Homeટોપ ન્યૂઝઇન્કમ ટૅક્સમાં મોટી રાહત, દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ

ઇન્કમ ટૅક્સમાં મોટી રાહત, દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયાસ

બજેટ ચૂંટણીલક્ષી: જાહેરાતો ઉત્તમ, અમલ થાય તો સર્વોત્તમ

નોકરિયાતોને રાહતની જાહેરાત

શાળાઓમાં શિક્ષકોની વધુ ભરતી

રેલવે માટે મોટા પાયે ફાળવણી

કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય

નવી દિલ્હી: કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે રજૂ કરેલા ૨૦૨૩-૨૪ના અંદાજપત્ર (બજેટ)માં આવકવેરા (ઇન્કમ ટૅક્સ)માં મોટી રાહત આપી છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને યુવાનોને વિવિધ ‘લહાણી’ની તેમ જ વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને કલાકરોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઇ હોવાથી આ બજેટ દેશના અનેક રાજ્યમાંની વિધાનસભાની અને બાદમાં લોકસભાની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજના મોટા ભાગના વર્ગને ખુશ કરવા માટે તૈયાર કરાયું હોવાનું સ્પષ્ટ છે.
પરમેનન્ટ અકાઉન્ટ નંબર (પેન)ને ઓળખપત્ર તરીકે માન્યતા આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.
બજેટમાં કેટલીક ચીજો પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાના નિર્ણયને લીધે મોબાઇલ ફૉન, બાયોગૅસ સંબંધિત સાધનો, લેબ (પ્રયોગશાળામાં) તૈયાર થતાં કૃત્રિમ હીરા, કેપિટલ ગુડ્સ, ઇલેક્ટ્રિક વાહનો, સાઇકલ, રમકડાં સસ્તાં થશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઇ પણ બજેટમાં કરાઇ છે.
કેન્દ્રનાં નાણાં પ્રધાને રાજ્યોને વગર વ્યાજની લોન આપવાની, શહેરી આયોજન અને માળખાકીય સુધારા માટે તેમ જ પર્યટનને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી.
આમ છતાં, સોના, ચાંદી, પ્લેટિનમના દાગીના, સિગારેટ, દારૂ જેવી ચીજો મોંઘી થશે.
ઍરપૉર્ટ્સ, હેલિપોર્ટ્સ, વૉટર એરૉડ્રૉમ્સને સુધારવા માટે પણ બજેટમાં ખાસ જોગવાઇ કરાઇ છે.
————–
અદાણી એન્ટરપ્રાઈઝે એફપીઓ પાછો ખેંચ્યો
મુંબઈ: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ. ૨૦,૦૦૦ કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ) રદ કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં અદાણી જૂથે કહ્યું કે ‘રોકાણકારોના હિતમાં એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની અભૂતપૂર્વ પરિસ્થિતિને અને બજારની વર્તમાન વોલેટિલિટીને જોતા રોકાણકારોના હિતમાં એફપીઓના નાણાં પાછા આપવામાં આવશે અને પૂર્ણ થયેલું ટ્રાન્સેક્શન પાછું ખેંચવામાં આવે છે.’ મંગળવારે રૂ. ૨૦,૦૦૦ કરોડનો એફપીઓ સંપૂર્ણ રીતે ભરાયો હતો. એફપીઓને સમર્થન આપવા માટે રોકાણકારોનો આભાર માનતા અદાણીએ કહ્યું કે એફપીઓમાં
આગળ વધવાનું નૈતિક રીતે યોગ્ય નથી. રોકાણકારોનું હિત સર્વાધિક મહત્ત્વનું છે અને એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો છે.
————-
આવકવેરામાં નોકરિયાતોને રાહત
નવી દિલ્હી: બજેટમાં નોકરિયાતોને આવકવેરામાં મોટી રાહત અપાઈ છે. રૂપિયા પચાસ હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનને ગણીને પગારદારોને હવે રૂ. ૭.૫ લાખના પગાર પર ટૅક્સ નહિ લાગે. આ ઉપરાંત, પરમેનન્ટ અકાઉન્ટ નંબર (પેન)ને ઓળખપત્ર તરીકે માન્યતા મળી છે.
નવી ટૅક્સ સિસ્ટમ અંતર્ગત સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ ભરવો નહિ પડે.
રૂ. ૭.૫ લાખના પગારમાંથી રૂ. ૫૦,૦૦૦ સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરો. આ રીતે સાત લાખ રૂપિયા પર પહોંચતા જ તમે રિબેટના દાયરામાં આવી જશો અને ટૅક્સમાં સંપૂર્ણ છૂટ મળશે. જો તમે પગાર ન મેળવતા હો અને તમારી વાર્ષિક આવક સાડાસાત લાખ
રૂપિયા પર પહોંચી જાય તો તમારે નીચે મુજબ ટૅક્સ ચૂકવવો પડશે.
વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય ટૅક્સ, ત્રણ લાખથી છ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા અને છ લાખથી સાડાસાત લાખ રૂપિયા સુધીની આવક પર તમારે ૧૦ ટકા ટૅક્સ ચૂકવવો પડશે.
નવા કરવેરાની જાહેરાત સાથે આ વ્યવસ્થા હવે દેશનું મુખ્ય માળખું બની ગયું છે.
દરમિયાન, વર્ષ ૨૦૧૩-૧૪માં આઈટી રિટર્ન પ્રોસેસ કરવાની પ્રક્રિયાનો સરેરાશ સમયગાળો ૯૩ દિવસનો હતો, જે વર્તમાનમાં ઘટીને ૧૬ દિવસ થઈ ગયો છે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વર્તમાનમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિએ નવી અને જૂની સિસ્ટમ અંતર્ગત મળતી રાહતને કારણે કોઈ ટૅક્સ ચૂકવવો નથી પડતો.
નવા કરમાળખા અંતર્ગત રૂ. ૧૫.૫૦ લાખ કે તેથી વધુ આવક ધરાવતી વ્યક્તિને રૂ. ૫૨,૫૦૦મો લાભ થશે.
પહેલી એપ્રિલથી અમલમાં આવે તે રીતે ટૅક્સના સ્લેબમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. (એજન્સી)
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે
નવા ટૅક્સ સ્લેબની જાહેરાત કરી
આવક ટૅક્સ
રૂ. શૂન્યથી ત્રણ લાખ શૂન્ય
રૂ. ૩ લાખથી રૂ. ૬ લાખ પાંચ ટકા
રૂ. ૬ લાખથી રૂ. ૯ લાખ ૧૦ ટકા
રૂ. ૯ લાખથી રૂ. ૧૨ લાખ ૧૫ ટકા
રૂ. ૧૨ લાખથી રૂ. ૧૫ લાખ ૨૦ ટકા
રૂ. ૧૫ લાખથી વધુ ૩૦ ટકા
————-
બજેટમાં શું મોંઘું અને શું સસ્તું?
સસ્તું મોંઘું
મોબાઇલ ફોન રસોડાની ઇલેક્ટ્રિક ચીમની
ટીવી વિદેશી કિચન ચીમની
બાયોગૅસ સંબંધિત વસ્તુઓ વિદેશી ચાંદીની વસ્તુઓ
મોબાઇલ સ્પેર પાર્ટ્સ દારૂ, સિગારેટ
ઇલેક્ટ્રિક વેહિકલ સોનું-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાં
રમકડાં ઇમ્પોર્ટેડ દરવાજા
કેમેરા લેન્સ એક્સ-રે મશીન
ઝીંગા માછલીનો ખોરાક ઇમીટેશન જ્વેલરી
એક્વાટિક ફીડ મૅન્યુફેક્ચરિંગમાં
વપરાતું ફિશ લિપિડ ઑઇલ નેપ્થા
ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં વપરાતા
લિથિયમ આયન સેલના
ઉત્પાદનના યંત્રો કમ્પાઉન્ડેડ રબર
લૅબ-ગ્રોન ડાયમંડ્સ માટેના સીડ્સ ચાંદીનો ઢોળ ચડાવેલી ચીજો
————–
રેલવે માટે સૌથી વધુ મૂડી ખર્ચની જોગવાઈ
નવી દિલ્હી: વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના બજેટમાં રેલવે માટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. રેલવે માટે અત્યાર સુધીના બજેટ્સમાં ફાળવાયેલી રકમોમાં આ સૌથી વધુ રકમ હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું હતું. લોકસભામાં બજેટ રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩-૨૦૧૪માં ફાળવાયેલી રકમથી નવ ગણી રકમ ફાળવાઈ છે.
નાણાં પ્રધાને રેલવે બજેટ બાબતે જણાવ્યું હતું કે કોલસા, ખાતર, અને ખાદ્ય-અન્ન ક્ષેત્રોની લાસ્ટ ઍન્ડ ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી માટેના ૧૦૦ ક્રિટિકલ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તારવણી કરવામાં આવી છે. એ પ્રોજેક્ટ્સમાં પ્રાઇવેટ સોર્સીસના ૧૫,૦૦૦ કરોડ રૂપિયા સહિત કુલ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ક્રિટિકલ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પ્રાથમિકતાના ધોરણે વારાફરતી હાથ ધરવામાં આવશે.
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે મુસાફરોની અપેક્ષાઓ અને સુવિધાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજધાની, શતાબ્દી, દૂરોંતો, હમસફર અને તેજસ ટ્રેનોના ૧૦૦૦ કોચના સમારકામ, સુધારા અને આધુનિક સજાવટ કરવામાં આવશે.
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે રેલવે તંત્ર ટ્રેનોની ગતિ વધારવા માટે જૂના ટ્રૅક બદલવાની કામગીરી માટે નોંધપાત્ર રકમ ફાળવાશે. તે ઉપરાંત વધુ પ્રાંતોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે પણ રકમ ફાળવાશે. પર્યટકોને આકર્ષવા માટે રેલવેતંત્ર વધુ ૧૦૦ વિસ્ટાડોમ કોચના ઉત્પાદનનો રેલવે મંત્રાલયનો પ્રસ્તાવ છે.
બજેટમાં સરકારે હાઈડ્રોજનના ઇંધણથી દોડતી ૩૫ ટ્રેનો, સાઇડ એન્ટ્રી ધરાવતા નવી ડિઝાઇનના ૪૫૦૦ ઑટોમોબાઇલ કૅરિયર કોચ, ૫૦૦૦ એલએચબી કોચ અને ૫૮,૦૦૦ વેગનના ઉત્પાદનની દરખાસ્ત મૂકી છે. કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૨-૨૦૨૩ના બજેટમાં રેલવેને ૧.૪ લાખ કરોડ રૂપિયા ફાળવાયા હતા. તેમાંથી ૧.૩૭ લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે અને ૩૨૬૭ લાખ કરોડ રૂપિયા મહેસૂલી ખર્ચ માટે ફાળવાયા હતા. (એજન્સી)
————-
‘પેન’ને ઓળખપત્ર તરીકે માન્યતા
નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું હતું કે નિશ્ર્ચિત કરેલી સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે ઓળખપત્ર તરીકે પરમનન્ટ અકાઉન્ટ નંબર ‘પેન’નો ઉપયોગ કરી શકાશે. સરકારનું આ પગલું દેશમાં વેપારના સરળીકરણને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ
થશે, એમ તેમણે કહ્યું હતું. ૧૦ આંકડાનો પેન નંબર આવકવેરા ખાતા દ્વારા વ્યક્તિ, કંપનીને ફાળવવામાં આવેલો છે.
તેમણે કહ્યું હતું કે એમએસએમઈ કરારનું પાલન કરવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ‘વિવાદ સે વિશ્ર્વાસ’ સ્કીમ અંતર્ગત નાના બિઝનેસને પરફોર્મન્સ સિક્ટોરિટીના ૯૫ ટકા પરત કરવામાં આવશે. ઈ-કોર્ટનો ત્રીજો તબક્કો પણ લૉન્ચ કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે નીતિ આયોગનું સ્ટેટ સપોર્ટ મિશન ત્રણ વર્ષ માટે ચાલુ રહેશે. (એજન્સી)
—————
વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતોને ‘લહાણી’
નવી દિલ્હી: કેન્દ્રના અંદાજપત્રમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતો માટે વિવિધ લાભની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ વર્ગોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને પગલાં અને જોગવાઈઓ નિર્ધારિત કરવામાં આવ્યાં હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત નાના અને મધ્યમ વેપારધંધાને રાહતો આપવાની અને નાગરિકના સત્તાવાર ઓળખપત્ર તરીકે પાન કાર્ડને માન્યતા અપાઈ છે. તેમણે જણાવ્યું હતું કે કૉ-ઓપરેટિવ સોસાયટીઝની આકારણી માટે નેશનલ કૉ-ઓપરેટિવ ડેટાબેઝ બનાવાય છે.
નવી જોગવાઈઓમાં બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ-આશ્રમ શાળાઓમાં ૩૮,૮૦૦ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત નાણાં પ્રધાને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના બજેટમાં વર્ષ ૨૦૧૪માં સ્થપાયેલી ૧૫૭ મેડિકલ કૉલેજોની સાથે કૉ-લોકેશનમાં ૧૫૭ નવી નર્સિંગ કૉલેજો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ફાઇવ-જી રિસર્ચ માટે એન્જિનિયરિંગ કૉલેજોમાં ૧૦૦ લૅબોરેટરીઝ વધારવાનો સરકારનો નિર્ણય નાણાં પ્રધાને જાહેર કર્યો હતો. યુવાનોને પ્રોત્સાહન માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૪.૦ લૉન્ચ કરવામાં આવનાર હોવાનું પણ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. યુવાનોને આંતરરાષ્ટ્રીય અવસરો ઉપલબ્ધ કરાવવા ૩૦ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સ સ્થાપવામાં આવશે.
નાણાં પ્રધાને ખેડૂતોને ધ્યાનમાં રાખીને કૃષિક્ષેત્રના સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપવા તેમ જ પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન પર ધ્યાન આપવા કૃષિ ઋણ લક્ષ્ય વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. બાજરી, જુવાર, રાગી જેવા જાડાં ધાન્યોને લોકપ્રિય બનાવવાની યોજના પણ જાહેર કરી હતી. જાડાં ધાન્યોના ઉત્પાદન અને પ્રચાર-પ્રસારમાં વૃદ્ધિના કાર્યક્રમો માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ સ્થાપવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી-કિસાન યોજના હેઠળ સરકારે ૨.૨ લાખ કરોડ રૂપિયાની રકમ ખેડૂતોનાં બૅન્ક ખાતાંમાં જમા કરી હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફાળવણીનું પ્રમાણ ૬૬ ટકા વધારીને રૂ. ૭૯,૦૦૦ કરોડ કરાયું છે.
નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય ધિરાણોનું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં ૧૫.૮ લાખ કરોડ રૂપિયા હતું, એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ૧૮.૬ કરોડ રૂપિયા થયું છે. વૈકલ્પિક ખાતરોના વપરાશને પ્રોત્સાહન માટે રાજ્યોને પ્રેરિત કરવા પીએમ-પ્રણામ યોજના શરૂ કરવામાં આવનાર હોવાની પણ નાણાં પ્રધાને જાહેરાત કરી હતી. એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ-પ્રોત્સાહનની સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું. ૧૦,૦૦૦ બાયો-ઇનપુટ સેન્ટર્સ શરૂ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી. કર્ણાટકના વારંવાર દુકાળનો સામનો કરતા મધ્યવર્તી પ્રાંતો માટે ૫૩,૦૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. (એજન્સી)
————-
મોંઘી થયેલી ચીજો
સોના, ચાંદી, પ્લેટિનમનું આયાત કરેલું ઝવેરાત મોંઘું થશે. સિગારેટ પર કસ્ટમ્સ ડ્યૂટીમાં ૧૬ ટકાનો વધારો કરાતાં ધૂમ્રપાનનો ખર્ચ વધશે.
સસ્તી થયેલી ચીજો
ઇલેક્ટ્રિક વેહિકલ્સ, બાયોગૅસ સંબંધિત સાધનો, મોબાઇલ ફોન, કેમેરા, એલઈડી ટીવી સસ્તાં થશે. ઇ-બૅટરીને કસ્ટમ્સ ડ્યૂટીમાં રાહત અપાતાં તેના ભાવ ઓછા રહેશે. મોબાઇલ ફોનના સ્પેરપાર્ટ્સ, રમકડાં અને સાઇકલ સસ્તાં થશે.
—————–
ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી,
ગિફ્ટ સિટી માટે લાભદાયી બજેટ: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણેે રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે.
મુખ્ય પ્રધાને આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે
આવકાર્યુ છે. કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કો-ઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવીને વધુમાં કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં આઇએફએસસીએ ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત આપવા સાથે આઝાદીના અમૃતકાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડા પ્રધાનશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.
————–
રાજ્યોને વ્યાજ વિનાની લોન
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પચાસ વર્ષ માટે આપવામાં આવેલી વ્યાજ વિનાની લોન વધુ એક વરસ માટે ચાલુ રહેશે એવી જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે કરી હતી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે મુકરર કરવામાં આવેલી રૂ. ૧૦ લાખ કરોડની ટોચમર્યાદા કુલ જીડીપીના ૩.૩ ટકા છે. વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે નવું શરૂ કરવામાં આવેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ સેક્રેટરિયટ વધુ ખાનગી રોકાણને આકર્ષવામાં સહાય કરશે.
અમૃતકાળને અનુરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાસિફિકેશન અને આર્થિક માળખું ઊભું કરવા નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પીએમ પ્રિમિટિવ વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રૂપ સ્કીમને કારણે સાડાત્રણ લાખ આદિવાસીઓને લાભ થશે.
અર્બન પ્લાનિંગ માટે રાજ્યો
અને શહેરોને પ્રોત્સાહન આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
સરકારે પચીસ જૂન, ૨૦૧૫ના રોજ સ્માર્ટ સિટી મિશન શરૂ કર્યું હતું. જાન્યુઆરી, ૨૦૧૬થી જૂન, ૨૦૧૮ દરમિયાન સ્પર્ધાના ચાર રાઉન્ડ મારફતે સ્માર્ટ સિટી માટે ૧૦૦ શહેરની પસંદગી કરવામાં આવી હતી. (એજન્સી)
————–
બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, આ દેશના નિર્માતા કરોડો વિશ્ર્વકર્મા છે. સરકાર આ બજેટમાં પહેલીવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઇને આવી રહી છે.
મૂર્તિકાર, શિલ્પકાર આ બધા દેશ માટે મહેનત કરે છે. દેશ એવા લોકો માટે ટેક્નોલૉજી, ક્રેડિટ અને માર્કેટની યોજના લાવી રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે વિશ્ર્વકર્મા યોજના એટલે કે વિકાસ, જે આ વિશ્ર્વકર્માઓ માટે મોટો પરિવર્તન લાવશે.
ગામડાંમાં રહેનારી મહિલાઓથી લઇને શહેરી મહિલાઓ માટે સરકારે કેટલાંક પગલાં લીધાં છે. એવામાં આ પગલાંઓને પૂરી તાકાતથી આગળ વધારવા જોઇએ. આ સિવાય મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપે ભારતમાં મોટી જગ્યાઓ પર પોતાનું સ્થાન મેળવ્યું લીધું છે. આ વાતને વેગ આપવા માટે બજેટમાં નવા પગલાં લેવામાં આવ્યાં છે. મહિલાઓ માટે એક વિશેષ બચત યોજના શરૂ કરવામાં આવી રહી છે. જનધન એકાઉન્ટ પછી આ વિશેષ બચત યોજના સામાન્ય પરિવારની મા માટે મોટો ફાયદો આપનારી છે.
વધુમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત સરકારે સૌથી મોટી અન્ન ભંડાર યોજના બનાવી છે. સૌથી મોટી સ્ટોરેજ કેપિસિટી માટે બનાવવામાં આવી છે. હવે આપણે ડિજિટલ પેમેન્ટની સફળતા માટે કૃષિ સેન્ટર બનાવવા જરૂરી છે. જેને માટે આ બજેટમાં અમે ડિજિટલ એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી મોટી યોજના લઇને આવ્યા છીએ.
અમે બાજરી માટે પણ મોટી યોજના લઇને આવ્યા છીએ. અત્યારે જે બાજરી ઘરે-ઘરે પહોંચી રહી છે, સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થઇ છે અને તેનો ફાયદો ભારતના ખેડૂતોને થશે. આ માટે બજેટમાં શ્રી અન્નની મોટી યોજના બનાવવામાં આવી છે, જેથી આપણા આદિવાસી ભાઇ-બહેનો જે ખેતી કરે છે, તેમને ફાયદો મળશે અને દેશને આ ક્ષેત્રમાં પણ સફળતા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular