ઝારખંડઃ નવી દિલ્હીનો શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં દિવસે દિવસે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે ઝારખંડમાં શ્રદ્ધા વાલકર કરતાં પણ વધુ ક્રૂર હત્યાકાંડ સામે આવ્યો છે. ઝારખંડના સાહેબગંજમાં દિલદાર અંસારી (25)એ તેની પત્ની રિબિકા પહાડિન (22)ની હત્યા કરીને તેના મૃતદેહના 50થી વધુ ટુકડા કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા બાદ રિબિકાના શરીરના અનેક ટુકડા કરીને ગૂણીમાં ભરીને ઘરમાં રાખી મૂકવામાં આવ્યા હતા અને અમુક ટુકડા પોતાના ઘરની આસપાસના વિસ્તારમાં ફેંક્યા હતા. જ્યારે લોકોએ શ્ર્વાને માંસના ટુકડા ખાતા જોયા ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. શ્રદ્ધાની જેમ જ હજી સુધી પોલીસને રિબિકાનું માથુ નથી મળ્યું, પરંતુ તેના મૃતદેહના 14 ટુકડા મળ્યા છે. આરોપીના મામાના ઘરમાં જ આ હત્યા કરવા આવી હતી અને ત્યાર બાદ ઈલેક્ટ્રિક કટરથી મૃતદેહના 50થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું એક મહિના પહેલાં જ બંનેના લગ્ન થયા હતા અને રિબિકાના માતા-પિતાને આ સંબંધ માન્ય નહોતો. આરોપી અને રિબિકા સાથે જ રહેતાં હતા, પણ બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા. હાલમાં જ બંને વચ્ચેનો વિવાદ વકર્યો હતો અને ત્યાર બાદ આરોપીએ આ પગલું ભર્યું હતું.