યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારના રોજ માનવ અધિકાર અંગે વાર્ષિક વિશ્લેષણાત્મક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતમાં થઈ રહેલી માનવાધિકારના હનનની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2022માં ભારતમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા સહિત માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનો સતત બની રહી છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનના હેઠળના વિભાગે વાર્ષિક માનવ અધિકાર અહેવાલ બહાર પાડ્યો છે. વિશ્વભરમાં માનવ અધિકારોની સ્થિતિ વિશે યુએસ કોંગ્રેસને માહિતગાર કરવા માટે આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ વાર્ષિક અહેવાલમાં ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમાર જેવા અન્ય દેશોની સાથે રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓની ટીકા કરવામાં આવી છે.
આ અહેવાલના એક ભાગમાં ભારતમાં માનવ અધિકારની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમમાં જણાવવામાં આવ્યું છે કે સરકારમાં તમામ સ્તરે પ્રસરેલા ભ્રષ્ટાચાર માટે જવાબદારીનો અભાવ છે. આ સાથે, આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાયદાના અમલીકરણમાં શિથિલતા, પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓની અછત અને વધુ પડતા બોજ નીચે દબાયેલી અને ઓછા રિસોર્સિસ સાથેની જ્યુડિશિયલ સિસ્ટમને કારણે કન્વિકશન રેટ ઘણો ઓછો છે. યુએસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ટરનેટ શટડાઉન, શાંતિપૂર્ણ રીતે એકઠા થવા પર પ્રતિબંધ, દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હેરાન કરવાના બનાવો પણ બન્યા છે.
ભારતે અગાઉ પણ અમેરિકી સરકારના આવા અહેવાલોને ફગાવી દીધા હતા.