મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહેલાં સીએસએમટી ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી મરોલ ખાતે બોહરા સમાજની એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું હતું અને લોકોને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં પોતાની એક ફરિયાદ રજૂ કરતાં જણાવ્યું હતું કે મારી એક ફરિયાદ છે અને હું ઈચ્છું છું કે તેમાં સુધારો કરવામાં આવે. તમે લોકોએ મને વારંવાર માનનીય વડા પ્રધાન તરીકેનું સંબોધન કર્યું પણ હું તમારા પરિવારનો જ એક હિસ્સો છું. ન તો હું મુખ્ય પ્રધાન છું કે ન તો હું પીએમ છું.
વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે તેઓ ચાર પેઢીઓથી બોહરા સમાજ સાથે સંકળાયેલા છે અને આ પહેલાં પણ પીએમ મોદી બોહરા સમાજના કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે. પરંતુ આ વખતે આ કાર્યક્રમ ખાસ છે, કારણ કે ગયા મહિને દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે બધા ધર્મોના નબળા પાસા સુધી આપણને પહોંચવાનું છે. જેમાં બીજેપી 2024ના લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાની તૈયારીના રૂપમાં જોવામાં આવે છે.
પીએમ મોદીએ બેઠકમાં એવું પણ કહ્યું હતું કે કોઈ આપણને વોટ આપે કે ના આપે, પણ આપણે સમાજના દરેક વર્ગ સુધી પહોંચવું પડશે. શું એવામાં તેમની આ પહેલ 2024માં મુસલમાનોને બીજેપી સાથે દોડી શકશે? અત્રે ઉલ્લેખનીય છે કે આ નવા કેમ્પસમાં 700 વિદ્યાર્થીઓ ભણી શકશે.