મને યાદ નથી કે મેં મારા પપ્પાને ક્યારેય ‘પપ્પા’ કહીને બોલાવ્યા હોય

લાડકી

પ્રિય પપ્પા…-દિલીપ દરબાર

મારા પપ્પા માટે એવું કહેવાય છે કે અમારા ગામમાંથી સૌપ્રથમ કોઇ મુંબઇ ગયું હોય તો એ ગીરધારીસિંહ દરબાર. હા, મારા પિતાજીનું નામ ગીરધારીસિંહ ઉદયસિંહ દરબાર. મારા મમ્મી અને મારા દાદીનું નામ સંતોકબા. અંબાજી નજીક દાતા તાલુકામાં આવેલ ગંગવા ગામ એ અમારું વતન. પપ્પાએ સાત ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ ગામમાંથી મેળવ્યું અને આગળ દાતામાં જઇને એસએસસી સુધી ભણ્યા અને ત્યાર બાદ તેઓ યુવાનવયે મુંબઇ આવી ગયા. પપ્પા મુંબઇમાં હિરાના કારખાનામાં કામ કરતા થયા અને ગામમાંથી લગભગ અડધા ભાગના લોકોને મુંબઇ લાવીને હીરાનું કામ શીખવાડયું અને તેઓને ઠરીઠામ કર્યાં. મુંબઇના હીરા બજારમાં એ સમયે હીરા પૉલીશનું કામ કરતી ‘નીકી જેમ્સ’ નામની પ્રખ્યાત કંપની હતી. એમાં પપ્પા મેનેજર હતા. કંપનીની ફેકટરી ગોરેગાંવસ્થિત સિંહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હતી. છેલ્લે પપ્પાની પોસ્ટિંગ બારામતીમાં હતી. ત્યાંથી નિવૃત્ત થઇને એ વતન પાછા ગયા હતાં. મારો જન્મ ખેરાલું નજીક ડાઓલ ગામમાં થયો અને ઉછેર ગંગવા ગામમાં થયો.
પપ્પાએ મને ૧૯૮૫-૮૬ની આસપાસમાં મુંબઇ બોલાવી લીધો. ગાળા નંબર પિસ્તાલીસ, બિલ્ડિંગ નંબર- ત્રણ, સિંહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ગોરેગાંવ આ આખું સરનામું મને આજે પણ એટલા માટે યાદ છે કારણ કે મુંબઇમાં મારા કેરિયરની શરૂઆત ત્યાંથી જ થઇ હતી.
અમે રાજપૂત પરિવારના છીએ એટલે એકદમ ઓર્થોડોક્સ ફેમિલી. અમે એકબીજાને હંમેશાં માનથી જ બોલાવીએ. તું, તારી ક્યારેય પણ ન કરીએ. હું મારી દીકરી કે દીકરા સાથે પણ વાત કરું તો હંમેશાં તમે કહીને જ બોલાવું. દીકરીના નામની પાછળ ‘બા’ લગાડીને જ વાત કરીએ. જેમ કે મારી દીકરીનું આખું નામ મૃણાલકુંવર બા છે તો એને હું મૃણાલબા કહીને જ બોલાવું. હું એવા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું કે જ્યાં ચાર વડીલોની સાથે પપ્પા ઊભા હોય તો, દીકરો એમની સાથે વાત ન કરી શકે. જો કે, આ વાત મને આજ દિન સુધી સમજાઇ નથી કે એક બાળક પોતાના પિતાની સાથે વાત કેમ ન કરી શકે. જો કે, હવે શહેરમાં રહેતા પરિવારો થોડી છૂટછાટ લેતા થયા છે. મને એવું યાદ નથી કે મેં મારા પપ્પાને ક્યારેય ‘પપ્પા’ કહીને બોલાવ્યા હોય. મારે એમને કોઇ વાત કહેવી હોય તો અમારા ઘરમાંથી કે કોઇ મિત્ર મધ્યસ્થિમાં હોય. હું મુંબઇ આવ્યો ત્યાં સુધી પપ્પા સાથે મારા આ પ્રકારના જ સંબંધ રહ્યા હતા. હું જ્યારે ૨૫-૨૬ વર્ષનો થયો ત્યારે હું એમની સાથે સીધે-સીધો બોલતો થયો હતો અને બાદમાં ધીરે-ધીરે એ પણ મારી સાથે ખુલીને બોલતા થયા હતા. તેમની નિવૃત્તિ પછી તેઓ વતનમાં રહેતા હતા. હું પણ જ્યારે ગામ જાવ ત્યારે સંકોચને કારણે એમની સાથે વધારે વાત ન કરું, એમની સાથે બેસું નહીં. તેમણે મારો સંકોચ દૂર કરીને મને એમની પાસે બેસતો કર્યો, વાત કરતો કર્યો અને ધીરે-ધીરે અમારા સંબંધો ગોઠિયા ભાઇબંધ જેવા થઇ ગયા.
પપ્પાની વર્ષોથી એક એવી વિચારસરણી કે ભેગું નહીં કરવું. આજે જે છે એને માણી લો, કાલની ચિંતા ન કરો. અમને પણ આ જ સલાહ આપતા. મેં ભેગું નથી કર્યું તમે પણ ન કરતા. કાલે શું થશે એ કાલ પર છોડી દો. મારા પપ્પા થોડા સમય પહેલાં જ એંસી વર્ષની ઊંમરે ગુજરી ગયા ત્યાં સુધી એમનો એ અભિગમ કાયમ રહ્યો. લૉકડાઉનના લીધે કામ બંધ હતું. તમામ લોકો ચિંતિત હતા કે હવે શું થશે? ત્યારે પણ તેઓ મને હિંમત આપતા અને કહેતા કે આપણે એટલા બાપડા તો નથી કે મુંબઇ સિવાય આપણો ગુજારો નહીં થાય. આપણી પાસે ગામમાં મોટું ઘર છે, ફાર્મ છે. અહીં આવતો રહેજે. ચિંતા નહીં કરવાની હવે શું થશે? આ પ્રકારનો સ્વભાવ એમનું ખાસ જમાપાસું હતું. પપ્પા જમવાના અને પાર્ટીઓના ખૂબ જ શોખીન હતા. તેઓ પોતે પણ ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવતા હતા. હું નાટકોમાં ખૂબ જ પ્રવૃત્ત હતો એટલે ગામ જવાનું બહું જ ઓછું થતું હતું. વર્ષમાં એકાદવાર ૩-૪ દિવસ માટે જવાનું થતું. હું અમદાવાદ શો કરવા જાવ અને એ દરમિયાન જો સમય મળે તો હું જતો હતો. એ વખતે મને ઘણીવાર વિચાર આવતો કે ન કરે નારાયણ અને જો મારા ઘરમાં કોઇ દુ:ખદ પ્રસંગ બન્યો તો એ વખતે હું સમયસર પહોંચી શકીશ? કે નહીં. ફિલ્મનું શૂટિંગ હોય તો વાંધો ન આવે પણ નાટક હોય તો શો કેન્સલ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. મને હજી એ વાતનો અફસોસ છે કે મારા દાદા-દાદી ગુજરી ગયા ત્યારે હું સમય પર પહોંચી શક્યો ન હતો. એમના અવસાન થયાના બે-ત્રણ દિવસ પછી ગયો હતો અને એ પણ ફક્ત હાજરી આપીને નિકળી ગયો હતો, કારણ કે મારા નાટકોના શો ચાલુ હતા. આજથી પાંચ-છ વર્ષ પહેલાં પપ્પાને કેન્સરનું નિદાન થયું હતું. એવા સમયે પણ એમનું મનોબળ એટલું મક્કમ હતું કે તેઓ માનવા તૈયાર જ નહોતા કે તેમને કેન્સર છે. એમને બીડી પીવાની આદત હતી. કેન્સરમાંથી તેઓ સાજા પણ થઇ ગયા હતા. ત્યારે એમણે મને એક મજેદાર કિસ્સો કહ્યો હતો. પપ્પા કેન્સરની સારવાર માટે હૉસ્પિટલ જતા હતા. ત્યારે ડૉકટર એમને બીડી છોડવા માટેની ખાસ સલાહ આપતા. એકવાર મેઇન ડૉક્ટર ગયા પછી એક યુવાન વયનો ડૉક્ટર પપ્પા પાસે આવ્યો અને તેમની ઊંમર પૂછી. પપ્પાએ કહ્યું એંસી વર્ષ. તો પેલા યુવાન ડૉક્ટરે હસતા હસતા કહ્યું તમ તમારે પીવોને. આટલા વર્ષો સુધી આખી જિંદગી પીધી છે તો હવે શું. તમારા શરીરને નિકોટીનની આદત પડી ગઇ હશે. બીડી પીવાની બંધ કરશો તે રિએક્ટ કરશે. આ વાત કહીને મને કહે હું તો બીડી પીવાનો જ. જો કેન્સર હોત તો પાછું મને ડિટેક્ટ ન થયું હોત? એમના છેલ્લા મહિના દરમિયાન લૉકડાઉનમાં તેઓ મને વારંવાર ગામ બોલાવતા. ભાઇ તું ગામ આવ. આપણે બેસીને વાતો કરીએ. પાર્ટી કરીએ અને એ પણ ફક્ત તારી સાથે જ. હું મારી પત્નીને લઇને ગામ ગયો અને દસ દિવસ અમે લોકો સાથે રહ્યાં. એ દસ દિવસ દરમિયાનમાં હું પપ્પા સાથે જ રહ્યો. ગામમાં ક્યાંય પણ ગયો ન હતો. સાંજ પડે એટલે અમારી બેઠક શરૂ થાય. ઘણી બધી વાતો થાય. કુદરતે મને એવો સમય આપ્યો જેની મને હંમેશાં ચિંતા રહ્યાં કરતી હતી કે છેલ્લા દિવસોમાં હું તેમની પાસે હોઇશ કે નહીં. એંસી વર્ષની ઉંમરે પણ તેઓ સ્વસ્થ હતા. પોતાનું કામ એ જાતે જ કરતા. કેન્સરના કારણે તેમના દાંત કાઢી નાખવામાં આવ્યાં હતાં. તેમણે ચોખટું બનાવ્યું ન હતું. તેથી એમને જમવાનું ગ્રાઇન્ડ કરીને જ ખાવું પડતું. દાળ-રોટલી, દૂધ-રોટલી વગેરે મિક્ષરમાં જાતે જ ગ્રાઇન્ડ કરતા અને જમ્યા બાદ એમના વાસણો પણ જાતે ધોઇ નાખતા. તેઓ કહેતા કે મારી કોઇએ સેવા નહીં કરવાની. હું બધું જાતે જ કરી લઇશ. કુદરતે એમની એ ઇચ્છા પણ પૂરી કરી કે છેલ્લે સુધી એમને કોઇની સેવાની જરૂર નહોતી પડી. મને સહેજ પણ અણસાર નહોતો કે આ તેમના છેલ્લા દિવસો હશે. હું મુંબઇ પાછો આવ્યો. ૬, જાન્યુઆરીના રોજ તેમને ચક્કર આવવાની તકલીફ થાય છે એવો કોલ મને કર્યો. બીજા દિવસે તેઓ પડી ગયા અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા. મારી દીકરીથી એમને ઘણો જ લગાવ હતો. પપ્પાએ આ ફાની દુનિયા છોડતા પહેલા પરિવારના બધા લોકો સાથે વીડિયો કોલ પર ઇશારાથી વાત કરી અને તેરમી જાન્યુઆરીએ રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બહું જ શાંતિથી તેમણે દેહ છોડયો.
મારા પપ્પા સોલિડ વિલ પાવરવાળા. કાલની ચિંતા નહીં કરવાવાળા હતા. એમણે જીવનમાં ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો હતો. લૉકડાઉન વખતે પણ તેઓ મને કહેતા કે બજાર ફરીથી ખુલશે ત્યારે પાછો હિસાબ કરવા ન બેસતો કે કેટલા પૈસા ગુમાવ્યા કે કેરિયરમાં કેટલા વર્ષ પાછળ ધકેલાઇ ગયો. આ જીવનની ઘટમાળ છે, ચક્ર છે. એ ગમે ત્યારે પૂરું થાય. ચાહે એ સુખનું હોય કે દુ:ખનું હોય. અમારા સમાજમાં દીકરી પરણાવવી ઘણીવાર બહું અઘરું થઇ પડતું હોય છે, કારણ કે તેના લગ્નમાં ઘણું બધું આપવાનો રિવાજ છે. તો પપ્પા મને કહેતા તારે દીકરી છે. એની ચિંતા ન કરતો. એ એનું નસીબ લઇને જ આવી હશે. પપ્પા આવા ઉમદા વિચારોવાળા હતા.
હું પણ મારા પપ્પાના જેવો જ છું. ધુમ્રપાન અને શરાબ સિવાય એમનું જીવન સંન્યાસી જેવું હતું. ક્યારેય કોઇનું ખરાબ કે ખોટું નહીં કરવાનું. ઘણા લોકોને એમણે મદદ કરી હતી. એ લોકો સાથે અણબનાવ થયો હોય અને તેઓ જીવનમાં પપ્પા કરતા આગળ નિકળી ગયા હોય તો પણ પપ્પાને એમની સહેજ પણ ઇર્ષા ન થાય. ગામમાં પણ તેઓ સન્માનનિય વ્યક્તિ રહ્યાં. હું સફ્ળ અભિનેતા છું, મારો નાનો ભાઇ શિક્ષક છે, મારા જીજાજી શિક્ષક છે, મારી દીકરી કેનેડા છે. અમારા પરિવારની દરેક વ્યક્તિની સફળતાથી તેઓ ખુશ હતા. પપ્પાને જીવનમાં ઘણું બધું મેળવવું હતું, જે તેઓ ન મેળવી શક્યા એનો એમને અફસોસ રહેતો. તેઓ કહેતા પણ ખરા જે મેં નથી મેળવ્યું તે મેં તમારા થકી મેળવી લીધું છે.
હું જ્યારે એસએસસીમાં નાપાસ થયો ત્યારે ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરવાની જગ્યાએ હું ક્રિકેટ રમવામાં અને રખડપટ્ટી કરવામાં જ મારો સમય વેડફતો હતો. તો મારા દાદા અને પપ્પાએ અમારા ખેતરમાં કામ કરતા મજૂરો સાથે મને કામ કરવા લગાડી દીધો હતો. ભેંસોના પોદળા ભરવાના, એમને નવડાવવાની. ચાર ભેંસોને હું ઘરેથી લઇને જતો અને સંાજે પાછી ઘરે લઇને આવવાની. ટૂંકમાં વાસીદુનું બધું જ કામ મારી પાસે કરાવવામાં આવતું. નાપાસ થવા માટે મને શિક્ષા કરવામાં આવી હતી. મારી પાસે એ હદની મજૂરી કરાવી હતી કે હું ફરીથી પરીક્ષામાં નાપાસ ન થાવ. હું ભણવામાં ખૂબ જ નબળો વિદ્યાર્થી હતો. બારમાં ધોરણમાં ફરીથી નાપાસ થયો અને મારી આંખો સમક્ષ એસએસસીમાં નાપાસ થયો હતો, ત્યારે જે મજૂરી કરી હતી. એ જ દૃશ્ય ફરીથી દેખાવા લાગ્યું. પપ્પાને લાગ્યું કે હું આગળ નહીં ભણી શકું. મને એવું પણ લાગે છે કે અન્ય છોકરાઓ કરતા મારામાં સમજ પણ ઓછી હતી. અમારા ગામની વસતી પણ આશરે ૧૪૦૦ જેટલી હતી. હું એવું કહી શકું કે મારું ઘડતર નાટયક્ષેત્રે આવ્યાં બાદ જ થયું. મુંબઇ આવ્યા પછી મારો નવો જન્મ થયો એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. બારમા ધોરણમાં નાપાસ થયા બાદ કાકાને એવું લાગ્યું કે હું આગળ નહીં ભણી શકું અટલે મારા કાકાની ઇચ્છાથી પપ્પાએ મને મુંબઇ બોલાવી લીધો. પપ્પાએ મને હીરા બજારમાં નોકરીએ લગાડી દીધો, પરંતુ હીરા તોડવાની અને એર્સોટ કરવાનું એ કામ મને ગોઠતું નહોતું. ત્યારે અમારી ઓફિસમાં ‘મુંબઇ સમાચાર’ની સાથે-સાથે અન્ય ગુજરાતી અખબાર પણ આવતા હતા. એમાં હું નાટકોની જાહેરાતનું પાનું જોતો. અનાયાસે મને રસ જાગ્યો કે આ રીતે મારું નામ અને ફોટો પણ અખબારમાં છપાય. પણ ત્યાં પહોંચવું કેવી રીતે એ મારે માટે યક્ષ પ્રશ્ર્ન હતો. એ વખતે શૈલેષ દવેનું ‘અકસ્માત’ નામનું નાટક ચાલતું હતું. એમના નાટકની જાહેરાતમાં સંપર્ક – મેનેજર હરીશ શાહ એમ લખેલું હતું. મને એમ કે મેનેજર એટલે સર્વેસર્વા. મેં એમને ફોન કર્યો. એમણે મારી સાથે ખૂબ જ સરળતાથી વાત કરી અને મને બિરલા માતુશ્રીમાં બોલાવ્યો. બાદમાં તેમણે મારી ઓળખાણ સનતભાઇ વ્યાસ સાથે કરાવી. સનતભાઇ આજે પણ એટલા જ મૃદુભાષી અને સરળ છે જેટલા મને પ્રથમ વખત મળ્યાં એ વખતે હતા. હું જીવનમાં બહુ જ ઓછા લોકોથી પ્રભાવિત થયેલો છું. જેમનાથી પ્રભાવિત થયો છું એમાંથી એક સનતભાઇ વ્યાસ પણ ખરા! તેમણે માતુશ્રી હોલના મેકઅપ રૂમમાં બેસીને ખૂબ જ શાંતિથી મારા વિશેની બધી વિગતો એક કાગળમાં લખી લીધી અને મને સલાહ આપી કે શરૂઆત તો તારે બેકસ્ટેજથી જ કરવી પડશે. સૌથી પહેલા તારે શુદ્ધ ગુજરાતી બોલતાં શીખવું પડશે. એ વખતે કાંતિ મડિયા નવું નાટક કરી રહ્યાં હતા એટલે સનતભાઇએ મને કાંતિ મડિયાનો નંબર આપ્યો અને તેમની સાથે વાત કરવા કહ્યું. હું કાંતિ મડિયાને મળ્યો. તે સમયે તેઓ જે નાટક કરી રહ્યાં હતા તે તો થયું નહીં. થોડા સમય બાદ તેઓ મહાવીર શાહ અને ચિત્રા શાહને લઇને ‘ઝાકળ ભીના પારિજાત’ નામથી નાટક કરતા હતા. એમાં બધું પહેલેથી નકકી થઇ ગયું હતું, પરંતુ એમણે મારી વિનંતીને માન આપીને રિહર્સલમાં આવવાની મંજૂરી આપી દીધી. હું અને રાજેશ સોલંકી (જે બાળનાટકોમાં કામ કરતો હતો)ની સાથે રોજ રિહર્સલમાં જતા. અમને ખબર હતી કે નાટક ઓપન થયા પછી હું એમાં નથી રહેવાનો, પરંતુ બધાનું નિરીક્ષણ કરતો કે એ લોકો કેવી રીતે કામ કરે છે. એ નાટકમાં બેકસ્ટેજમાં કામ કરતી વ્યક્તિના પરિવારમાં કોઇ બીમાર થયું કે કોઇનું અવસાન થયું હતું. એની જગ્યા ખાલી પડી અને કાંતિ મડિયાએ તેની જગ્યાએ મને રાખી લીધો કારણ કે આખા મહિના દરમિયાન હું નાટકના રિહર્સલમાં હાજર હતો એટલે નાટક વિશે મને બધી ખબર હતી. આ રીતે રંગભૂમિક્ષેત્રે મારી શરૂઆત થઇ. આ નાટક બાદ આરોપ, કાચિંડો, ત્રિશંકુ, મહામાનવ વગેરે નાટકોમાં મેં બેક સ્ટેજમાં કામ કર્યું. શરૂઆતના તબક્કે પપ્પાનો સખત વિરોધ હતો. હું બેકસ્ટેજમાં કામ કરતો એ તેમને નહોતું ગમતું. મેં મીઠીબાઇ કૉલેજમાં ચાલતી ‘પરાગ વિજય દત્ત એકેડેમી’ જોઇન કરી અને ત્યાં હું અભિનયના પાઠ ભણ્યો. ત્યાં મને મારા ગુરુ દિનકર જાની મળ્યાં, જેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. એમણે મારામાં આત્મવિશ્ર્વાસ જગાવ્યો અને ડબિંગ કરતા પણ મને શિખવાડયું. અભિનેતાની સાથે-સાથે ડબર તરીકે પણ સારું નામ અને દામ કમાયો. આજે પણ નાટકોની સાથે-સાથે ડબિંગનું કામ પણ ચાલુ જ છે. મારી સફળતામાં દિનકર જાની અને વિજય દત્તનો ખૂબ જ મોટો ફાળો છે. ત્યાં વિષ્ણુકુમાર વ્યાસ પણ આવતા હતા. મારી પ્રથમ સિરિયલ એમણે જ અપાવી છે. મારું પ્રથમ કમર્શિયલ નાટક મિહિર ભૂતા લિખિત ‘ચાણક્ય’ છે. જેમાં મેં ચંદ્રગુપ્તનો રોલ કર્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી ઉપરવાળાની કૃપા અને મા-બાપના આશીર્વાદના કારણે મારે પાછું વળીને જોવું પડયું નથી. ગામડામાં નાટકમાં કરતા લોકોને બહું સન્માનની નજરે જોવામાં નહોતું આવતું. એ વખતે ટીવી સિરિયલમાં કામ કરતા કલાકાર પ્રત્યે ગામના લોકોને ઘેલું હતું. હું અમદાવાદ દૂરદર્શનની ‘પ્રેરણા’ નામની એક ટીવી સિરિયલમાં કામ કરતો હતો. જ્યારે હું ગામડે જાવ તો પપ્પાનો મને આગ્રહ રહેતો કે તું નાટકમાં કામ કરે છે એમ ન બોલ, તું સિરિયલમાં કામ કરે છે એમ કહે, કારણ કે એ જમાનામાં નાટકમાં કામ કરવું એ ગામડામાં સન્માનનિય માનવામાં નહોતું આવતું.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.