Homeમેટિનીહિરોઈન નહોતું બનવું, કૉમેડી જ કરવી હતી

હિરોઈન નહોતું બનવું, કૉમેડી જ કરવી હતી

૧૯૫૫માં ‘સીમા’ ફિલ્મથી પદાર્પણ કરનારાં શુભા ખોટેની મેહમૂદ સાથે સુપરહિટ જોડી બની હતી અને ૬૭ વર્ષથી સાતત્યપણે અભિનય કરી રહ્યાં છે

હેન્રી શાસ્ત્રી

આ વર્ષે તો મોટા ભાગની હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હોય એના અઠવાડિયા પછી એનું નામ પણ ભુલાઈ જાય છે એવી અવસ્થામાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશી અને લીડ રોલમાં ચમકાવતી ‘ડબલ એક્સએલ’ ફિલ્મ તમારા ધ્યાનમાં આવી હોય એની સંભાવના ઓછી છે. બોડી શેમિંગનો મહત્ત્વનો વિષય ધરાવતી ફિલ્મના કલાકારોની યાદીમાં એક નામ શુભા ખોટેનું પણ હતું. ૧૯૫૫માં નૂતન અને બલરાજ સાહનીની ‘સીમા’ ફિલ્મથી અભિનયયાત્રાની શરૂઆત કરનાર અને ‘શોલે’ના ‘અબ તેરા ક્યા હોગા કાલિયા’ (વિજુ ખોટે)ની બહેન તરીકે પણ ઓળખ ધરાવનાર શુભા ખોટે સાડા છ દાયકા પછી પણ એ જ લગનથી ફિલ્મ કરી રહ્યા છે એ હરખની વાત તો ચોક્કસ છે. આધુનિક વિચારસરણી ધરાવતા પરિવારમાં જન્મેલા શુભા ખોટેને સાયક્લિગં અને સ્વિમિંગ માટે લગાવ હતો. એક્ટિંગ કરવા વિશે તો ક્યારેય વિચાર્યું જ નહોતું. વેકેશનમાં ટાઈમપાસ માટે મરાઠી ફિલ્મ કર્યા પછી હિન્દી ફિલ્મની ઓફર મળતા સ્પોર્ટ્સને રામરામ કરી દીધા અને સ્ટુડિયોને સલામ ભરી. શુભાજીના પિતાશ્રી નંદુ ખોટે મૂંગી ફિલ્મોમાં અને મરાઠી નાટકોમાં અભિનય કરતા હતા અને એમના કાકી દુર્ગા ખોટેની ઓળખાણ આપવાની જરૂર નથી. આમ અભિનય એમને ગળથુથીમાં મળ્યો હતો. ૧૯૫૫થી ૨૦૨૨ દરમિયાન શુભાજીએ હિન્દી – મરાઠી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ અને નાટકોમાં પણ અભિનય કર્યો છે. તેમની લાંબી કારકિર્દી પર એક ઊડતી નજર નાખીએ.
‘સીમા’નો રોલ કઈ રીતે મળ્યો એ વિશે શુભાજીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મરાઠી ફિલ્મમાં હું સાઈકલ ચલાવું છું એ તસવીર અખબારમાં પ્રસિદ્ધ થઈ હતી. એ જોઈને જાણીતા ફિલ્મમેકર અમિય ચક્રવર્તી (દાગ, જ્વાર ભાટા, પતિતા ફિલ્મના દિગ્દર્શક)એ મને નૂતનની વિશ્ર્વાસુ સાથીના રોલમાં સાઈન કરી લીધી. ફિલ્મમાં મારે સાઈકલ ભગાવી ચોરનો પીછો પકડવાનો હતો. રસ્તા પર આમતેમ પથરા પડ્યા હતા અને એના પર હું પડી. મારા ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. મને થયું કે મારી કરિયર શરૂ થતાની સાથે જ ખતમ થઈ ગઈ. ત્યાર બાદ એક મરાઠી ફિલ્મના શૂટિંગમાં પણ મને ઈજા થઈ. પિતાશ્રીએ શીખવ્યું હતું કે વાગે તો રડવાનું નહીં, એમાંથી સાજા થઈ આગળ વધવાનું. તમે નહીં માનો, પણ હું હૉસ્પિટલમાંથી સીધી ‘સીમા’ની જ્યુબિલી પાર્ટીમાં પહોંચી હતી. સાડા છ દાયકાની કારકિર્દીમાં સાત વખત મને ગંભીર અકસ્માત નડ્યા છે, પણ નસીબે મને કાયમ સાથ દીધો છે. પિતાજીની વાત યાદ રાખી સતત કામ કરતી રહી છું.’
પહેલી જ ફિલ્મને સફળતા મળતા ફિલ્મમેકરો એના ઘરની બેલ મારવા લાગ્યા જેને પગલે શુભાજીએ સાઈકલની બેલ મારવાનું કાયમ માટે ભૂલી જવું પડ્યું. અગ્રણી ફિલ્મ કંપની ફિલ્મીસ્તાન તરફથી બે ફિલ્મ ‘ચંપાકલી’ અને ‘પેઈંગ ગેસ્ટ’ની ઓફર આવી. પહેલી ફિલ્મનો રોલ ટ્રેજિક હતો જ્યારે ‘પેઈંગ ગેસ્ટ’નો રોલ નેગેટિવ હતો. શુભાજીને નેગેટિવ ભૂમિકા જરાય પસંદ નહોતી પડી અને એટલે તેમણે વર્ષો સુધી એ ફિલ્મ જોઈ જ નહોતી. વર્ષો પછી બાળકો સાથે વીસીઆરમાં જોઈ. ‘હીરા મોતી’માં તેમને હિરોઈન બનવાની તક મળી. પણ પોતાની મર્યાદા જાણતા શુભાજીને હિરોઈન બનવાની કોઈ તમન્ના નહોતી.
નસીબ એટલા સારા કે નેગેટિવ રોલ માટે સૂગ ધરાવતા શુભાજીને ‘પેઈંગ ગેસ્ટ’ પછી એવા રોલ ઓફર ન થયા. શુભાજીને કૉમેડી કરવાની બહુ જ ઈચ્છા હતી. ‘મારે હિરોઈન નહીં પણ કૉમેડિયન બનવું હતું,’ શુભાજીએ કહ્યું હતું, ‘એ સમયે હિરોઈન ઘણી હતી, પણ કૉમેડી કરનારી અભિનેત્રી બહુ ઓછી હતી. એક સારી વાત એ બની કે મારી શરૂઆતની ત્રણ ફિલ્મ ‘અનાડી’, ‘ઘરાના’ અને ‘સસુરાલ’ને સારો આવકાર મળ્યો. જોકે, આ ફિલ્મોમાં કૉમેડીનો કોઈ સ્કોપ નહોતો. ‘૧૯૫૯માં એલ. વી. પ્રસાદની ’છોટી બહન’માં શુભા ખોટેને એ તક મળી ગઈ. મેહમૂદ સાથે જોડી પણ જામી ગઈ. ઘોડાગાડીમાં આ બંને કલાકાર પર ફિલ્માવાયેલું ‘મૈં રંગીલા પ્યાર કા રાહી’ ખાસ્સું લોકપ્રિય થયું હતું. ત્યારબાદ લાગલગાટ છ વર્ષ સુધી શુભા ખોટે, મેહમૂદ અને ધુમાલની કોમેડી ત્રિપુટી ફિલ્મમેકરોની ફેવરિટ બની ગઈ. છોટી બહન પછી ભરોસા, જિદ્દી, સાંજ ઔર સવેરા, લવ ઇન ટોક્યો, ગૃહસ્થી, હમરાહી, બેટી બેટેમાં શુભા ખોટેની કૉમેડીના સિક્કા પડવા લાગ્યા. હીરો -હિરોઈન જેટલું જ મહત્ત્વ આ ત્રણ કલાકારના પાત્રને મળવા લાગ્યું. કેટલાક ડિસ્ટ્રીબ્યુટર તો આ ત્રણ કલાકારના નામ જોઈને જ ફિલ્મનું વિતરણ કરવા તૈયાર થઈ જતા. મતલબ કે હીરો – હિરોઈન કરતા તેમના માનપાન વધુ હતા.
૧૯૮૦-૯૦ના દાયકામાં શુભાજી ‘નસીબ’, ‘એક દુજે કે લિયે’, ‘સાગર’, ‘દિલ હૈ કે માનતા નહીં’ વગેરે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. કેટલાક વર્ષ લંડન રહ્યા પછી વતન પરત આવેલા શુભાજી ‘એક દુજે કે કે લિયે’ને કમબેક ફિલ્મ ગણાવે છે. રોલ થોડો નેગેટિવ હતો પણ એને કોમિક સ્પર્શ હોવાથી શુભાજીને મજા પડી હતી. ગયા દાયકામાં અક્ષય કુમારની ‘ટોયલેટ એક પ્રેમકથા’ તેમજ માધુરી દીક્ષિતની ‘બકેટ લિસ્ટ’માં કામ કરવાની તક તેમને મળી હતી. રોલ નાનો હોવા છતાં તેમના આગવા અંદાજને કારણે દર્શકોએ તેમની નોંધ લીધી હતી. ફિલ્મ ઉપરાંત રંગભૂમિ અને ટીવી સિરિયલોની વ્યસ્તતા રહી હોવાથી તેમણે ક્યારેય કામ માંગવું નથી પડ્યું. ટીવી સિરિયલની વાત કરીએ તો ‘ઝબાન સંભાલ કે’ના હિરોઈન બનવાના ખ્વાબ જોતા પ્રિન્સિપાલ કે ‘બા બહુ બેબી’ના ગોદાવરી ઠક્કરના ચાલાક પાડોશી.‘મંગલમ દંગલમ’માં મનોજ જોશીના માતુશ્રી અને તાજેતરની ‘સ્પાય બહુ’ની શ્રીમતી કોટડિયા દર્શકોના સ્મરણમાં જરૂર સચવાયા હશે. શુભા ખોટેની ખાસિયત રહી છે કે જોનારાઓને પાત્ર યાદ રહી જાય એ રીતે ભજવવું.
શુભાજીની માતૃભાષા મરાઠી હોવા છતાં ૬૭ વર્ષની કારકિર્દીમાં તેમણે ગણીગાંઠી મરાઠી ફિલ્મો જ કરી છે. આ વર્ષે તેમની ‘લક ડાઉન બી પોઝિટિવ’ નામની મરાઠી ફિલ્મ રિલીઝ થઈ હતી. કોવિડ – ૧૯ના કપરા સમયમાં એનું શૂટિંગ કરવાનું હોવા છતાં ૮૪ વર્ષનાં શુભાજી ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા હતાં. ‘મારો રોલ એટલો સરસ હતો કે હું ના ન પાડી શકી. મારું પાત્ર હિરોઈન કરતા પણ વધુ પ્રભાવી હતું. અમુક જ ભાષાની ફિલ્મો કરવી એવું હું નથી માનતી. રોલ દમદાર હોવો જોઈએ. પૈસા પણ ઓછા મળે તો ચાલે. પડદા પરનો કલાકાર દર્શકના સ્મરણમાં રહેવો જોઈએ. મરાઠી મારી માતૃભાષા છે, પણ બોલવામાં ફાવટ નથી. એટલે મરાઠી ફિલ્મની સ્ક્રિપ્ટ અગાઉથી વાંચીને પછી જ સેટ પર જાઉં છું.’
અને મેં ઘણા દિવસ સુધી વાળ ન ધોયા
મેહમૂદ સાથે સુપરહિટ જોડી બનાવનાર શુભા ખોટેને હિરોઈન બનવાના કોઈ અભરખા નહોતા. ’નૃત્યમાં નિપુણ નહોતી અને ૧૯૬૦ના દાયકામાં મોટાભાગની હિરોઈન માટે નાચગાના જરૂરી હતું. એવા રોલ કરવાની મારી જરાય ઈચ્છા નહોતી. કોમેડીમાં હું ટોપમાં હતી અને મારી પાસે પુષ્કળ કામ હતું. હિરોઈનના રોલ ન મેળવીને મેં કંઈ ગુમાવ્યું નથી.’ શુભાજીની દલીલ છે. તેમની કારકિર્દી ખીલી હતી ત્યારે દિલીપ – દેવ – રાજની ત્રિપુટીનો દબદબો હતો. દરેક અભિનેત્રી આ ત્રણ હીરો સાથે કામ કરવા તલપાપડ રહેતી. શુભાજીને દેવ આનંદ (પેઈંગ ગેસ્ટ) અને રાજ કપૂર (અનાડી) સાથે કામ કરવાની તક મળી હતી, પણ દિલીપ કુમાર સાથે તેમણે એકેય ફિલ્મ નથી કરી. એનો એમને અફસોસ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે ‘દિલીપ સાબ ગ્રેટ એક્ટર હતા. જોકે, હું તેમની સાથે કામ ન કરી શકી હોત. મારે મન તો તેઓ ભગવાન છે. એમની પીઠ પણ કેમેરા તરફ હોય ત્યારે એમના પાત્રની લાગણી દર્શક મેહસૂસ કરી શકે એવી એમની અદાકારી હતી. એક દિવસ રાજ કપૂરની એક પાર્ટીમાં દિલીપ સાબને મળવાનું થયું હતું. તેમણે મને પોરી (છોકરી માટે મરાઠીનો મીઠડો શબ્દ) કહીને બોલાવી હતી અને પછી પોતાનો હાથ મારા માથા પર મુક્યો હતો. તમે નહીં માનો, પણ પછી ઘણા દિવસો સુધી મેં વાળ નહોતા ધોયા. મા મને ખિજાઈને કહેતી કે વાળ ધોઈ નાખ નહીં તો જૂ થઈ જશે. દિલીપ સાબ મારા ગુરુભાઈ છે. તેમની પ્રથમ ફિલ્મ ‘જ્વાર ભાટા’ના દિગ્દર્શક અમિય ચક્રવર્તી હતા અને મારી પહેલી ફિલ્મ ‘સીમા;નું દિગ્દર્શન પણ અમિયજીએ જ કર્યું હતું. કેવો જોગાનુજોગ.’ ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -