એચઆરટી થેરપી કરાવવી હિતાવહ છે?

લાડકી

કેતકી જાની

સવાલ: મને ચાર વર્ષથી માસિક અત્યંત અનિયમિત થઈ ગયું છે. મારી એક બેનપણીએ એચઆરટી થેરપી કરી તો તેને જે મારાં જેવા લક્ષણો હતા તેનાથી ખૂબ રાહત મળી હોવા છતાં મારા અને તેના ગાયનેક જે એક જ છે, તે જ મને એ થેરપી લેવા માટે ના પાડી છે, ખરેખર મને આશ્ર્ચર્ય થાય છે. મારે બીજા કોઈ ડૉક્ટર જોડે આ થેરપી શરૂ કરાવવી તેવો મારા ઘરના બધાનો આગ્રહ છે, મારે શું કરવું? મને આ ટ્રીટમેન્ટ વિશે જાણવું છે.
જવાબ: એચઆરટી/હાર્મોન રીપ્લેસમેન્ટ થેરપી મેનોપોઝથી પસાર થતી સ્ત્રીઓને મેનોપોઝ રીલેટેડ અનેક લક્ષણોમાં જાણે કે જાદુની છડી ગુમાવવાથી જાદુ થયો હોય તેમ નાટકીય રીતે આરામ આપે છે. મેનોપોઝને કારણે સ્ત્રી શરીરમાં માસિક બંધ થવાનું હોય કે થઈ ગયું હોય તેવી અવસ્થાએ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનાં હાર્મોનનું સ્તર એકદમ ઓછું થઈ જાય છે. એચઆરટી આ સ્તરનું લેવલ ઊંચું કરી નાખે છે. જે મેનોપોઝ રીલેટેડ હૉટ ફલેશ (ગરમીના ફુવારા છૂટીને સખત ગરમી લાગવાથી અચાનક પરસેવો વળી જવો). યોનિમાર્ગમાં સૂકાપણું, સેકસથી રસ ઊડી જવો, ઑસ્ટિયોપોરોસિસ (હાડકા નબળા/બરડ થઈ જવા) જેવા અનેક લક્ષણોનાં આગળ કહ્યું તેમ નાટકીય રીતે રાહત આપે છે. તેના જ કારણે આજકાલ એચઆરટી વિશે અત્યંત ક્રેઝ ઘણી મહિલાઓમાં જોવા મળે છે. ઘણાં ગાયનેકોલોજીસ્ટ જણાવે છે કે સ્ત્રીઓ સામેથી આવીને આ જ ટ્રીટમેન્ટ આપો તેવો આગ્રહ રાખતી હોય છે. છતાંય તેમને ગાયનેક સામેથી ના પાડે છે, જો તેમની શારીરિક સ્વાસ્થ્ય હિસ્ટ્રીમાં કોઈ ગડબડ હોય તો જ. લોહી જામી જવું, વિવિધ નસો એકબીજામાં ભળી ઝૂંડ બનાવી દે જેવા અનેક નુકસાન સુદ્ધા એચઆરટીના હોય છે. તેથી અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ આજે દુનિયામાં સ્ત્રીઓનો એક ચોક્કસ વર્ગ એચઆરટીનો વિરોધ સુદ્ધા કરી રહી છે. માટે તમારા ડૉક્ટર/ગાયનેક તમને સારી રીતે જાણે છે. તેઓ ના કહેતાં હોય તો સમજી જાવ કે તમારી બહેનપણી માટે એચઆરટી ભલે આશીર્વાદરૂપ સાબિત થઈ પરંતુ તમારાં શરીરની સ્વાસ્થ્ય હિસ્ટ્રી બહેનપણીથી અલગ છે, તમને તે અનુકૂળ નહિ આવે. માટે મહેરબાની કરી તે માટે આગ્રહ ના રાખશો કે બીજા કોઈ ડૉક્ટર પાસે જઈ તે માટે પ્રયત્ન ના કરશો. તેની અનેકાનેક સાઈડ ઈફેક્ટ તમને ડૉક્ટરે/ ગાયનેકે જણાવી જ હશે અને ના જણાવી હોય તો આગ્રહથી ડાયરેક્ટ પૂછી લો કે મેડમ મારામાં એવું શું તત્ત્વ છે કે તમને મારા માટે એચઆરટી પ્રતિકૂળ રહેશે તેમ લાગે છે? તેઓ ચોક્કસથી તમને તે વિશે ઊંડાણથી માહિતી આપશે તેવો મને વિશ્ર્વાસ છે.
મેનોપોઝ રીલેટેડ પ્રોબ્લેમ શક્ય બને તો સહન કરો કદાચ ત્રેપન વર્ષ બાદ તમામ લક્ષણો ક્રમશ: ઓછા થઈ નાબૂદ થશે. ડૉક્ટરની ના હોવા છતાં એચઆરટી લેવા માટે આગ્રહ તમારી જીંદગી માટે અનેક જોખમોને આમંત્રણ આપવું સાબિત તો નહીં થાય ને? તમે તેવું વિચારો, તમારી મિત્ર ભલે એચઆરટીથી ખુશ હોય અને તેનાથી રાહત અનુભવતી હોય તમે તે જોઈ સામાન્યરીતે સ્ત્રીઓ વિચારે કે તે કરી શકે ને હું કેમ નહીં? તેમ વિચાર કરવાને બદલે તમારાં શારીરિક- માનસિક સ્વાસ્થ્ય પરત્વે જાગ્રત થાવ અને નિયમિત સમતોલ આહાર/એક્સસાઈઝ, યોગ જેવા કોઈ ઑલ્ટરનેટિવ રસ્તાઓ વિશે વિચાર કરો. તે ભલે સુખી થાય તમે તે રસ્તે નથી જઈ શકતા તો બીજો કોઈ ઓપ્શન વિચારો. તે જાય છે તે રસ્તો તમારાં માટે જોખમકારક છે તેમ ડૉક્ટર કહે છતાં તમે તે જ રસ્તે જવા ઈચ્છશો તો કદાચ કોઈ ડૉક્ટર/ગાયનેક તમે કહો છો કે આગ્રહ કરો છો તેથી
આપી પણ દે તમે નસીબદાર છો તમારા ગાયનેક સીધી ના પાડે છે માટે પેટ ચોળીને શૂળ ઊભું કર્યા વગર ગાયનેક કહે છે, તેમ જ કરો, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.