વિશેષ -વિનીત શુકલ
(૧૯૨૨ની ૧૩મી નવેમ્બરે ગોંડલમાં જન્મેલા અને ૨૦૦૫ની ૩૧મી જાન્યુઆરીએ નંદિગ્રામમાં શબ્દસ્થ થયેલા મકરંદ દવેના જન્મશતાબ્દી વર્ષની આનંદયાત્રાની સમાપ્તિ રૂપે નંદિગ્રામમાં ૧૨-૧૩ નવેમ્બરે રસપ્રદ આસ્વાદ- અંજલિસત્રનું આયોજન થયું છે.)
કવિ શ્રી મકરંદ દવે ગુજરાતી કવિતાનું, ગુજરાતી હૃદયસંપદાનું ગુજરાતીતાનું જ એક શિખર છે. સહૃદય ભાવકો અને વિદ્વાન, વિવેચકો- અભ્યાસીઓએ મકરંદભાઈની નોખા રણકાવાળી શબ્દસાધનાને ખૂબ જ ઉમળકાથી જાણી- માણી- પ્રમાણી છે. હૃદયની ઉછાળા મારતી ઊર્મિ હોય, સામાજિક ચેતનાનો ધબકાર હોય કે અધ્યાત્મની પાતાળગંગા હોય- મકરંદભાઈનો શબ્દ કોઈ આભૂષણ, આડંબર કે આડખીલી વગર સોંસરો અંદર ઊતરી જાય, ઠરે અને ઘીના દીવા જેવું તેજ પાથરતો રહે. એમની ચેતના અને એમના ભાવવિશ્ર્વના પ્રેમભર્યા ઊંડાણે ગુજરાતી સર્જકોની બે-ત્રણ પેઢીને પ્રત્યક્ષ કે પરોક્ષપણે સીંચી, સાચવી, દોરી છે. આ તો એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે વય વર્ગ, ભાષા, સમજણ કે યોગ્યતાની લગીર પણ આભડછેટ વગર કેટલાય લોકો એમની પાસેથી ભાવ અને કર્મઠતાનું પોષણ પામ્યા છે.
કેવળ સ્વપ્નસેવી અને ક્રિયાશૂન્ય એવી કવિની સામાન્ય છબિને મકરંદભાઈએ પ્રતીતિની નક્કરતા, પરિશ્રમ અને જીવન પ્રત્યેના સકારાત્મક દૃષ્ટિકોણના બળે બદલી નાખી. સર્જન અને મુંબઈ નિવાસ વચ્ચે પણ એમણે સામાજિક ઉત્થાન અને સમરૂપતાની શોધ સાથે જીવન માંગલ્ય પ્રગટાવવાનું સ્વપ્ન જોયું. (ગો. મા. ત્રિ.ના સરસ્વતિચન્દ્રનું ‘કલ્યાણગ્રામ’ યાદ આવે છે?) એ સ્વપ્નનું નામ એમણે નંદિગ્રામ રાખ્યું અને વલસાડ-ધરમપુર વચ્ચે એને સાકાર પણ કર્યું. એમના વિચાર- ભાવ- શબ્દની શક્તિ કેવી કે નંદિગ્રામનાં ચણતર અને સંચાલનમાં એમને સહભાગી શ્રેષ્ઠીઓ અને બૌદ્ધિકોનો સક્રિય સહકાર મળી રહ્યો. ધરમપુર અને આસપાસના આદિવાસી- ખેડૂત- મજૂર- પછાતવર્ગ માટે એ શિક્ષણ- સંસ્કાર- જીવનરીતિના સિંચનનું કેન્દ્ર બની રહ્યું; તો ખુલ્લા મનના મધ્યમ- ઉચ્ચ વર્ગ માટે એ જીવનમૂલ્યતીર્થ બની રહ્યું. ગુજરાતીના પ્રતિષ્ઠિત વાર્તાકાર- નવલકથાકાર કુન્દનિકા કાપડિયા (જે પાછળથી ઈશા કુન્દનિકા તરીકે જ ઓળખાતાં) એ હકીકતનું પ્રમાણ બની રહ્યાં કે જીવનસાથીના જીવનસ્વપ્નને ઘટાદાર વટવૃક્ષ બનાવવા શું- કેવું- કેટલું- કેવી રીતે કરી શકાય!
ધરમપુર રોડ તો લીલોછમ છે જ, પરંતુ એ રસ્તે પસાર થતાં અચાનક તમને શાંતિ, ઊર્જા અને ઉમળકાનો અનુભવ થાય તો નક્કી માનજો કે તમે નંદિગ્રામની સાવ નજીક છો.
એક નાનકડો અંગત હરખ વ્યક્ત કરું? મકરંદભાઈ- કુન્દનિકાબેન મુંબઈના અંધેરી (પશ્ર્ચિમ) પરાના જુહુગલી વિસ્તારની કોઈ સોસાયટીના બીજા કે ત્રીજા માળના ફ્લેટમાં વસતાં હતાં ત્યારે મોટા ભાઈ- કવિ જયદેવ શુકલ અને હું કવિનું અભિવાદન કરવા પહોંચી ગયેલા. વાતવાતમાં મકરંદભાઈએ નંદિગ્રામની આછી રૂપરેખા કહેલી. એ કહેતી વખતે એમના મોં પરના ભાવ અને તેજે અમને આંજી નાખેલા. સર્જકના સ્વપ્નની ઉત્કટતા એમના શ્ર્વાસોચ્છ્વાસમાં હતી. નંદિગ્રામમાં જવાયું તો એ ઘટનાના દાયકાઓ પછી, પરંતુ એનું અનુસંધાન ત્યારે તત્ક્ષણ સધાયેલું.
મકરંદભાઈની સર્ગશક્તિને વહેતી મૂકતી અનેક પંક્તિ ટાંકી શકાય, પરંતુ એકાદ આખું ગીત યાદ કરીએ એ જ એમની કવિપ્રતિભાને છાજે.
મારો અનહદ સાથે નેહ
મારો અનહદ સાથે નેહ!
મુને મળ્યું ગગનમાં ગેહ.
ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મીટે તે મીત
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત.
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!- મુને મળ્યું…
ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ,
મેઘરવા મુને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટયુમાં વરસ્યો મોંતીડે
મધરો મધરો મેહ! – મુને મળ્યું…
સતનાં મેલી રંગ સોરઠાં
ખેલું નિત ચોપાટ,
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ,
ભદૃ ન જાણે ભોળી દુનિયા
ખોટાં ખડકે ચેહ- મુને મળ્યું…