Homeલાડકીહું હનુમાન અને ભારત દેશ મારો રામ: સુચેતા કૃપલાણી

હું હનુમાન અને ભારત દેશ મારો રામ: સુચેતા કૃપલાણી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એક એવાં સ્વાતંત્ર્યસેનાની જે આઝાદી મળ્યા બાદ કોંગ્રેસનાં મહાસચિવ બન્યાં, મહિલા અને શ્રમ વિભાગનાં પ્રધાન થયાં અને ભારતના એક રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યાં…
જી હા… વાત સુચેતા કૃપલાણીની છે. ભારતનાં અને ઉત્તર પ્રદેશનાં પહેલાં મહિલા મુખ્ય પ્રધાન. સુચેતાએ ૧૯૩૯માં નોકરી છોડીને સ્વરાજની લડતમાં ઝુકાવેલું. ગાંધીજીએ ઉત્તર પ્રદેશના વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ૧૯૪૦માં તેમની પસંદગી કરેલી. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં ઊતરીને એમણે પ્રવૃત્તિઓ કરેલી. ૧૯૪૬માં કેન્દ્રીય વિધાનસભાનાં સદસ્ય બન્યાં, ૧૯૪૬માં જ બંધારણસભાનાં સભ્ય બન્યાં, ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના પંડિત જવાહરલાલ નેહરુના ઐતિહાસિક ભાષણ પહેલાં એમણે સુરીલા કંઠે રાષ્ટ્રગાન ગાયેલું, ૧૯૪૮માં પહેલી વાર વિધાનસભ્ય બન્યાં, ૧૯૫૨ અને ૧૯૫૭માં સંસદસભ્ય બન્યાં, લઘુ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યપ્રધાન રહ્યાં, ૨ ઓક્ટોબર, ૧૯૬૩થી ૧૩ માર્ચ, ૧૯૬૭ સુધી ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન રહ્યાં અને ‘એન અનફિનિશ્ડ બાયોગ્રાફી’ નામે આત્મકથા લખી.
સુચેતા મૂળ બંગાળનાં બ્રાહ્મણ પરિવારનાં. હરિયાણાના અંબાલા ખાતે ૨૫ જૂન, ૧૯૦૮ના જન્મ થયો. પિતા સુરેન્દ્રનાથ મજુમદાર ચિકિત્સા અધિકારી હતા. એક બહેન હતી સુલેખા નામની. સુચેતા અને સુલેખા બેય અંગ્રેજોને ધિક્કારતાં. બન્નેના બાળપણમાં એક ભીષણ ઘટના બનેલી. પંજાબના અમૃતસરમાં સુવર્ણમંદિર નજીક જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરના ઇશારે હીચકારો હત્યાકાંડ સર્જાયો. ૧૯૧૯માં મોતનું આ તાંડવ રચાયું ત્યારે સુચેતાની ઉંમર અગિયારેક વર્ષની.
અંગ્રેજ સરકાર પ્રત્યેના તિરસ્કારને કારણે સુચેતા અને સુલેખા બેય આઝાદી આંદોલનમાં જોડવા ઉત્સુક હતાં. સુચેતાએ આત્મકથામાં લખ્યું છે કે ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી પ્રિન્સ ઓફ વેલ્સ દિલ્હી આવેલા. એ વખતે અમારા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને પ્રિન્સનું સ્વાગત કરવા ખડી કરી દેવાયેલી. આ ઘટના પછી અમને અમારી કાયરતા પર ખૂબ ગુસ્સો આવ્યો. અમારી કાયરતાને કારણે અમે અમારી નજરમાંથી ઊતરી ગયાં.’
નાનપણમાં સુચેતા ભલે ખુદની નજરમાંથી નીચે ઊતરી ગયાં, પણ મોટાં થયા પછી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈને એમણે એવું કામ કર્યું કે દેશવાસીઓની નજરમાં ઉપર ઊઠ્યાં. પંજાબની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાં ભણવાનું પૂરું કર્યા પછી સુચેતા એકવીસ વર્ષની ઉંમરે આઝાદીના આંદોલનમાં કૂદી પડવા થનગનતાં હતાં, પણ ૧૯૨૯માં પિતા અને બહેનનું મૃત્યુ થયું. એટલે કૌટુંબિક જવાબદારીઓ સુચેતાને ખભે આવી પડી. સુચેતાએ બનારસ હિંદુ વિશ્ર્વ વિદ્યાલયમાં અધ્યાપક તરીકેની નોકરી સ્વીકારી લીધી. જોકે આઝાદીના આંદોલનથી એ પોતાને અળગાં રાખી શકતાં નહોતાં.
બનારસ હિંદુ વિશ્ર્વ વિદ્યાલય શિક્ષણકેન્દ્ર હોવાની સાથે સ્વાતંત્ર્યસેનાનીઓનો ગઢ પણ હતું. આચાર્ય કૃપલાણી તરીકે જાણીતા થયેલા નેતા જીવતરામ ભગવાનદાસ કૃપલાણી સ્વતંત્રતાની લડત કાજે સ્વયંસેવકો મેળવવા અવારનવાર આવતા. આવી જ એક મુલાકાત દરમિયાન સુચેતા અને કૃપલાણીનો મેળાપ થયો. સ્વતંત્રતાના સમાન ઉદ્દેશને પગલે પરિચય વધ્યો. પરસ્પરના વિચારો ભણી આકર્ષાયાં.
વર્ષ ૧૯૩૮… સુચેતાએ પોતાનાથી વીસ વર્ષ મોટા આચાર્ય કૃપલાણી સાથે જીવન જોડવાનું નક્કી કર્યું. પરિવારે સ્વાભાવિક જ વિરોધ કર્યો. ગાંધીજીએ પણ આ લગ્નમાં નામરજી દર્શાવી. સુચેતાને ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર હોવા છતાં એ પોતાના નિર્ણયને વળગી રહ્યાં. કૃપલાણી ગાંધીજીના જમણા હાથ સમાન હતા. જો એ લગ્ન કરશે તો કૃપલાણી આઝાદીના આંદોલનમાંથી વેગળા થઇ જશે એવો ભય ગાંધીજીને હતો. સુચેતાએ કહ્યું: કૃપલાણી આઝાદીના આંદોલનથી છેડો ફાડે એવું કાંઈક હું કરું તો તો એ અનૈતિકતા અને બેઈમાની ગણાશે. બાપુ, તમે એવું વિચારો કે કૃપલાણી સાથે મારાં લગ્ન થશે તો તમને સ્વતંત્રતા સંગ્રામ માટે બે કાર્યકર્તા મળશે. આમ સુચેતા અને કૃપલાણી લગ્નબંધનમાં બંધાયાં.
મજુમદારમાંથી કૃપલાણી બન્યા પછી સુચેતા સંપૂર્ણપણે સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત થઇ ગયાં. આ ગાળામાં ૩ સપ્ટેમ્બર, ૧૯૩૯ના તત્કાલીન વાઇસરોય લોર્ડ લિનલિથગોએ એવી ઘોષણા કરી કે દ્વિતીય વિશ્ર્વયુદ્ધમાં ભારત પણ સામેલ છે. વાઇસરોયે આ જાહેરાત કરતાં પહેલાં એકપણ રાજકીય પક્ષ સાથે ચર્ચાવિચારણા કરી નહોતી, એથી મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારની યુદ્ધનીતિનો વિરોધ કરવા માટે ૧૯૪૦માં અહિંસાત્મક વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો.
વ્યક્તિગત સત્યાગ્રહ એટલે સામૂહિક આંદોલન ન કરતાં વ્યક્તિગત રીતે સરકારની નીતિઓના વિરોધમાં સત્યાગ્રહ કરવો. ગાંધીજી દ્વારા પસંદ કરાયેલા સત્યાગ્રહીઓ એક એક કરીને સાર્વજનિક સ્થળોએ પહોંચીને યુદ્ધવિરોધી ભાષણ આપીને ધરપકડ વહોરશે એવું નક્કી કરાયેલું. વળી ભાષણ પહેલાં સત્યાગ્રહી પોતાના સત્યાગ્રહ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ પણ કરશે એવો નિર્ણય લેવાયેલો. ઉત્તર પ્રદેશના સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ સુચેતાની પસંદગી કરી. આ ગાળામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મહિલા શાખા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની સ્થાપના સુચેતા કરી ચૂકેલાં. ડિસેમ્બર, ૧૯૪૦માં સુચેતા
ફૈઝાબાદ જિલ્લામાં સત્યાગ્રહ કરવા ગયાં, પણ સત્યાગ્રહ સ્થળે પહોંચતાં પહેલાં જ સુચેતાની ધરપકડ કરવામાં આવી. એક વર્ષનો કારાવાસ થયો. થોડાક સમય માટે ફૈઝાબાદની જેલમાં સુચેતાને રખાયાં. પછી લખનઉની કેન્દ્રીય જેલમાં મોકલી અપાયાં.
જેલમુક્ત થયા પછી સુચેતા રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાઈ ગયાં. ઓગસ્ટ, ૧૯૪૨માં મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. એમાં કૃપલાણી સાથે સુચેતાએ હાજરી આપી. ‘હિન્દ છોડો’નો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. બીજે દિવસે સવારે ગાંધીજી અને આચાર્ય કૃપલાણી સહિત અનેક કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. સુચેતા ભૂગર્ભવાસમાં જતાં રહ્યાં. ભૂમિગત રેડિયો કેન્દ્ર ચલાવીને સમાચારોનું પ્રસારણ કર્યું. જોકે સરકારે રેડિયો કેન્દ્રનું ઠેકાણું શોધીને એના પર પ્રતિબંધ મૂકી દીધો.
ભૂગર્ભમાં રહીને સુચેતાએ મહિલા સ્વયંસેવિકાઓનું દળ ઊભું કર્યું. દેશભરમાં સ્ત્રીસ્વયંસેવિકાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં મહિલા સમિતિઓનું નિર્માણ કર્યું. આ સમિતિઓ કોંગ્રેસ અંગેની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરતી. સાથે જ મહિલાઓને ચરખો ચલાવવા ઉપરાંત વણાટકામ પણ શીખવતી. આ અરસામાં, ૧૯૪૪માં સુચેતાની ફરી ધરપકડ કરાઈ. પટણા અને લાહોર જેલનાં કેદી તરીકે સમય ગાળ્યા બાદ ૧૯૪૫માં સુચેતા કારાવાસમાંથી બહાર આવ્યાં.
દરમિયાન, ૧૦ ઓક્ટોબર, ૧૯૪૬ના નોઆખલીમાં નરસંહાર થયો. રાહતકાર્યો કરવા માટે સુચેતા ગાંધીજી સાથે નોઆખલી ગયાં. છાવણીમાં રાહતસામગ્રી વહેંચતાં હતાં ત્યારે ગાંધીજીએ સુચેતાને મહત્ત્વની શીખ આપી: આપણે શરણાર્થીઓનું આત્મસન્માન છીનવવાનું નથી. એમને ભિખારી બનાવવાના નથી.
ગાંધીજીના ન બોલાયેલા શબ્દો સુચેતાએ સાંભળી લીધા કે શરણાર્થીઓને કામના બદલામાં સહાય કરવાની હતી. સુચેતા ગાંધીજી પાસેથી જીવનના ઘણા પાઠ શીખેલાં. આ સંદર્ભમાં સુચેતાના શબ્દો સાંભળીએ: હું ગાંધીજી પાસેથી એવું શીખી કે લોકોને બાહ્ય રીતે મદદ કરવી પૂરતું નથી. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે લોકો ખુદ પોતાની મદદ કરી શકે, તાકાત આપણે એમને પૂરી પાડી શકીએ.
સુચેતાએ ગાંધીજીની શિખામણ પોતાનાં કાર્યોમાં ઉતારી. આઝાદી પછી રાજકારણમાં એમણે પ્રવેશ કર્યો. રાજકારણની કાજળકોટડીમાં રહીને પોતાનાં વસ્ત્રો પર છાંટા ન ઊડે એની કાળજી રાખી. સ્વતંત્રતા પછી આચાર્ય કૃપલાણીએ નેહરુ સાથે મતભેદ થતાં પોતાનો કિસાન મજદૂર પ્રજા પાર્ટી નામનો પક્ષ ઊભો કર્યો. સુચેતા એમાં જોડાયાં, પણ પછી કોંગ્રેસમાં પાછાં ફર્યાં. સામસામેના પક્ષને વરેલાં હોવા છતાં પતિપત્નીના સંબંધો મધુર જ રહ્યા. એમાં ક્યારેય કડવાશ ન આવી.
સુચેતાએ ૧૯૭૧માં રાજકારણમાંથી સંન્યાસ લઇ લીધો. ત્રણ વર્ષ બાદ ૧ ડિસેમ્બર, ૧૯૭૪ના એમનું અવસાન થયું, પણ એમના દેશભક્તિભર્યા શબ્દો કાયમ વાતાવરણમાં ગુંજતા રહેશે:
હું હનુમાન છું અને ભારત દેશ મારો રામ છે,
છાતી ચીરીને જોઈ લ્યો, દિલમાં હિંદુસ્તાન છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular