Homeલાડકીજે કારણે મને મૃત્યુદંડ આપ્યો એ કહેવાતા ષડ્યંત્ર વિશે મને જાણ પણ...

જે કારણે મને મૃત્યુદંડ આપ્યો એ કહેવાતા ષડ્યંત્ર વિશે મને જાણ પણ નથી

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૫)
નામ: મેરી સ્ટુઅર્ટ
સ્થળ: ટુટબેરી કેસલ (કિલ્લો)
સમય: ૧૫૬૯
ઉંમર: ૨૭ વર્ષ
કેટલીક બદનસીબી આપણા જન્મથી આપણા અંતિમ શ્ર્વાસ સુધી આપણી સાથે રહે છે. ગમે તેટલો પ્રયાસ કરવા છતાં આપણે નિયતિએ નિશ્ર્ચિત કરેલી કેટલીક બાબતોને બદલી શકતા નથી, એ વાત મને મારા જીવનના પ્રત્યેક વળાંકે વધુ ને વધુ દૃઢતાથી સમજાતી રહી છે.
હું સ્કોટલેન્ડની રાજકુમારી, ફ્રાન્સની રાણી, ઇંગ્લેન્ડની રાણીની સાથે લોહીની સગાઈ ધરાવતા ફર્સ્ટ કઝિન હોવા છતાં મારા જીવનનો એક પણ દિવસ મેં શાંતિથી કે નિરાંતે વિતાવ્યો નથી. આજે, ટુટબેરીના કિલ્લામાં કેદ થઈને મારા મૃત્યુની પ્રતીક્ષા કરી રહી છું ત્યારે મારી કઝિન એલિઝાબેથ (પ્રથમ)ને મેં અનેક પત્રો લખ્યાં છે. મેં એને વચન આપ્યું છે કે, જો એ મને જીવતી છોડી દેશે તો હું જીવનમાં ક્યારેય એના સિંહાસન તરફ નજર નહીં નાખું… મેં ઇંગ્લેન્ડની તખ્ત પરથી મારો અધિકાર પાછો ખેંચી લેવાનું પણ વચન આપ્યું છે. તેમ છતાં એલિઝાબેથ (પ્રથમ)ને મારા પર સતત અવિશ્ર્વાસ રહે છે.
મારા પતિ લોર્ડ ડાર્ન્લેની હત્યા પછી હું મારા પુત્ર જેમ્સને સ્ટર્લિંગમાં મળી. ડાર્ન્લેની હત્યા માટે લોર્ડ બોથવેલને દોષિત માનવામાં આવતા હતા, પરંતુ અંતે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે નિર્દોષ જાહેર કર્યા. હું માનતી હતી કે એ મારા ઉત્તમ મિત્ર છે, પરંતુ સમય જતાં મને સમજાયું કે, એ મારી સાથે લગ્ન કરવા માંગતા હતા… એમણે પાદરીઓ, સામંતો અને સ્કોટલેન્ડના જાણીતા નાગરિકોને વચ્ચે નાખીને મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. હું એમને જવાબ આપું એ પહેલાં સ્ટર્લિંગથી એડિનબર્ગ જતા મારું અપહરણ કરવામાં આવ્યું, મને જબરજસ્તી ડનબારના કિલ્લામાં લઇ જવામાં આવી અને ત્યાં બોથવેલે મારી સાથે લગ્ન કર્યાં.
મોટાભાગના લોકો માનતા હતા અને એ પછી ઇતિહાસકારોએ પણ એ વાતની પુષ્ટિ કરી કે બોથવેલ અને હું એકમેકના પ્રેમમાં હતા એટલું જ નહીં ડાર્ન્લેની હત્યાનો પ્લાન અમે બંને જણાએ મળીને બનાવ્યો હતો. ન ત્યારે કોઈએ મને પૂછ્યું, ન એ પછી, ઇતિહાસ લખનારા કોઈએ સાચી તપાસ કરવાનો પ્રયાસ કર્યો!
લોર્ડ બોથવેલ મારા બીજા પતિ ડાર્ન્લેથી જુદો ન હતો. મારી સાથે લગ્ન કર્યા પછી એણે સ્કોટલેન્ડના મંત્રીઓ, દરબારીઓ સાથે ખૂબ ખરાબ વર્તાવ કરવા માંડ્યો. કેથલિક ચર્ચે અમારા લગ્નને ગેરકાયદે ઠેરવ્યા કારણ કે, પ્રોટેસ્ટન્ટ રિવાજોથી થયેલા લગ્નને સ્વીકારવા એ લોકો તૈયાર ન હતા. બીજી તરફ પ્રોટેસ્ટન્ટ લોકો માનતા હતા કે મેં બોથવેલ સાથે લગ્ન કરવા માટે ડાર્ન્લેની હત્યા કરી… એટલે પ્રોટેસ્ટન્ટ લોકો પણ મારો સાથ આપવા તૈયાર નહોતા. એટલી હદ સુધી, હું નિરાશ થઈ ગઈ હતી કે, મારા પતિ લોર્ડ બોથવેલ હવે મારા જીવન માટે ભયજનક બની ગયા. એમણે સ્કોટલેન્ડના કેટલાક કેથોલિક સામંતોનો સાથ લઈને મારા પર હુમલો કર્યો. મારા સૈનિકોએ દગો કર્યો અને મને બંદી બનાવી લેવામાં આવી. કૈબૈરી હિલ પર થયેલા આ હુમલા પછી મને એડિનબર્ગ લઇ જવામાં આવી, જ્યાં એકત્રિત થયેલી ભીડે મને ‘ચારિત્ર્યહીન’ અને ‘પતિની હત્યારિણી’ જેવી બૂમો પાડીને મને ખૂબ અપમાનિત કરી. ત્યાંથી મને લોકલેવનના કિલ્લામાં લઇ જઈને કેદ કરી દેવામાં આવી. ત્યાં મારા પર એટલા માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં આવ્યા કે મારી કૂખમાં આકાર લઇ રહેલું લોર્ડ ડાર્ન્લેનું બીજું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું. મારા એક વર્ષના પુત્ર જેમ્સ (સિક્સ્થ) માટે રાણીપદેથી રાજીનામું આપીને મારી સત્તા જેમ્સ(સિક્સ્થ)ને મારા પુત્રને સોંપવામાં આવી. આ બધાંની પાછળ મારો ઓરમાન ભાઈ મોરે હતો, એ વાતની જાણ મને ખૂબ મોડેથી થઈ. રાજીનામું લખાવી લીધા પછી જેમ્સને વારસદાર
જાહેર કરાવી લીધા પછી મોરેનો મુખવટો ઊતર્યો અને ત્યારે મને સમજાયું કે જે અત્યાર સુધી મારા વિશ્ર્વાસુ અને હિતેચ્છુ બનવાનો દાવો કરતો હતો એ જ મારો ઓરમાન ભાઈ સૌથી મોટો દુશ્મન હતો. મને પદભ્રષ્ટ કરીને મોરેએ બોથવેલને દેશનિકાલ કર્યા. એમને ડેન્માર્ક મોકલી આપવામાં આવ્યા, જ્યાં એમને એવી દવાઓ આપવામાં આવી, જેનાથી તે ધીમે ધીમે પાગલ થઇ ગયા.
બોથવેલના અંતનો મને બહુ અફસોસ નથી. કારણ કે હું તેને ક્યારેય પ્રેમ કરતી ન હતી. ડાર્ન્લેના મૃત્યુનો પણ મને એવો આઘાત લાગ્યો નથી, પરંતુ મારા ભાઈ મોરે અને કઝિન એલિઝાબેથ (પ્રથમ) ના ક્રૂર અને નિર્દયી વર્તાવથી મારું દિલ તૂટી ગયું હતું. એ સૌને હું થ્રેટ-ધમકી કે ખતરારૂપ લાગતી હતી, એ બધા જાણતા હતા કે હું બુદ્ધિશાળી, કાબેલ અને ભણેલી હતી. મારી મહત્ત્વાકાંક્ષાઓ એમની જાણ બહાર ન હતી. ને સાચું પૂછો તો હું અત્યારે પણ મારી જાતને એલિઝાબેથ(પ્રથમ) કરતા વધુ લાયક અને વધુ અધિકાર માનું છું. જો કે એલિઝાબેથ મને ધિક્કારે છે અને મારું મૃત્યુ ઇચ્છે છે, એ વાતની ખબર પણ મને મોડી પડી! ક્યાંય સુધી તો એણે પણ મારી મદદગાર અને હિતેચ્છુ હોવાનું મહોરું પહેરી રાખ્યું. મારી પીઠ પાછળ એ મારા વિરોધીઓને મદદ કરતી રહી.
લોકલેવનના કિલ્લામાં ગર્ભપાત પછી મારું સ્વાસ્થ્ય ખૂબ કથળી ગયું હતુ, પરંતુ મને તબીબી સારવાર આપવાને બદલે મારી પાસે કામ કરાવવામાં આવતું. હું મારી કુદરતી મૃત્યુથી મારી જાઉં અને મારા મૃત્યુનું કારણ મારી નાદુરસ્ત તબિયત આપી શકાય તો સૌ મારી હત્યાના આરોપમાંથી મુક્ત રહે, એવો વિચાર હશે કદાચ, પરંતુ હું એમ હારું એવી નથી. જ્યોર્જ ડગ્લાસની મદદથી હું મારા લોકલેવનના કેદખાનામાંથી ભાગી. મૂર્ખની જેમ મેં મારા ભાગવાના અને ઉત્તર ઇંગ્લેન્ડના વર્કિંગ્ટનના કિલ્લામાં છુપાયા હોવાના સમાચાર એલિઝાબેથને મોકલ્યા. હું માનતી હતી કે એલિઝાબેથ સ્કોટલેન્ડ સત્તા મેળવવામાં મારી મદદ કરશે, પરંતુ એણે પહેલીવાર પોત પ્રકાશ્યું અને પોતાના ૨૬ દરબારીઓને ભેગા કરીને મારી વિરુદ્ધ થયેલા વિદ્રોહનું કારણ શોધવા, ડાર્ન્લે અને બોથવેલ બંને સાથે મેં રચેલાં ષડયંત્રોની તપાસ કરવા માટે એક તપાસ સમિતિની રચના કરી. પહેલાં યોર્ક અને પછી વેસ્ટ મિનિસ્ટરમાં મારી વિરુદ્ધ મુકદૃમો દાખલ કરવામાં આવ્યો. જો કે, મારા ફ્રાન્સના નિવાસ અને શિક્ષણ દરમિયાન મને શીખવવામાં આવ્યું હતું કે રાજ પરિવારની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ મુકદૃમો ચલાવવાનો અધિકાર યુરોપના કોઈ દેશની સંસદને આપવામાં આવ્યો નથી. માટે રાજપરિવારની વ્યક્તિઓ વિરુદ્ધ ફક્ત રાજસી પરિવારના લોકો જ મુકદૃમો ચલાવી શકે, એ વાતની મને ખબર હતી. મેં ૨૬ દરબારીઓની એ તપાસ સમિતિનો વિરોધ કર્યો, એટલું જ નહિ એમના પ્રશ્ર્નોના ઉત્તર આપવાની સ્પષ્ટ ના પાડી.
જો મારી પૂછપરછ ન થઇ શકે તો મારી વિરુદ્ધ કોઈ પુરાવા નહિ મળે એની મને ખબર હતી, એટલે હું સહકાર આપવા તૈયાર જ ન થઇ, પરંતુ એલિઝાબેથ મારાથી વધુ ચાલાક નીકળી. એણે લીથના મારા ઘરમાંથી એક ચાંદીની કાસ્કેટ(બેગ) શોધી કાઢી, જેમાં બોથવેલને લખેલા કેટલાક પત્રો એને મળી આવ્યા. એ પત્રોમાં શું હતું એ કદી મને કહેવામાં ન આવ્યું, પરંતુ એલિઝાબેથ (પ્રથમ)ની સામે એ પત્રો મારા ષડયંત્રના પુરાવા સ્વરૂપ રજૂ કરવામાં આવ્યા. નવાઈની વાત એ છે કે એ પત્રો મેં ક્યારેય જોયા જ નહિ, પરંતુ એમાં ડાર્ન્લેના ખૂન બદલ મને થતા પશ્ર્ચાતાપની વાતો, બોથવેલ સાથે મળીને એલિઝાબેથને ઉથલાવવાનાં ષડયંત્રોની વિગતો હતી, એમ કહીને મને દોષિત સાબિત કરવામાં આવી. આ બધું એવી રીતે ગોઠવાતું ગયું, જેમાં મારે ક્યાંય, કશું કહેવાનું હતું જ નહીં. મને કશું જ પૂછવામાં ન આવ્યું. ફક્ત સીધો નિર્ણય સંભળાવવામાં આવ્યો, જ્યાં મને વિરોધ કરવાનો પણ સમય કે તક આપી નહીં. એ પછી મને ટૂટબેરીના કિલ્લામાં લઇ જવામાં આવી. આ કિલ્લો સ્કોટલેન્ડ અને લંડન બંનેની બહાર હતો. મને સોળ જેટલા અંગત અનુચર આપવામાં આવ્યા, જેમાંથી ચાર મારી એવી મિત્રો હતી, જે બાળપણથી મારી સાથે હતી. એ ચારેયના નામ મેરી હતા.
મને મારી મરજીનું ભોજન મળતું. પણ કોઈને મળવાની કે મારા નિવાસસ્થાનમાંથી બહાર નીકળવાની પરવાનગી નહોતી. જે પત્રો મને બતાવવામાં ન આવ્યા, એ પત્રોને ‘લેટર્સ ઓફ કાસ્કેટ’ના નામે છપાવીને લંડનમાં એનું વિતરણ કરવામાં આવ્યું.
મેં ખૂબ પ્રયાસ કર્યો પણ પત્રો મારા સુધી ક્યારેય ના પહોંચ્યા.
એક તરફ એલિઝાબેથના મંત્રીએ સેસિલ અને વાલ્સિંઘમે મળીને સેફ્ટી ઓફ દ ક્વીન એક્ટ ૧૫૮૪,નો કાયદો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં એલિઝાબેથની વિરુદ્ધ ષડયંત્ર રચનારાને મૃત્યુદંડથી ઓછી સજા ન થવી જોઈએ, એવો કાયદો પસાર થયો. નવાઈની વાત એ છે કે, આ કાયદો જાણે મારા માટે જ બનાવવામાં આવ્યો હોય એમ ૩૬ ન્યાયાધીશોની સામે મને રજૂ કરવામાં આવી અને એમાંના એકને છોડીને સૌએ મને ગુનેગાર ઠેરવી.
એક તરફ એલિઝાબેથ મને મળવા આવી, એણે પોતાના પ્રેમ અને સ્નેહનું વરવું પ્રદર્શન કરી મારા પરત્વે લાગણી દેખાડવાનો જૂઠો પ્રયત્ન કર્યો, પરંતુ હવે મારે કશું જ કહેવાનું નથી. ૧ ફેબ્રુઆરી ૧૫૮૭ના દિવસે એલિઝાબેથે મારા મૃત્યુદંડ પર હસ્તાક્ષર કર્યાં, જો કે હજી તારીખ નિશ્ર્ચિત કરવામાં આવી ન હતી. એલિઝાબેથ એના દરબારીઓને મોકલીને મને દિલાસો આપવાનો પ્રયત્ન કરતી રહી કે જ્યાં સુધી મૃત્યુદંડ આપવાની તારીખ નક્કી નથી થતી ત્યાં સુધી એ મને બચાવવાનો પૂરો પ્રયાસ કરશે… પણ હું જાણી ગઈ હતી. મેં મારા છેલ્લા દિવસો ફ્રાન્સના રાજાને મારી આખરી ઇચ્છા જણાવતા પત્રો લખીને પૂરા કર્યાં.
એલિઝાબેથના કહેવા મુજબ એની જાણ બહાર, ઇંગ્લેન્ડ દરબારના દસ સદસ્યો સાથે મળીને સેસિલે ૭મી ફેબ્રુઆરીએ મને મૃત્યુદંડ આપવાની જાહેરાત કરી દીધી. ગ્રે રંગના એક ચબૂતરા પર ત્રણ સ્ટૂલ હતા, ત્યાં ગિલોટિન ગોઠવવામાં આવ્યો હતો. ગિલોટિનના જલ્લાદોએ મને પ્રણામ કરીને મારી ક્ષમા માગી. મેં એમને જવાબ આપ્યો ‘હું તમને ક્ષમા કરું છું. મને આશા છે કે અહીં મારા તમામ દુ:ખનો અંત આવશે.’ પહેલા ઝટકામાં મારું માથું કપાયું નહિ એટલે ગિલોટિનને બીજી વાર મારા માથા પર પછાડવામાં આવ્યો. મારું માથું કપાઈને જમીન પર દડાની જેમ દદડી ગયું. જલ્લાદના હાથમાં મારી વિગ રહી ગઈ, જેની કોઈને જાણ નહોતી.
નોંધ: મારો પ્રિય કૂતરો મારાં વસ્ત્રોની અંદર છુપાયેલો હતો, જેના પર મારું લોહી પડ્યું. એ મારા ધડ પાસે જ બેસી રહ્યો. મારા કપડાં દાગીના અને બીજી બધી વસ્તુઓ ધ ગ્રેટ હોલની ચીમનીમાં સળગાવી દેવામાં આવ્યા. એક ‘બદનસીબ મેરી’ના જીવનનો અંત આવ્યો. ફ્રાન્સમાં મારા શરીરને દફનાવવાની આખરી ઇચ્છા પણ પૂરી કરવામાં ન આવી.
અઢીસો વર્ષ પછી ૧૬૧૨માં મારા પુત્ર અને ઇંગ્લેન્ડના નવા રાજા જેમ્સ(પ્રથમ) દ્વારા મારું શરીર ફરી બહાર કાઢવામાં આવ્યું અને વેસ્ટમિનિસ્ટર એબીમાં એલિઝાબેથ(પ્રથમ)ની કબર સામે પૂરા સન્માન સાથે દફનાવવામાં આવ્યું. (સમાપ્ત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular