હ્યુમન્સ ઑફ બોમ્બે: શહેરના સામાન્ય જણની વાર્તા

ઇન્ટરવલ

આનન-ફાનન -પા-ર્થ દવે

હું વર્ષ ૧૯૭૦માં નેપાળથી અહીં (મુંબઈ) આવ્યો. મેં અહીંનાં નાનાં રેસ્ટોરાંમાં રસોઈયા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પંદરેક વર્ષ પછી મારા એક દોસ્તે જોયું કે હું દરરોજ પાછો ફરું છું ત્યારે મારા ઘરે કોઈ દરવાજો ખોલનારું નથી! તેણે મને કહ્યું કે ‘તારે લગ્ન કરી લેવાં જોઈએ. લાઈફ સેટ થઈ જશે!’ મેં એને પૂછ્યું કે ‘મારા જેવા નાનકડા હોટેલવાળા માણસ સાથે કોણ લગ્ન કરશે?’ તેણે કહ્યું, ‘એની ચિંતા ન કર!’ તે મને અલીબાગ પાસે આવેલા તેના ગામડે લઈ ગયો.
ત્યાં હું મારી થનારી પત્નીને મળ્યો! તેનો પરિવાર કોઈ એવી (યોગ્ય) વ્યક્તિની શોધમાં હતો જેની સાથે તેની દીકરીને પરણાવી શકે. મારા દોસ્તે તેના પરિવાર અને મારો ભેટો કરાવ્યો. તે સ્ત્રીએ આ હોટેલવાળા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી!
અમે બંને લોનાવલા સેટલ થયા. અમારી જિંદગી આગળ વધતી ગઈ. એવામાં લગ્નને ૬ વર્ષ થયાં હશે, એક દિવસ રેલવે ટ્રેક પર મારો અકસ્માત થયો અને એમાં મારે બંને પગ ગુમાવવા પડ્યા. તે સમયે મારાં બે નાનાં બાળકો હતાં. હું ભાંગી પડ્યો હતો. સખત ચિંતામાં હતો, પણ મારી પત્ની અમારા ઘરની કરોડરજ્જુ હતી. તે ખડકની જેમ ઊભી રહી. મને સાજો કરવામાં તેણે મદદ કરી અને હું મારી જિંદગી પ્રત્યે હકારાત્મક થાઉં તે માટે પ્રેરણા પણ આપી.
પછી… હું ફરીથી બેઠો થયો. મેં નોકરી માટે તકો શોધવા માંડી. નિશ્ર્ચય કર્યો કે હવે હાર નહીં માનું. ક્વિટ નહીં કરું ક્યારેય. પત્નીએ મને કોઈ પણ હાલમાં છોડ્યો નહોતો. જે રીતે મારી પત્નીએ મારા પર વિશ્ર્વાસ રાખ્યો તેવી જ રીતે હું પણ મારા અને મારા પરિવારમાં વિશ્ર્વાસ રાખીશ એવો નિશ્ર્ચય કર્યો. આખરે, એક ચાઈનીઝ રેસ્ટોરાંના માલિકે મારી તકલીફ તરફ નજર કરી અને તેણે મને પોતાના રેસ્ટોરાંમાં કામ આપ્યું. હવે તો હું ત્યાં કામ કરું છું તેને વર્ષો થયાં, પરંતુ હું આજે પણ માનું છું કે મારી પત્ની દુનિયાની સૌથી સારી શેફ (રસોઈયણ) છે. તેના હાથનું ખાવા માટે હું તલપાપડ હોઉં છું. હું જેના માટે જીવું છું, જેના કારણે મારા ચહેરા પર મુસ્કાન છે તે મારી પત્ની છે.
***
કેટલી સાદી-સરળ છતાંય રસપ્રદ વાર્તા! એક ઑફબીટ ફિલ્મ બની શકે એવી વાર્તા છે, પણ વાસ્તવિક વાત છે. એવા મુંબઈકરની વાત છે જે બહારથી – નેપાળથી આવીને વસ્યા છે. આવા સેંકડો મુંબઈકરની વાત સોશિયલ મીડિયા પરના ‘પેજ હ્યુમન્સ ઑફ મુંબઈ’ પર ૨૦૧૪થી લખાય છે. તેમાં મુંબઈની સડકો, રસ્તાઓ, ગલીઓમાં ફરતી કોઈ પણ સામાન્ય વ્યક્તિની વાર્તા, તેની પર્સનલ કે ધંધાકીય જિંદગી વિશે તેના એક ફોટોગ્રાફ સાથે લખેલી જોવા મળે. લોકોનું ધ્યાન આ ફેસબુક પેજ અને ત્યાર બાદ બનેલી વેબસાઈટ પર એટલે ગયું કે ૨૦૧૯ના જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પેજને ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે કહેલું કે ‘દિવાળીના પાંચ દિવસો હું જંગલમાં જતો રહેતો. ત્યાં ખુદની શોધમાં માત્ર શુદ્ધ પાણી પીને પાંચ દિવસ પસાર કરતો. લોકો એ વખતે મને પૂછતા કે કોને મળવા જાઓ છો? હું કહેતો કે ખુદને મળવા જઉં છું!’
‘હ્યુમન્સ ઑફ મુંબઈ’ નામનું આ ફેસબુક પેજ એક મૂળ ગુજરાતી યુવતી કરિશ્મા મહેતા ચલાવે છે. રાધર, તેણે તેની શરૂઆત કરી હતી. અત્યારે તે તેની સીઈઓ અને ફાઉન્ડર તરીકે ઓળખાય છે. મૂળ તો ‘હ્યુમન્સ ઑફ ન્યુ યોર્ક’ પેજ પરથી આ નામ પાડવામાં આવ્યું છે. કહ્યું એમ, તેમાં દુનિયાભરમાંથી આવીને મુંબઈમાં વસતા લોકોની વાતો છે. કરિશ્માને લખવાનો પહેલાંથી શોખ હતો. તે અને તેની સાથે એક ફોટોગ્રાફર મિત્ર બહાર નીકળે, ત્યાં ફરતા, કામ કરતા લોકોને મળે, તેમની વાતો જાણે અને લખે. આ વસ્તુ ક્લિક કરી ગઈ!
તો કોણ છે કરિશ્મા મહેતા અને કઈ રીતે શરૂઆત થઈ આ ફેસબુક પેજની?
કરિશ્મા મહેતાએ સ્કૂલમાં ઈતિહાસ, થિયેટર આર્ટ્સ અને અંગ્રેજી વિષય રાખ્યા હતા. કોલેજમાં એનાથી તદ્દન અલગ, બિઝનેસ અને ઈકોનોમિક્સ રાખ્યા અને કરિયર ફોટો જર્નાલિઝમમાં આગળ ધપાવ્યું! ટૂંકમાં બધું જ અલગ! તે કહે છે કે ‘મને ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’નો વિચાર અચાનક જ આવી ગયો! જેમ દરેકને જિંદગી બદલી નાખનારા વિચારો અચાનક જ કોઈ પણ સમયે આવતા હોય છે તેમ!’
કરિશ્મા આગળ કહે છે કે ‘કોલેજ દરમ્યાન હું બહુ વાંચતી. એ દરમ્યાન મેં ‘હ્યુમન્સ ઑફ ન્યુ યોર્ક’ની એક વાર્તા વાંચી અને મારી નજર ત્યાં ચોંટી ગઈ. મને તે વાર્તામાંથી પ્રેરણા મળી, કંઈક ફીલ થયું અને વિચાર આવ્યો કે હું જે જગ્યાએ મોટી થઈ છું, ત્યાં મંબઈમાં આવું કંઈક કરીએ તો…’
કરિશ્મા મહેતાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એકાદ-બે સાહસ કર્યાં, પણ તે નિષ્ફળ રહ્યાં. પછી પેલો જૂનો વિચાર યાદ આવ્યો જેમાં લોકો સાથે વાતો કરવાની હતી, તેમના વિશે લખવાનું હતું. એક ઈવેન્ટમાં કરિશ્મા કહે છે કે ‘એક રવિવારે હું સખત કંટાળેલી હતી, ત્યારે અચાનક જ મેં નિર્ણય લીધો કે ચાલો, ગુમાવવાનું તો કંઈ છે નહીં, કરીએ શરૂઆત! સૌથી પહેલાં તો મેં મારી બહેનપણી, જે પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, તેને ફોન કર્યો. તેને આ વિશે વાત કરી. લખવાનું તો મને પહેલેથી જ ગમે છે. અમે બેઉ નીકળી ગયાં મુંબઈના હ્યુમન્સને શોધવા…’
પણ આ એટલું સરળ નહોતું. પહેલા દિવસે કરિશ્માને દસમાંથી નવ વ્યક્તિએ કહ્યું કે ‘અમારે પોતાની વાતો તમારી સાથે શેર નથી કરવી!’ એમને લાગતું હતું કે કરિશ્મા અને તેની બહેનપણી ગાંડી છે! કોઈને રસ્તા વચ્ચે ઊભા રાખીને એમની અંગત વાતો કોણ પૂછી શકે?!
પણ દસમી વ્યતિ વૃદ્ધ માજી હતાં. તેમણે કરિશ્માને ‘હા’ કહી અને પૂરો અડધો કલાક તેની સાથે વાતો કરી. દસેક આ પ્રકારની વાર્તાઓ-ઈન્ટરવ્યુ ભેગા થયા બાદ કરિશ્માએ ૨૦૧૪માં એક સાવ સાદું ફેસબુક પેજ બનાવી નાખ્યું. કરિશ્મા કહે છે કે ‘મારો વિચાર એકદમ સીધો અને સરળ હતો. મારે એવા હીરોઝનો લોકોને પરિચય કરાવવો હતો જેમને કોઈ ઓળખતું નથી. તેઓ કોઈ ટીવી-ફિલ્મ કે મેગેઝિનોમાં ચમકતા નથી. મારે કહેવું હતું કે આ લોકો પણ એટલા જ મહેનતુ અને હોશિયાર છે, એમની જિંદગી પણ એવી જ રોમાંચક અને રસપ્રદ છે કે આપણે તેમાંથી પ્રેરણા મેળવી શકીએ!’
દસમાંથી સો અને સોમાંથી હજાર એમ વાર્તાઓ વધતી ગઈ. શરૂઆતમાં કરિશ્મા મહેતાના આઈડિયાને લોકોએ સ્ટુપિડ કહ્યો હતો. તેણે જ્યારે લોકોને કહ્યું કે મારે ફુલ ટાઈમ આ જ કામ કરવું છે ત્યારે લોકોએ સામા સવાલો કર્યા હતા કે પૈસા ક્યાંથી આવશે? ફન્ડ ક્યાંથી આવશે?
આજે ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’ના ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર અઢળક ફોલોઅર્સ છે, અલાયદી વેબસાઈટ છે. કરિશ્માએ પોતાની ટીમ બનાવી છે, જેમાં કોઈ વીડિયો એડિટિંગ કરે છે તો કોઈ ફોટોગ્રાફી. આ પાંચ-સાત યુવાનો ભેગા મળીને મુંબઈના સામાન્ય મોણસોની જિંદગી લોકો સમક્ષ ખોલી નાખે છે. એવા માણસોની જિંદગી કે તેમની આમ જોતાં કોઈ જ ઓળખ નથી, પણ ‘હ્યુમન્સ ઑફ બોમ્બે’માં આવ્યા બાદ તેઓ જાણીતા થઈ જાય છે! કોઈ જરૂરિયાતમંદ વિશે આ પેજ પર લખાય તો તેના માટે ભંડોળ પણ થોડા દિવસોમાં એકઠું થઈ જાય છે. આજે નાની-મોટી ફિલ્મ કે સિરિયલનું માર્કેટિંગ પણ આ પેજ પર થોડી હટકે રીતે ચાલતું હોય છે.
તો આ છે… ખરા અર્થમાં નવી દુનિયા! જેમાં યુવાનો ‘ક્યાં, કેમ, કઈ રીતે સેટ’ થશે અને ખૂબ ખૂબ આગળ વધશે એ કોઈ નથી જાણતું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.