હાલમાં તમે જે પણ કંઈ કરતા હોવ તે મહત્વનું હશે જ પણ અમુક ખૂબ જ મહત્વના કામ કરવા માટે તમારી પાસે માત્ર વીસેક જેટલા દિવસો જ રહ્યા છે. જી હા બરાબર સમજો છો. નાણાંકીય વર્ષ પૂરું થવા આવ્યું છે અને મહત્વના કામ કરવા માટે હવે થોડા જ દિવસો બચ્યાં છે. તો અહીંયા આપી છે યાદી કે આવનારા દિવસોમાં તમારે કરવાના સૌથી મહત્વના કામ ક્યા ક્યા છે.
1. પાન-આધાર કાર્ડ લિંકઃ આ સૌથી મહત્વનું કામ છે. ઘણા એક્સટેન્શન આપ્યા બાદ ઈન્કમ ટેક્સ ડિર્પાટમેન્ટે 31 માર્ચ, 2023ની છેલ્લી તારીખ આપી છે. આ બન્નેને લિંક કરવાનું કામ સૌથી પહેલા કરજો. જો આમ નહીં કરો તો પાન કાર્ડ નકામું થઈ જશે. 31મી સુધી લિંક કરવાનું મફત છે, પણ તે બાદ પહેલી એપ્રિલ, 2023થી રૂ. 1000 ફી પેટે ભરવા પડશે. જો આ બન્ને લિંક નહીં થયા હોય તો ડિમેટ ખાતુ ફ્રીઝ થઈ જશે, એસઆઈપીના ઈન્સ્ટોલમેન્ટ ડેબિટ નહીં થાય, ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં શકે, બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે અને પોસ્ટ ઓફિસ અથવા એફડી સહિતના બીજા ટ્રાન્સેક્શન પર પણ અસર થઈ શકે છે. આ કામ ખૂબ જ સરળ છે અને ઓનલાઈન થઈ શકે છે.
2. અપડેટેડ આઈટીઆર સબમિટ કરવોઃ નાણાંકીય વર્ષ 20219-20 કે 2020-21 માટેના આઈટીઆર સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. જો તેઓ આ સમયમર્યાદા ચૂકી જશે તો અપડેટેડ આઈટીઆર ફાઈલ કરી શકશે નહીં.
3. એડવાન્સ ટેક્સ પેમેન્ટઃ આ કામ માટે તમારી પાસે માત્ર પાંચ દિવસ છે. વર્ષ 2023 માટેની ડેડલાઈન 15મી માર્ચ છે.
4. ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટઃ ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં તમારી બેઝિક ઈન્કમ કરતા એન્યુઅલ ઈન્કમ વધારે હોય તો પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડ, ટેક્સ સેવિંગ બેંક એફડી વગેરે પર પણ નજર દોડાવવાનો આ સાચો સમય છે.
5. ટેક્સ સેવિંગ ઈન્સ્યોરન્સઃ નિષ્ણાતો હંમેશાં લાઈફ ઈન્સ્યોરન્સને બચતની રીતે જુએ છે અને આને એક રોકાણ જ સમજે છે. નવા વર્ષથી એટલે કે એપ્રિલ 2023થી પાંચ લાખ કરતા વધારે વાર્ષિક પ્રિમિયમનાં લાઈફ ઈન્સ્યોરન્સ પર ટેક્સ લગાડવામાં આવશે. આથી જો તમે 31 માર્ચ પહેલા ઈન્સ્યોરન્સ લેશો તો તમારા પ્રિમિયમ પર ટેક્સ લાગશે નહીં.
