ પણ આ ટ્રેકને ખાસ બનાવે છે. લીલીછમ પહાડીઓ અને ઝરણાંઓ જાણે દરેકને મીઠો આવકારો આપવા આતુર હોય એવું જ લાગે. અહીંથી ઘાંઘરીયા જઈ કઈ ખાસ કરવાનું હોતું નથી તેથી અહીંના રસ્તાઓને માણતા માણતા, પુષ્પાવતી નદીના કિનારે પથ્થર પર બેસી તેની સાથે ગોષ્ઠિ કરતા કરતા, નદીના પાણીને ખોબે ખોબે પીતાં, બે ઘડી બેસી હાથ પાછળ જમીન પર ટેકવી આકાશના દૂરના નજારાઓને આંખોમાં કેદ કરતા કરતા ક્યારે ઘાંઘરીયા આવી જાય ખબર પણ નહીં પડે, હા પણ તે માટે થોડું અગાઉથી ફિટનેસ પર ધ્યાન આપવું રહ્યું. બીજી એક વાત ગોવિંદઘાટથી ઘાંઘરીયાના રસ્તાઓ પર જમવા માટે કે નાસ્તામાં કાઈ ખાસ સુવિધા નથી તો પોતાની જરૂરિયાત મુજબ સાથે ડ્રાયફ્રૂટ્સ વગેરે લઇ શકાય જેથી વજન પણ ઓછો ઊંચકવો અને સારી એનર્જી પણ મળી રહેશે.
ઘાંઘરીયા આ વિસ્તારનું અંતિમ એવું સ્થળ છે જ્યાં માણસોની વસાહત છે. ઘાંઘરીયાથી આગળ બે ટ્રેક બને જેમાંથી એક ટ્રેક જાય વેલી ઓફ ફ્લાવર્સ અને બીજો ગુરુદ્વારા હેમકુંડ સાહિબ તરફ. શીખ ધર્મના સૌથી ઊંચાઈ પર આવેલ ગુરુદ્વારા એટલે હેમકુંડ સાહેબ ગુરુદ્વારા. ત્યાંથી પ્રવાહિત થતો લક્ષ્મણ ગંગા અથવા તો હેમગંગાનો પ્રવાહ કે જે હેમકુંડમાંથી નીકળે છે તે ઘાંઘરીયા નજીક પુષ્પાવતી નદીને મળે છે ત્યાંથી આગળ આ પુષ્પાવતી નદી ગોવિંદઘાટ પાસે અલકનંદા નદીને મળે છે. હિમાલયનો ગંગોત્રી વિસ્તાર અમસ્તા જ દેવોની ભૂમિ નથી કહેવાતો. અહીંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ સત્ત્વ અને તત્ત્વથી ભરેલું છે. પ્રકૃતિનો નશો અહી દરેક ટેકરીઓમાં, ઠેર ઠેર ખળખળ વહેતાં ઝરણાઓમાં, બરફાચ્છાદિત ધવલ પહાડો પાછળથી ડોકિયું કરતાં રૂનાં પૂમડાં જેવાં વાદળોમાં, બાળકો માફક કિલકિલાટ કરતાં હિમાલયન પક્ષીઓનાં સંગીતમાંથી સીધો જ આપણી નસ નસમાં વહેવા લાગે એવું અનુભવી શકાય. ગોવિંદઘાટથી ગુરુ ગોવિંદસિંગની તપોભૂમિ એવા હેમકુંડનો ટ્રેક શરૂ થાય છે. અલકનંદા પર હવામાં ઝોલાં ખાતા લાકડાંના પુલને પાર કરીને રંગબેરંગી ફૂલોથી સજાવેલા ટેરેસ ગાર્ડન તો વળી ક્યાંક નાનકડાં ખેતરોના કુદરતી માહોલની કંપની વચ્ચે ચઢાઈ કરતા કરતા સૌંદર્ય સફર શરૂ થાય છે જેમાં વચ્ચે અલકનંદાને મળવાનાં હરખમાં લક્ષ્મણગંગા વેગવંતી ઝડપે દોડતી આંખો અને કાનને પ્રકૃતિનો ગજબ પરિચય કરાવે છે. આશરે ત્રણેક કિમી ટ્રેક કર્યા પછી લીલોતરી અને બર્ફીલા શિખરો વચ્ચે લક્ષ્મણગંગાનો મિજાજ વધુ ઝડપી બંને છે જે આપણા થાકને પણ એના વહેણ સાથે જ વહાવી લઈ જાય છે. ઘાંઘરીયાથી હેમકુંડ સાહેબ ૬ કિલોમીટર જેટલું સ્ટીપ ટ્રેકિંગ છે. આ રસ્તા પર અનેક શીખ બંધુઓ ગુરુદ્વારા દર્શન કરવા જતાં મળી આવશે. શીખધર્મની સૌથી કઠિન યાત્રા કહી શકાય. શીખધર્મના દસમા ગુરુ ગોવિંદસિંગે અહીં ધ્યાનમાં વર્ષો વ્યતીત કર્યા હતા. અહીંના ગુરુદ્વારાની ખાસિયત એ છે જે તે પંચકોણીય આકારમાં બંધાયેલું એક માત્ર ગુરુદ્વારા છે કારણ કે અહીં છ મહિના દરમિયાન થતી બરફ વર્ષાથી ગુરુદ્વારાને રક્ષણ મળે તે માટે, અહીં આસપાસ સાત શિખરો આવેલાં છે અને તેની મધ્યમાં ગુરુદ્વારા, હેમકુંડ અને લક્ષ્મણ મંદિર આવેલું છે. અહીંના હેમકુંડમાં આસપાસના ગ્લેશિયરમાંથી પાણી આવે છે. આ કુંડનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે જે આપણને બે ઘડી અચંબિત કરી મૂકશે સાથે સાથે આધ્યાત્મિક વાતાવરણમાં અહીં લગાવેલી ડૂબકી અસ્મરણીય બની જશે. અહીં રામાયણ સાથે જોડાયેલું લક્ષ્મણ મંદિર પણ છે. હેમકુંડ સાહેબ માટે એટલું જ કહી શકાય કે અહીંનું વાતાવરણ એકદમ પવિત્ર છે. ગમે તે ધર્મમાં માનતા હોઈએ પણ આ જગ્યાએ આવીને બે ઘડી શાંતિની પળોનો એહસાસ સરળતાથી કરી જ શકીએ.
ઘાંઘરીયાથી આગળ જતો બીજો ટ્રેક આપણા વેલી ઓફ ફ્લાવર્સ તરફ જાય છે. ત્યાં આશરે ચાર કિલોમીટર જેટલો ટ્રેક છે. અહીંથી પસાર થતા એવું લાગે કે જો રસ્તો જ આટલો સુંદર છે તો વેલી કેટલી રમણીય હશે. અહીંની સફર દરેક પગલે કઈકને કઈક નવું દૃશ્ય અને શ્રાવ્ય બંને રીતે આપે છે. આ સ્થળની એક બહુ જ ખાસ વાત એ છે કે આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. તમને ક્યાંય રસ્તા પર ફેંકાયેલા પ્લાસ્ટિક નહીં દેખાય. રસ્તા પર એક મજાનું બોર્ડ દેખાશે જેના પર લખ્યું હશે “કુછ દેર બેઠ કર પ્રકૃતિ કે નજારો કા આનંદ લે. વેલી ઓફ ફ્લાવર્સનો મિજાજ જ અલગ પ્રકારનો છે. વેલીમાં દાખલ થતાં જ એમ લાગે જાણે કોઈ કલ્પનાનાં પ્રદેશમાં પહોંચી ન ગયા હોઇએ. ચારે તરફ ગાઢ વનરાજી, વિશાળ પર્વતો , હિમશિખરો અને તેમની વચ્ચે દેખાતા ગ્લેશિયર એ બધાના વર્ણન માટે શબ્દો ખૂટી પડે. ચોતરફ નજર કરીએ તો રંગબેરંગી, વિવિધ આકારોમાં અલગ અલગ રૂપરંગનાં અઢળક ફૂલો મરક મરક હાસ્ય કરતા જોવા મળે. આ વેલીમાં પાંચસોથી પણ વધુ પ્રકારનાં વિવિધરંગી ફૂલો જોવા મળે છે અને તેને પૂર્ણ રીતે ખીલવાનો સમય મધ્ય જુલાઈથી મધ્ય ઓગસ્ટ વચ્ચેનો હોય છે. વેલીમાં દાખલ થતાં જ આપણે ક્યારેય ન જોયેલા એવાં ભિન્ન ભિન્ન આકારનાં પર્ણો અને વનસ્પતિ દિગ્મૂઢ કરી મૂકે. પ્રાચીન સમયમાં જેના પર લખાણ થતું એવાં ભોજપત્રોના વૃક્ષો પણ ઠેર ઠેર જોઇ શકાય. આ ઉપરાંત જંગલી ગુલાબ, બ્રહ્મકમળ, બ્લુ પોપી જેવા ફૂલો સાથે વેલીનું અપાર સૌંદર્ય કોઈ પણને મંત્રમુગ્ધ કરી દે. અહીંનાં સૌંદર્ય થકી કોઈ પણ ઉંમરની વ્યક્તિ બાળકની માફક જિજ્ઞાસુ અને ઉત્સાહિત બની જાય. ઊંચી પહાડીઓ તેમજ તેની વચ્ચે આવેલા વિશાળ બુગ્યલો એટલે કે ઘાસનાં વિશાળ મેદાનો અને તેમાંથી પસાર થતા ખળ ખળ વહેતા સંગીતમય ઝરણાઓ, રંગબેરંગી હિમાલયનાં પક્ષીઓના મધુર અવાજો, પવનના સુસવાટા, પાંદડાઓનો અવાજ દરેક ભેગા મળીને એક કર્ણપ્રિય સંગીતમય ધૂનની રચના કરે છે અને આવી અ
અદ્ભુત ધૂનને માણતા માણતા અહીં જ હંમેશાં માટે સ્થાયી થઇ જવાનું મન થઇ જાય. આ વેલી માત્ર સૌંદર્યની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અહીં કેટલીક એવી ઔષધીઓ પણ મળી આવે છે જે સમગ્ર વિશ્ર્વમાં અપ્રાપ્ય છે. પક્ષીવિદો અને વનસ્પતિમાં રસ ધરાવતી વ્યક્તિઓ માટે તો આ સ્થળ સ્વર્ગસમા ખજાના જેવું કહી શકાય.
કોઈ પણ આશય વિના ક્યાંક નીકળી પડવું હોય તો ઉત્તરાખંડની આ જગ્યા સર્વશ્રેઠ કહી શકાય. અહીં બધા જ સરળતાથી પહોંચી શકે છે. અહીં પહોંચવા માટે ઋષિકેશથી વાહનો સરળતાથી મળી રહે છે અને નજીકનું સહુથી મોટું માર્કેટ જોશીમઠ છે. જોશીમઠમાં એકાદ બે દિવસ રહીને અહીંનો આનંદ લઇ શકાય છે. નિસર્ગનો આનંદ જે સ્થળે મળે એ સ્થળે ખુલ્લા દિલથી લઇ લેવો જોઈએ કેમ કે આજના આધુનિક યુગમાં ધીરે ધીરે કુદરત લુપ્તતાનાં આરે આવીને ઊભી છે.

RELATED ARTICLES

Most Popular