Homeઈન્ટરવલ‘હું મારી કલ્પનાનું સૌંદર્ય શબ્દોથી પ્રગટ કરું છું’ ગુજરાતી અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા કનૈયાલાલ...

‘હું મારી કલ્પનાનું સૌંદર્ય શબ્દોથી પ્રગટ કરું છું’ ગુજરાતી અસ્મિતાના સ્વપ્નદૃષ્ટા કનૈયાલાલ માણેકલાલ મુનશી

નીલેશ દવે

કીર્તિદેવ મુનશી
૧૮૬૯માં ગાંધીજી, ૧૮૭૫માં સરદાર પટેલ ૧૮૮૭માં કનૈયાલાલ મુનશી અને ૧૮૮૯માં જવાહરલાલ નહેરુનો જન્મ થયો. આ ચારેય જણ આધુનિક અને સ્વતંત્ર ભારતના ચાર પાયા છે, આપણું સદભાગ્ય એ છે કે આ ચારમાંથી ત્રણ જણા ગુજરાતી છે. ગાંધીજી, સરદાર પટેલ અને નહેરુ વિશે ૧૪૦ કરોડ ભારતીયોમાંથી કોઈ પણ અજાણ નથી, પરંતુ આમાંના ચોથા અને સૌથી મહત્ત્વના પાયા એવા કનૈયાલાલ મુનશી સાથે આપણે જોઈએ તેટલો ન્યાય નથી કરી શક્યા. નવલકથાકાર, સાહિત્યકાર, સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાજકારણી, કાઉન્સિલર, શિક્ષણવિદ એમ મુનશીની યોગદાન આ ચાર વિભૂતિઓમાં સૌથી વધુ અને સૌથી વિસ્તરેલું છે, તેમની બહુમુખી પ્રતિભા તેમને આ ચારેય વિભૂતિઓની સાથે સ્થાન અપાવે છે એવા મુનશીજીની આજે ૫૨મી પુણ્યતિથિ છે. આની નોંધ કોઈ સરકારી ચોપડે તો નથી લેવાતી પણ જેમણે ગુજરાતને ગુજરાતની અસ્મિતાની સાચી ઓળખ કરાવી તેને ગુજરાત અને ગુજરાતીઓએ પણ વિસારી દીધા છે. છાશવારે ગુજરાતી અસ્મિતાની વાતો કરતા રાજકારણીઓને એ ખ્યાલ પણ નથી ગુજરાતી અસ્મિતા એ શબ્દ પણ મુનશીજીએ જ આપ્યો છે. (જોકે નવનીત સમર્પણના એક લેખમાં રિઝવાન કાદરી નોંધે છે કે સૌપ્રથમ વખત ગુજરાતની અસ્મિતા શબ્દ રણજિતરામ મહેતાએ સંબોધ્યો હતો, પરંતુ ગુજરાતી અસ્મિતાના આર્ષદૃષ્ટા તો મુનશીજી જ છે) આપણે ગુજરાતીઓ માત્ર ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, જય સોમનાથ, ભગવાન પરશુરામ કે આવી અનેક નવલકથાઓના રચયિતા તરીકે જ મુનશીજીને ઓળખીએ છીએ, પરંતુ ભારતીય બંધારણ સાથે સંકળાયેલી તમામ સમિતિના તે અધ્યક્ષ હતા, સોમનાથ મંદિરના પુર્નિર્માણનુંં કાર્ય હોય કે હૈદરાબાદનો પ્રશ્ર્ન હોય, બે કોમ વચ્ચે ફાટી નીકળેલા હુલ્લડ પર નિયંત્રણ મેળવવાનું હોય કે ચોક્કસજાતિના લોકોને મંદિરમાં પ્રવેશ અપાવવાનો હોય એ તમામમાં મુનશીજી ટ્રબલ શૂટર હતા. તેમને સોંપાયેલું કામ ન થયું એવું ક્યાંય નોંધાયું નથી.
કનૈયાલાલ મુનશીના પૌત્ર કીર્તિદેવ મુનશી પણ પોતાના દાદાને યાદ કરતા કહે છે કે સદેહે એમને ન મળી શકવાનું દુ:ખ આજેય છે, આટઆટલી ભૂમિકા એક વ્યક્તિ કેવી રીતે ભજવી શકે? કર્તવ્યનિષ્ઠતા અને દૃઢનિશ્ર્ચયીપણું એ એમના વ્યક્તિત્વનું સૌથી જમાપાસું છે, એમના જીવનની અનેક વાતો એવી છે જે લોકો સુધી પહોંચી નથી, આજે ગ્લોબલ વોર્મિંગને કારણે ચારેતરફ વૃક્ષારોપણની જે ઝુંબેશ ચાલી રહી છે તેના પ્રણેતા પણ મુનશીજી જ હતા, તેમની આગેવાની હેઠળ જ સૌપ્રથમ વખત વનમહોત્સવની શરૂઆત થઈ હતી, આજે આપણા દેશમાં ઘોડાનાં અનેક સ્ટેડ ફાર્મ છે, ૧૯૩૭માં જ્યારે ભારતમાં તમામ ઘોડા બ્રિટનથી આયાત કરવામાં આવતા હતા એ સમયે મુનશીએ ગૃહપ્રધાનની રૂએ જો ઘોડા ઉછેરકેન્દ્ર ભારતમાં નહીં સ્થપાય તો લાઇસન્સ રિન્યુ કરવાની ના પાડી અને કચવાતે મને આ નિર્ણયનો વિશેષ અધિકાર ગૃહપ્રધાનને છે એવું નોંધી એ સમયના મુખ્ય પ્રધાને ખેરેએ પણ ઝૂકવું પડ્યું, એટલું જ નહીં, પરંતુ આ માગણી સાથે મુનશીજી બ્રિટિશ ગવર્નરની સામે પણ અડગ રહ્યા અને આજે ભારતમાં ઘોડા ઉછેર કેન્દ્રો ધમધમી રહ્યાં છે તે તેમનું જ યોગદાન છે. કીર્તિદેવ ઉમેરે છે મુનશીજીએ આખી જિંદગી સેલ્ફલેસલી કામ કર્યું છે એમનો જે ભાવ હતો એ આજની પેઢી સુધી પહોંચે અને તેમના એ ભાવના જાગૃત થાય એ જ મુનશીજીને સાચું ટ્રીબ્યુટ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular