વિકેટનો આનંદ: નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં રમાતી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયન ટીમના સુકાની પૅટ કમિન્સ આઉટ થવાની ઘટના વેળા ભારતીય ટીમના વિકેટ કીપર શ્રીકાંત ભરતે ઉલ્લાસપૂર્ણ આનંદ વ્યક્ત કર્યો હતો. બીજી તસવીર ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન માર્મુસ લબુસ્ચંગે આઉટ થયા હોવાની અપીલ ભારતીય બૉલર મોહમ્મદ શમીએ કરી ત્યારની છે. (તસવીર: પીટીઆઈ )
ઑસ્ટ્રેલિયાને એક દાવ અને ૧૩૨ રને હરાવ્યું
નાગપુર: અહીં રમાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતે શનિવારે ઑસ્ટ્રેલિયાને એક દાવ અને ૧૩૨ રને પરાજય આપી ચાર ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી બઢત મેળવી લીધી હતી.
ઑફ સ્પીનર રવીચંદ્રન અશ્ર્વિને ૩૭ રનમાં પાંચ વિકેટ ઝડપી ભારતના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. રવીન્દ્ર જાડેજાએ ૩૪ રનમાં બે, મોહમ્મદ શમીએ ૧૩ રનમાં બે અને અક્ષર પટેલે છ રનમાં એક વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગમાં ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૩૨.૩ ઑવરમાં ૯૧ રન બનાવી
પેવેલિયન ભેગી થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને ૧૩૨ રનથી વિજય થયો હતો.
અગાઉ ઑસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના ૧૭૭ રનના જવાબમાં ભારતે રોહિત શર્મા (૧૨૦), કે. એલ. રાહુલ (૨૦), રવિચંદ્રન અશ્ર્વિન (૨૩), વિરાટ કોહલી (૧૨), ચેતેશ્ર્વર પૂજારા (૦૭), સૂર્યકુમાર યાદવ (૦૮), રવીન્દ્ર જાડેજા (૭૦), શ્રીકાર ભરત (૦૮), અક્ષર પટેલ (૮૪), મોહમ્મદ શમી (૩૭) અને મોહમ્મદ સિરાજના અણનમ એક રનની મદદથી ૧૩૯.૩ ઑવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૪૦૦ રન બનાવ્યા હતા અને ૨૨૩ રનની બઢત મેળવી હતી.
ઑસ્ટ્રેલિયા વતી પ્રથમ જ ટેસ્ટ રમી રહેલો ટૉડ મર્ફી ૧૨૪ રનમાં ભારતની સાત વિકેટ ઝડપી સૌથી સફળ બૉલર રહ્યો હતો. (એજન્સી)
——————-
સૌરાષ્ટ્ર-બંગાળ રણજી ટ્રોફીની ફાઈનલમાં ટકરાશે
બેંગલૂરુ અને ઈન્દોર: રણજી ટ્રોફીની એક સેમિફાઈનલમાં સુકાની અર્પિત વસાવડાની બેવડી સદીના સહારે સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે પ્રથમ દાવમાં ૧૨૦ રનની બઢત મેળવી હતી.
આ ટેસ્ટ મેચ ડ્રો થાય તો પણ સૌરાષ્ટ્ર ફાઈનલમાં પ્રવેશશે, જ્યારે બીજી સેમિફાઈનલમાં બંગાળની ટીમની મધ્ય પ્રદેશ સામે ૫૪૭ રનની લીડ છે અને આ ટેસ્ટ મેચ ડ્રો થાય તો પણ બંગાળ ફાઈનલમાં પ્રવેશશે.
સૌરાષ્ટ્ર અને બંગાળ ૧૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ફાઈનલમાં ટકરાય એ લગભગ
નિશ્ર્ચિત છે.
બન્ને સેમિફાઇનલનો ટૂંકમાં સ્કૉર:
પ્રથમ સેમિફાઇનલ:
કર્ણાટક: ૪૦૭ અને ૨૬.૪ ઑવરમાં ચાર વિકેટે ૧૨૩ રન. (નિકિન જોશ અણનમ ૫૪ રન, ચેતન સાકરિયા ૨૪ રનમાં બે વિકેટ)
સૌરાષ્ટ્ર: ૧૭૪.૪ ઑવરમાં ૫૨૭ રનમાં ઑલઆઉટ, (અર્પિત વસાવડા ૨૦૨ રન, શેલ્ડન જેક્શન ૧૬૦ રન, ચિરાગ જાની ૭૨ રન, વિદ્વાથ કાવેરાપ્પા ૮૩ રનમાં પાંચ વિકેટ).
બીજી સેમિફાઇનલ:
બંગાળ: ૪૩૮ રન અને ૧૧૯ ઑવરમાં નવ વિકેટે ૨૭૯ રન. (અનુષ્ટુપ મજૂમદાર ૮૦ રન, પ્રદીપ્તા પ્રામાણિક અણનમ ૬૦ રન, સુદીપ ઘારામી ૪૧ રન, સારાંશ જૈન ૧૦૩ રનમાં છ વિકેટ, કુમાર કાર્તિકેય ૬૩ રનમાં ત્રણ વિકેટ.
મધ્ય પ્રદેશ: ૧૭૦ રન.
બંગાળ ૫૪૭ રનથી આગળ. (એજન્સી)
————
જાડેજાને આંગળી પર ક્રીમ લગાડવા બદલ દંડ
નાગપુર: ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટૅસ્ટના પ્રથમ દિવસે મેદાન પરના અમ્પાયરની પરવાનગી લીધા વિના સૂજેલી તર્જની (અંગૂઠા પાસેની આંગળી) પર ક્રીમ લગાડવા બદલ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને શનિવારે મૅચ ફીના પચીસ ટકા દંડ કરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની મૅચની ૪૬મી ઑવરમાં જાડેજાએ મેદાન પરના અમ્પાયરની પરવાનગી વિના સૂજેલી આંગળી પર ક્રીમ લગાડ્યું હતું. જાડેજાએ તેનો ગુનો કબૂલી લીધો હતો અને આઈસીસી દ્વારા કરવામાં આવેલી સજા સ્વીકારી લીધી હતી. જાડેજાની આ વર્તણૂક રમતના નિયમો વિરુદ્ધ હોવાનું જણાવી આઈસીસીની કલમ ૨.૨૦ હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, આઈસીસીએ કહ્યું હતું કે જાડેજાએ માત્ર તબીબી કારણોસર જ સૂજેલી આંગળી પર ક્રીમ લગાડ્યું હતું અને તેને કારણે બૉલની સ્થિત પર કોઈ અસર નહોતી થઈ. ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટૅસ્ટમાં ભારતે એક ઈનિંગ અને ૧૩૨ રને વિજય મેળવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૮૧ રનમાં સાત વિકેટ ઝડપવા ઉપરાંત ૭૦ રન બનાવી ભારતના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. (એજન્સી)