ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ગઈ કાલથી જ વિચારે ચડેલું વૃંદાનું મન આજની પાર્ટીમાં જવું કે નહીં એ બાબતે અવઢવમાં હતું, પણ તેના ઓફિસ કલિગ્સ તેની ના સાંભળવા તૈયાર નહોતા એટલે મને-કમને તે તૈયારીમાં લાગી. લગભગ બે-ત્રણ કલાકની મહેનત લાગી આજની પાર્ટી માટે તૈયાર થતાં એને. વૃંદાએ બહુ ચીવટ રાખીને, ઝીણવટપૂર્વક પોતાનાં કપડાં, ડ્રેસિંગ તેમ જ અન્ય એક્સેસરીઝની પસંદગી કરેલી. સંપૂર્ણ તૈયાર થયા બાદ ઝડપથી દાદર ઊતરી નીચે પહોચતાં જ એનો હાથ કી-સ્ટેન્ડમાં ભરાવેલી પોતાની નવી નક્કોર ગાડીની ચાવી પર અને નજર સામે કાચના દરવાજામાં પડતા પોતાના પ્રતિબિંબ પર પડી. પોતાની જાતને આમ અચાનક જ આયનામાં નિહાળતાંવેંત એના આત્મવિશ્ર્વાસમાં જોરદાર ઉછાળો આવ્યો અને અનાયાસે જ મુખ પર એક ગૌરવપૂર્ણ આછેરું સ્મિત છલકાઈ ઊઠ્યું. આશરે દસેક મિનિટમાં નિયત સ્થળે એ પહોંચી ગઈ. કાર પાર્ક કરી નીચે ઊતરતાં પહેલાં એણે ડ્રાઈવિંગ સીટની ઉપર રહેલા અરીસાને સહેજ ઊંચોનીચો કરી ફરી પોતાના ચહેરાને તપાસ્યો. બે મોટી પાણીદાર આંખોમાં સ્વપ્રશસ્તિ નહીં, પરંતુ સ્વાભિમાન તો ચોક્કસ હતું જ, પરંતુ દરવાજો ખોલતાંવેંત સામે જઈ રહેલી અન્ય વ્યક્તિઓને જોઈને એના મનમાં સંશય પેદા થયો કે પોતે બરાબર તો લાગે છેને!? હળવે હળવે સંભાળીને, પરંતુ સીધી ટટ્ટાર ડોક સાથે ચાલતાં એણે પોતાની આસપાસ નજર ફેરવી. વળી પાછો એ જ વિચાર મનમાં ઝબૂક્યો પોતે દેખાવ, કપડાં, બુદ્ધિચાતુર્ય કે અત્યાર સુધી મેળવેલી સફળતાના માપદંડમાં ઊણી તો નથી ઊતરતીને? જાત સાથેના સરખામણીભર્યા સંવાદ અને અન્યો સાથેની મનોમન તુલનાએ પગથિયાં ચડીને મુખ્ય હોલમાં પહોંચતાં સુધીમાં એના આત્મવિશ્ર્વાસને થોડો ધક્કો પહોંચાડ્યો. હવે એ સતત એની આસપાસના લોકો, તેઓનો દેખાવ અને સ્વભાવ, તેઓની પ્રસિદ્ધિ અને સફળતા, તેઓની ચતુરાઈ અને વાચાળતા દરેકને પોતાના કરતાં ચડિયાતાં માનવા લાગી. વૃંદાને થયું હરહંમેશની માફક હમણાં કોઈ આવી એના દેખાવ, ફેશન સેન્સ કે અન્ય કોઈ બાબતે એને સરખાવી જશે. જોતજોતામાં એનો અંતરનો આનંદ તદ્દન મરી પરવાર્યો અને આવું આજે જ થયું એવું તો નહોતું?! એણે પોતાની જાતને પ્રશ્ર્ન પૂછ્યો. તરુણાવસ્થાથી જ પોતે કૌટુંબિક કારણોસર, કોઈ પ્રસંગોપાત્ત, નોકરીના સ્થળે, શાળા-કોલેજમાં, કોઈ મીટિંગ, પિકનિક કે પાર્ટી કોઈ પણ જગ્યાએ જાય, આ પ્રકારનો એક તુલનાત્મક તણાવ અજાણતાં જ અનુભવવા લાગતી હતી. એને થયું આ પ્રકારની સરખામણી થવાનાં કારણ શું હોતાં હશે?
શું દરેક ટીનેજર આવા તુલનાત્મક તણાવનો ભોગ બને છે? શા માટે તેઓને સરખામણીની માપદંડીથી માપવામાં આવે છે? તેઓની કાબેલિયત પર પ્રશ્ર્નો કરી અન્યોનાં ઉદાહરણ થકી એને શિખવાડવાની જવાબદારી માથે લઈને ફરતા હોય છે તેઓ શું પોતપોતાનાં કાર્યોમાં પરફેક્ટ હોય છે ખરા? સ્કૂલ હોય કે ઘર-પરિવાર, તરુણાવસ્થામાં મોટા ભાગે એવું જલદીથી કહેવાતું નથી કે જા પહેલાં આ શીખી લે અને પેલું જાણી લે પછી કંઈ પણ બોલજે?? તેઓને તુરંત જ કહી દેવામાં આવે કે બીજાનું જુઓ અને એમાંથી શીખો, થોડી આવડત કેળવો. નાનપણથી જ સરખામણી થકી અળખામણી બનતી આવેલી તરુણી યુવાનીમાં પગ મૂકે ત્યાં સુધીમાં તો એ વિચાર મનમાં ઘર કરી જાય છે કે મને ઘણું નથી આવડતું, મારી રસોઈનાં વખાણ કોઈ કરતું નથી, મારી કરેલી મહેનતને ગણતરીમાં લેવામાં આવતી નથી, હું ગમે તેટલું કરું એની કોઈ ગણના થતી નથી. આવી અનેક પ્રકારની નકારાત્મક તુલનાની ભાવનાઓ હેઠળ યુવતીઓ સતત જીવવા લાગે છે અને પછી જીવનભર મનોમન અવિરત પીડાયા કરે છે, આથી જ ટીનેજ દરમિયાન જ આ પ્રકારની લઘુતાગ્રંથિનો ભોગ બની જવાય નહીં તેનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી બની જાય છે.
આટલું જ નહીં, જેમ જેમ ટીનેજ પૂરી થવા આવે અને યુવાનીના ઉંબર પર પહોંચ્યા પછી ઘણી યુવતીઓમાં પોતાની આસપાસ રહેલાં બાળકો, યુવતીઓ કે ઉંમરમાં થોડી નાની છોકરીઓ સાથે જાણ્યે-અજાણ્યે સરખામણીનો ભોગ બનતી જોવા મળે છે, પરંતુ જો થોડી તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારની તકલીફદાયક તુલનાને દૂર કરી શકવા યુવતીઓ પોતાની જાતને તથા અન્યોને અંતે મદદરૂપ થઈ શકે છે અને પોતાના દ્વારા આવી ભૂલ ફરી ન થાય એ વાતનું ધ્યાન પણ ચોક્કસથી રાખી શકે છે.
અને આથી જ આ પ્રકારની તુલનાત્મક ભાવનાને કઈ રીતે રોજબરોજના જીવનમાંથી દૂર કરી શકાય એ જાણવું દરેક તરુણાવસ્થા તેમ જ યુવાવસ્થામાં રહેલી વ્યક્તિઓ માટે અત્યંત અગત્યનું બની રહે છે. સૌપ્રથમ એ ખ્યાલ રાખવો કે જ્યારે પણ તમારા મનમાં કે તમારી આસપાસ અન્યો દ્વારા સરખામણી કરવાની શરૂઆત થાય ત્યારે અન્યોથી પોતાની જાતને નકારાત્મક અસર થવા દેવાને બદલે તેનાં વખાણ કરો, તેની આદતો અને આવડતોને બિરદાવો અને ત્યાર બાદ જો તમને સાચે એવું લાગે કે આ વાત કે વસ્તુ તમારા જીવનમાં અપનાવવાની જરૂર છે તો ધીરે ધીરે એની શરૂઆત કરો. તમારી જાતને એવા સમયે યાદ અપાવો કે કોઈ વ્યક્તિ હંમેશાં પરફેક્ટ હોતી નથી તેમ જ દરેકની આવડત એકસમાન હોતી નથી. જો ક્યારેક આવી પરિસ્થિતિ ઊભી થાય અને તમે વધારે પડતો તણાવ મહેસૂસ કરો તો એ જગ્યાએથી થોડા સમય માટે ક્યાંક દૂર ચાલ્યા જવાનું પસંદ કરો અને પાછા ફર્યા બાદ વાત બદલી નાખો કે જેથી કરીને તમને મનમાં એ વાતનો ભય કે વસવસો ઊભો થાય નહીં એટલું જ નહીં, બીજાની આવડતો અને ખૂબીઓથી ખુશ થાઓ. કોઈની સારી વાતથી જાતને પ્રેરણા આપવાની શરૂઆત કરો નહીં કે એનાથી ઈર્ષ્યા કે કોઈ અન્ય ભાવ થકી પીડા ભોગવો. તમારા પોતાના આત્મવિશ્ર્વાસમાં વધારો કરો, જાત પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવો અને તમે જે છો, જેવા છો એમાં ખુશ રહેતાં શીખો.
જાતને હંમેશાં એક વાત યાદ કરાવતા રહો કે જિંદગીભર એકસમાન વલણ કે લઢણ ક્યારેય કોઈનું હોતું નથી, આથી જ તુલનાના ત્રાજવામાં જાતને તોલવાનું બંધ કરી, સરખામણીના શિખરેથી ગબડતાં અટકવું અને ટીનેજ દરમિયાન જ જાતનું એવું ઘડતર કરો કે ત્યાર બાદ જીવનભર એ જેવી છે એવી અપનાવતાં, ચાહતાં અને બિરદાવતાં શીખી જવાય.

Google search engine