Homeઈન્ટરવલપોતાની જાત સાથે એકલા કઈ રીતે રહેવું?

પોતાની જાત સાથે એકલા કઈ રીતે રહેવું?

જો આપણે બધું મૂકીને જંગલ કે પહાડોમાં જઈશું તો ત્યાં પણ થોડા સમયમાં લોકોને ગોતવા માંડશું!

આનન-ફાનન -પાર્થ દવે

એક જોક છે કે, કીડીઓ સ્ત્રી જેવી હોય, તે ભેગી જ હોય અને પુરુષો મકોડા જેવા, એકલા એકલા હોય! આમાં ફેરફાર એ છે કે, સ્ત્રી હોય કે પુરુષ, આપણું વાયરિંગ જ એવું થઈ ગયું છે કે આપણને સાથે જ મજા આવે! આપણને હંમેશ કોઈ એવી વ્યક્તિ જોઈએ જ, જે સાથે હોય. મંદિરથી મસ્જિદ, થિએટરોથી મોલ, દુકાનો, રેકડીઓ, રસ્તાઓમાં: લોકો ભેગાભેગા જ હોય. અરે! સવારે યોગ કરવા માટે જવાનું હોય એમાં પણ આપણે પૂછીએ છીએ: બીજા લોકો હશે તો ખરા ને!
કિટી પાર્ટીથી કરીને જાત-જાતના ક્લબ અને ગ્રુપ અને બનેલાં સમૂહો પાછળ તમે માર્ક કરશો તો આ ‘સાથે રહેવાનું’ વાયરિંગ કારણભૂત છે. બીજા કોઈની હાજરીથી આપણને સારું લાગે છે. ગુડ ફિલ થાય છે. કેમ કે તેટલો સમય આપણે આપણી જાતની અળગા રહીએ છીએ. કંઇક ને કંઈકનું રિઍક્શન આપતા રહીએ છીએ. ‘ઉધાર’ લીધેલું વિચારતા રહીએ છીએ. હા ઉધાર! કેમ કે, સ્વતંત્ર વિચારવા માટે તો એકાંત જોઈએ. પોતાના મગજ પર કોઈનું વજન ન જોઈએ. એટલે જ, તમે માર્ક કરશો તો, ધાર્મિક સમારંભોમાં ભીડ હશે. જેમાં એક વ્યક્તિના વિચાર મુજબ બાકીના બધા ચાલતા હશે. એમાં કંઈ ખોટું પણ નથી, દરેક વ્યક્તિ ફિલોસોફર કે વિચારક ન હોય. તેને બીજા કામ પણ હોય!
મારે વાત કરવી છે, પોતાની જાત સાથે એકલા રહેતા શીખવાની. આ ઉપાય છે ડિપ્રેશનથી બચવા માટેનો સૌથી છેલ્લો, સૌથી અઘરો અને સૌથી સહેલો પણ!
કોરોના દરમ્યાન લોકો એકલા રહ્યા એમાં ઘણા માનસિક અસ્થિર થઈ ગયા. સાઇકીયાટ્રિસ્ટને ફોન વધી ગયા. કોઈ ને કોઈ કારણસર, બહાના આપીને બહાર ભાગવા લાગ્યા. કેમ? ‘ભેગા થવાની’ સ્વતંત્રતા છીનવાઈ ગઈ એટલે? કે પછી ચારે તરફથી થતા વિચારો-વાતોના પ્રહારો ઝીલવાની આદત પડી ગઈ છે? કેમ વ્યક્તિ પોતાની જાત સાથે નથી રહી શક્તી? ઈન ફેક્ટ, લોકડાઉનમાં તો ઘરમાં, બધી જ પ્રવૃત્તિઓ કરતા કરતા પરિવાર સાથે રહેવાનું હતું, તો પણ.
મારા-તમારા સહિત ઘણા એવા હશે જે ધ્યાન ધરવા માટે દસ મિનિટ આંખો બંધ કરે ને ધ્રુજારી આવી જાય! પોતાની અંદર જ ન ઝાંખી શકે. અંદરના અંધારાથી ડર લાગે. કોઈ ગીત કે પ્રાર્થના ચાલુ હોય તો તે સંગીત ને શબ્દોના સહારે પંદર-વીસ મિનિટ નીકળી જાય; મોટાભાગે તો એમાંય દુનિયાભરના વિચારો ચાલતા હોય.
જેમ જેમ સોશિયલ મીડિયા વધવાનું છે એમ આમ પણ માણસ એકલો થતો જવાનો છે. પણ તેને તે ટેકલ કરતા (એકલા રહેતા) શીખવાનું છે.
અહીં એકલા રહેવું એટલે ‘લોનલી’ નહીં, પણ ‘અલોન’. ‘હમ તેરે બિન અબ રહ નહીં શક્તે’ ગાઈને, રાતના ડુસકા ભરીને, સિગારેટના કશ લેતા લેતા એકલા રહેવાની આ વાત નથી થતી. અહીં અન્યોથી અલગ, અથવા બધા સાથે હોવા છતાં એકલા રહેવાની વાત થાય છે! ઘણી વાર મહેસૂસ થયું હશે કે કોઈ પાર્ટી કે પ્રસંગમાં, મિત્રો-સગાઓની સાથે હોવા છતાંય તમને અંદરથી મજા ન આવતી હોય, એકલવાયું લાગતું હોય. અને જ્યારે સાવ એકલા હોઈએ ત્યારે પોતાની જાતથી ભાગવાનું મન થાય. કોઈકને ફોન જોડીએ, ટીવી ચાલુ કરીએ, વેબ-સિરીઝ જોઈએ, ઈન્ટરનેટ સર્ફ કરીએ. ટૂંકમાં, પોતાના વિચારોને સ્વતંત્ર ન થવા દઈએ!
તો પોતાની જાત સાથે એકલા કઈ રીતે રહેવું? વેલ, આ વિશે જે જંગલમાં એકલા જ રહેતા તે ઋષિમુનીઓએ અઢળક કહ્યું છે. પણ આપણે એ ‘રીતે’ એકલા નથી રહેવાનું. કેમ કે, જો આપણે બધું મૂકીને જંગલ કે પહોડામાં જઈશું તો ત્યાં થોડા સમયમાં લોકોને ગોતવા માંડશું! (સંપૂર્ણ આઝાદી જીરવવી અઘરી છે.) જેનાથી દૂર ગયા તેની જ ઈચ્છા થાશે! આપણે તો લોકો વચ્ચે, લોકોથી અલગ રહેવું છે. પોતાની જાત સાથે રહેવું છે.
દિલ્હીની શ્રીરામ કોલેજના વિદ્યાર્થીએ પૂછેલા સવાલના જવાબમાં જગ્ગી વાસુદેવે (સદગુરુ) કહેલી વાત અહીં યથાયોગ્ય ફિટ થાય છે. તેમણે કહેલું કે, તમે અંદરથી આનંદમાં હશો તો બહારની કોઈપણ વસ્તુ તમને અસર નહીં કરી શકે. અંદરથી જ મજા નહીં આવતી હોય તો બહારની વ્યક્તિ જ્યારે તમારી સામે મુસ્કુરાસે ત્યારે તમને ગમશે, પણ એ નહીં હોય કે મોઢું બગાડશે તો તમને દુ:ખ થશે. એટલે કે એક વખત – જ્યારથી તમારું ‘હોવાપણું’ બહારની વસ્તુ પર આધાર રાખતું બંધ થઈ જશે ત્યારથી એકલાપણા જેવી વસ્તુ ગાયબ થઈ જશે. એટલે કે તમે તે એકલાપણાનો આનંદ લેશો. અને જેમાંથી આનંદ આવે તે એકલાપણું નહીં પણ એકાંત કહેવાય!
બીજી એક મહત્ત્વની ગાંઠે બાંધી લેવા જેવી વાત એ કહેવી છે કે, આપણે માનીએ કે ન માનીએ આપણે શરીરની અંદર એકલા જ છીએ! આપણે ગમે તેટલી લોકો સાથે ‘બહાર’ ચર્ચાઓ કરીએ, હળીએ-મળીએ, સંભોગ કરીએ; અલ્ટિમેટલી આપણે એકલા જ છીએ. એકચ્યુલી આ ગિફ્ટ છે! જિંદગીની સૌથી સુંદર ગિફ્ટ. કેમ કે, આ એક જ વસ્તુ એવી છે જ્યાં તમારા સિવાય બીજું કોઈ નથી પહોંચી શક્તું. તમને લોકો અડી શકે, ટોર્ચર કરી શકે, કેદ કરી શકે, પણ તમારી અંદર નહીં ઘૂસી શકે. માટે એકલાપણાને તકલીફ ન સમજી તેને એકાંતમાં તબદિલ કરી નાખવું. પછી જુઓ, જે મજા આવે છે…
અને આમેય, તમને જ જો તમારી સાથે મજા ન આવતી હોય તો બીજાને કેમ આવશે?!
***
તમે જો રેસ્ટોરાંમાં જમવા કે થિએટરમાં ફિલ્મ જોવા એકલા જઈ શક્તા હો તો તમે જીવનમાં કંઈપણ કરી શકો છો! – અજ્ઞાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular