‘લોકશાહી ખતરામાં’: કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ નિર્ણયને વખોડ્યો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરનેમ મુદ્દે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટિપ્પણી કરવાના કિસ્સામાં બે વર્ષની જેલની સજાના 24 કલાકમાં તેમનું સંસદસભ્યનું પદ રદ કરવામાં આવ્યું હતું. સંસદસભ્ય રદ કરવામાં આવ્યા પછી રાહુલ ગાંધીએ સૌથી પહેલી પ્રતિક્રિયા આપતા ટવિટ કરીને લખ્યું હતું કે ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈ પણ કિંમત ચૂકવવા પણ તૈયાર છું.’ સોશિયલ મીડિયા પર ટવિટ કર્યા પછી ગણતરીની મિનિટમાં લોકોએ તેમને સમર્થન આપ્યું હતું.
એક યૂઝરે લખ્યું હતું કે ‘ડરો મત, ઈસસે આપકો મજબૂતી મિલેગી, આફત કો અવસર મેં બદલો.’ સાંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યા પછી તેના વિરોધમાં વિરોધપક્ષના વિવિધ પક્ષના સાંસદોએ રાષ્ટ્રપતિભવન સુધી વિરોધ માર્ચ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદોએ વિજયચૌક નજીક વિરોધમાં માર્ચ શરુ કરી હતી, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તેમને મંજૂરી આપી નહોતી. સાંસદોના વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે વિજયચૌક નજીક અમુક સાંસદોની અટક પણ કરી હતી. આ મુદ્દે પોલીસે કહ્યું હતું કે સાંસદોને રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
मैं हर कीमत चुकाने को तैयार हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ રાહુલ ગાંધીનું સંસદસભ્યનું પદ રદ કરવા માટે તમામ પ્રયાસ કર્યા છે, જે સત્ય બોલે છે તેમને તેઓ રાખવા માગતા નથી. લોકશાહીને બચાવવા જરૂર પડી તો જેલ પણ જઈશું અને જીપીસીની માગ ચાલુ રાખીશું. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ આ નિર્ણયને વખોડીને તેની આકરી ટીકા કરી હતી. ભાજપના વડા જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો અને સમજણ નાની છે. પોતાના રાજકીય લાભ માટે રાહુલ ગાંધી સમગ્ર ઓબીસી સમજાનું પણ અપમાન કરીને ચોર કહ્યા હતા. સમાજ અને કોર્ટ દ્વારા વારંવાર સમજાવવા અને માફી માગવાના વિકલ્પની પણ તેમના અવગણના કરવામાં આવી હતી. ઓબીસી સમુદાયના લોકોની લાગણીઓને નિરંતર ઠેસ પહોંચાડી હતી.