તમન્નાને રિતિક અને વિક્કીની બાઉન્સર બનવાની તમન્ના

મેટિની

કલ્પના શાહ

તમન્ના ભાટિયા દક્ષિણની ફિલ્મોમાં ખૂબ નામ કમાઇ છે. બૉલીવૂડમાં તેણે ‘ચાંદ સા રોશન ચહેરા’ થી લઇને ‘હિમ્મતવાલા’ અને ‘હમશકલ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે ગર્વ કરી શકે તેવી સફળતા તેને બૉલીવૂડમાં હજી સુધી મળી નથી. આ તમન્ના હવે હિન્દી પરદા પર પોતાનો દમ દેખાડવા ‘બબલી બાઉન્સર’ બનીને આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે.
તમન્ના કહે છે કે આ ફિલ્મ પર મને ન કેવળ આશા છે, પણ કંઇક હટીને એવું પાત્ર ભજવવા મળ્યું તે બદલ હું ઘણી જ ઉત્તેજના અનુભવું છું. લેડી બાઉન્સર તરીકે આ ફિલ્મમાં કામ કરતી તમન્નાએ દિગ્દર્શક મધુર ભંડારકર વિશે એમ પણ કહ્યું કે આ ફિલ્મથી તેમણે મને પુન: બૉલીવૂડમાં લૉન્ચ કરી છે. તે કહે છે કે હું મધુર સરની હંમેશાં પ્રશંસક રહી છું. તેમણે મને આ ફિલ્મમાં હરિયાણવી જાટનું એવું પાત્ર આપ્યું છે તેવું પાત્ર અગાઉ ક્યારેય ભજવ્યું નથી. આ પાત્ર મારા દિલની નજીક છે, કારણ કે મારી ભાભી હરિયાણવી છે. આ ફિલ્મનો વિષય ખૂબ મજેદાર છે. પાછલા બે ત્રણ વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યા છે તેવામાં અમે એક એવી ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે જે લોકોના ચહેરા પર સ્મિત રેલાવે.
ફિલ્મમાં બેધડક હરિયાણવી બોલતી તમન્ના આ ફિલ્મ માટે પોતે કરેલી તૈયારી બાબતે જણાવતા કહે છે કે, આ જાતના પાત્રો માટે પાત્રોના ફિઝિક્સ પર ખૂબ ધ્યાન અપાય છે, પરંતુ અહીં બબલીનું જે પાત્ર છે તેનાથી લોકો વધુ આત્મીયતા અનુભવશે. જોકે, શરૂઆતમાં મે આના માટે બહુ મહેનત કરી છે. મારે અંદરથી મજબૂત બનવાનું હતું. સામાન્ય રીતે આપણે કેવા દેખાઇએ છીએ તેના પર ધ્યાન દેવાતું હોય છે, પણ અહીં તો તમે એક બુલેટ ચલાવી રહ્યા હોવ અને તેના પર કોઇને બેસાડીને લઇ જઇ રહ્યા હોવ તો એમાં ઘણી હિંમત જોઇએ છે. મારે એ હિંમત અને તાકાત ખુદમાં લાવવી પડી જે ઘણું જ અઘરું હતું. બાકી અત્યાર સુધી મેં તેલુગુ, તામિલ ભાષામાં વધુ કામ કર્યું છે. ત્યાર બાદ હિન્દી અને હવે પહેલી વાર હરિયાણવી પાત્ર ભજવી રહી છું. હરિયાણવી લોકોમાં એક કુદરતી સેન્સ ઑફ હ્યુમર અને આત્મવિશ્ર્વાસ હોય છે. મેં પણ આ ગુણ અપનાવવાનો પ્રયાસ કર્યો છે. સાચું કહું તો હું સાઉથ ઇન્ડિયન નથી પણ પૂરા દક્ષિણ ભારતે જે રીતે મને અપનાવી છે એ રીતે નોર્થ બેલ્ટ પણ મને અપનાવે તેવી અપેક્ષા છે.
ફિલ્મમાં બાઉન્સર બનેલી તમન્નાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તને કોઇ મહાનુભાવની બાઉન્સર બનવા મળે તો કોની બાઉન્સર બનવાનું પસંદ કરશે? તો તેણે જવાબમાં કહ્યું કે એમ તો ઘણા બધા છે પણ મને મોકો મળે તો રિતિક રોશન અને વિક્કી કૌશલની એક દિવસ માટે બાઉન્સર બનવા ઇચ્છિશ. એ લોકો મારા ફેવરિટ છે. બબલી બાઉન્સર ઓટીટી પ્લેટફોર્મ પર ૨૩ સપ્ટેમ્બરે રજૂ થઇ રહી છે. આ ફિલ્મને થિયેટરની બદલે ઓટીટી પર રજૂ કરવાનું શું કારણ? શું દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા એ પડકારરૂપ છે? એવું પૂછતાં દિગ્દર્શક મધુર ભંડારકરે જવાબ આપ્યો હતો કે ના, એવું બિલકુલ નથી. ઇન્ડસ્ટ્રીમાં આવો સમય તો આવતો જતો રહે છે, પણ અમને લાગે છે કે આ ફિલ્મ ઓટીટી માટે પરફેક્ટ ફિલ્મ છે, ઓટીટીના પણ ઘણા દર્શકો છે. થિયેટર અને ઓટીટી વચ્ચેનું અંતર નામશેષ થઇ ગયું છે. સારો વિષય હોય તો ચાહે થિયેટર હોય કે ઓટીટી લોકોને આકર્ષિત કરે જ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.