‘હું ધારું તો અત્યારે હુલ્લડ થાય’ વલસાડના ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા, PIને જાહેરમાં ધમકાવ્યા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Valsad: સત્તાના નશામાં ચુર થયેલા નેતાઓ જાહેરમાં બોલવાનું ભાન ભૂલી જતા હોય છે. ત્યારે વલસાડના ભાજપના ધારાસભ્ય ભરત પટેલનો(MLA Bharat Patel) એક વિવાદાસ્પદ વિડીયો(Video) સામે આવ્યો છે. ગતરાત્રે વલસાડના તિથલ રોડ પર ગણેશ પ્રતિમાના આગમન વખતે ડીજેને લઈને પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વચ્ચે પડેલા ભાજપના ધારાસભ્ય ભરત પટેલે જાહેરમાં PIને ધમકાવ્યા હતા. ધારાસભ્ય ભરત પટેલ ફરજ પર હાજર પોલીસ અધિકારીને જાહેરમાં કહે છે કે, ‘હું ધારું તો અત્યારે હુલ્લડ થાય એમ છે.’
ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વલસાડના તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહીર ગૃપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઇને આવી રહ્યા હતા. ત્યારે જોર જોરથી ડીજે વગાડી યુવાનો રસ્તા પર બેફામ ડાન્સ કરી રહ્યાં હતા જેને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાતા લોકોને અગવડ પડી રહી હતી. તેથી પીઆઇ સહિતના પોલીસ કર્મચારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દરમિયાન PI દીપક ઢોલે લોકોને ડીજે બંધ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યાર બાદ પોલીસે ડીજેનું લેપટોપ જપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એક પોલીસ જવાનને ધક્કો લાગતાં પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ ઘટનાની જાણ થતા ભાજપ ધારાસભ્ય ભરત પટેલને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યા પહોંચીને ધારાસભ્યએ ઉગ્ર અવાજે PI દીપક ઢોલને ખખડાવી નાખ્યા હતા. તેમણે PIને કહ્યું હતું કે, ‘તાજીયામાં ડીજે વગ્યું અમે કઈ નથી કીધું હવે તમે ગણપતિમાં ડીજે અટકાવશો તે નહીં ચાલે.’ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘અહીયા ભીડ થાય તો લોકોને રોકવા પણ પડે, તમારે તો તંત્રને ટેકો કરવાનો છે.’ ત્યારે ધારાસભ્યે ધમકી અપાતા કહ્યું અકે, ‘હું તો તને જ ટેકો કરું છું ભાઈ, આ જો અત્યારે જે પબ્લિક છે, હું કહું તો અત્યારે હુલ્લડ થાય.’


પોતાની ફરજ નિભાવતા પોલીસ અધિકારીને જાહેરમાં ધમકાવતા ધારાસભ્યનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિવાદિત નિવેદન બાદ ધારાસભ્ય ભારત પટેલે પોતાનો બચાવ કરતા કહ્યું કે મારો એવો કોઈ ઈરાદો ન હતો, હું ત્યાં ન પહોંચત તો ત્યાં લોકો ધમાલ કરી શક્તા હતા. પરંતુ પોલીસની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ હતો. મેં ત્યાં જઈને લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.