નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કાયદા પ્રધાન અને વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણનું દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું. તેઓ 97 વર્ષના હતા.વૃદ્ધાવસ્થાને કારણે તેમનું નિધન થયું હતું. હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ એડ. પ્રશાંત ભૂષણના તેઓ પિતા હતા.
અલાહાબાદ હાઈકોર્ટના પ્રસિદ્ધ કેસ રાજ નારાયણમાં તેઓ નારાયણના વકીલ હતા. આ કેસમાં તેમણે કરેલાં યુક્તિવાદને કારણે 1974માં ઈંદિરા ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક જનહિતની યાચિકાઓ દાખલ કરી હતી અને ભ્રષ્ટાચાર અને નાગરી સ્વાતંત્ર્ય માટે તેમણે અનેક કાયદાકીય લડાઈઓ લડી હતી.
1977થી 1979 એમ બે વર્ષના સમયગાળા દરમિયાન તેમણે તત્કાલિન વડા પ્રધાન મોરારજી દેસાઈના મંત્રીમંડળમાં ભારતના કાયદા પ્રધાન તરીકેનો કારભાર સંભાળ્યો હતો.