Hyderabad: હૈદરાબાદમાં પયગંબર મોહમ્મદ(Prophet Muhammad)  પર વિવાદસ્પદ ટીપ્પણી કરવા બદલ તેલંગાણાના બીજેપી(Telangana BJP) વિધાનસભ્ય ટી રાજાની(T Raja) હૈદરાબાદ સિટી ટાસ્કફોર્સ અને શાહિનયાથગંજ પોલીસે ધરપકડ(Arrested) કરી છે. તેલંગાણાના ભાજપના વિધાનસભ્ય ટી રાજાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શહેરમાં માહોલ તંગ બન્યો હતો. તેમના નિવેદન બાદ હૈદરાબાદમાં ગત સાંજથી દેખાવો થઇ રહ્યા છે. તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા હતા ત્યારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આરોપ છે.
ટી રાજાની ધરપકડ અંગે માહિતી આપતા હૈદરાબાદ દક્ષિણ ઝોનના ડીસીપી એ જણાવ્યું હતું કે, વિધાનસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ પયગંબર મોહમ્મદ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. રાજા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.
સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીએ(Munawar Faruqui) હૈદરાબાદમાં એક શો કર્યો હતો, પરંતુ ટી રાજાએ શો પહેલા કહ્યું હતું કે જો તેલંગાણા સરકાર અને હૈદરાબાદ પોલીસ મુનવ્વર ફારૂકીના શોને મંજૂરી આપશે તો તે વિવાદાસ્પદ ટિપ્પણી કરશે. રાજા સિંહનો આરોપ છે કે મુનવ્વર ફારૂકી તેના શોમાં હિન્દુ દેવી-દેવતાઓ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરે છે. આથી તેમણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરી. રાજાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેના કારણે ગઈકાલે રાત્રે સમગ્ર હૈદરાબાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું.
ભાજપના વિધાસભ્ય ટી રાજાના વિવાદાસ્પદ નિવેદનથી નારાજ લોકોએ હૈદરાબાદના દબીરપુરા ભવાની નગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરનારાઓમાં AIMIMના નેતાઓ પણ સામેલ હતા. નોંધનીય છે ભાજપના ધારાસભ્ય ટી રાજા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. ટી રાજા સિંહ તેલંગાણાની ગોશામહલ વિધાનસભા બેઠક પરથી વિધાનસભ્ય છે.

Google search engine