પ્લાસ્ટિક પરના પ્રતિબંધ માટે આપણે કેટલા તૈયાર છીએ?

વીક એન્ડ

કવર સ્ટોરી-પ્રથમેશ મહેતા

આપણે સહુ જાણીએ છીએ કે અત્યારે જેટલો ઘન કચરો શહેર કે ગામડાંઓમાં નીકળે છે, તેમાં મોટા ભાગનો કચરો પ્લાસ્ટિકનો જ હોય છે. પ્લાસ્ટિક વિનાની જિંદગી જાણે આપણે કલ્પી જ ન શકતા હોઈએ તેવી સ્થિતિ છે. રોજિંદા જીવનમાં લગભગ બધી જગ્યાએ કોઈ ને કોઈ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ સંકળાયેલો હશે જ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, ૨૦૧૯માં પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ બનવાની અપીલ કરતાં, ભારતની એ દિશામાં કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલિ આપીને પર્યાવરણ રક્ષાની દિશામાં આગળ વધશે તેમ જણાવ્યું હતું. આ અંગે સરકારે ૨૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ બહાર પાડેલા નોટિફિકેશન મુજબ ગઈ કાલથી એવા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે, જેની ઉપયોગિતા ઓછી અને રદ્દી બનવાની શક્યતાઓ વધુ હોય. હવે આ પ્રતિબંધ અમલમાં આવી રહ્યો છે. સરકાર ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ત્રિ-સ્તરીય વ્યૂહ અપનાવી રહી છે.
કચરામાં જવાની વધુ શક્યતા
તેનો અર્થ એ વસ્તુઓ કે ઉત્પાદનો, જેને વપરાશ બાદ બહુ ઝડપથી કચરામાં ફેંકી દેવામાં આવતાં હોય અથવા કહી શકીએ કે એક વારનો ઉપયોગ જ હોય છે. તેમાં મોટા ભાગની વસ્તુઓ નિકાલજોગ (ડિસ્પોઝેબલ) વસ્તુઓ હોય છે, જે સફાઈ વખતે નાળાઓમાંથી મળી આવે છે.
ઓછી ઉપયોગિતા
તેમાં પ્લાસ્ટિકની એવી વસ્તુઓ શામેલ છે, જેનો બહુ ઓછો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વીંટવાની પ્લાસ્ટિક શીટ, જે પેકેજિંગ ખોલ્યા પછી ભાગ્યે જ વપરાય છે.
વિકલ્પની ઉપલબ્ધતા
જ્યાં પ્લાસ્ટિકની જગ્યાએ અન્ય પદાર્થની બનેલી વસ્તુઓના વિકલ્પ ઉપલબ્ધ હોય. દાખલા તરીકે કાગળની બેગ, વીંટવના કાગળ (રિસાઇકલ કાગળ પણ વાપરી શકાય), બામ્બુની ચમચી વગેરે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટનાં ડિરેક્ટર જનરલ, સુનિતા નારાયણ કહે છે કે ‘ભવિષ્યનો રસ્તો એ છે કે કાં તો પ્લાસ્ટિકની વસ્તુઓનો યોગ્ય નિકાલ થાય અથવા તેને રિસાઇકલ કરવામાં આવે. તેના માટે ત્રિ-સ્તરીય વ્યૂહ જરૂરી છે. પહેલું કે વપરાશ માટે બનાવાયેલું પ્લાસ્ટિક ભેગું કરવામાં આવે અને તેનો નિકાલ થાય. બીજું કે પ્લાસ્ટિકનો કચરો રિસાઇકલ કરાય અથવા તેનો નાશ કરવામાં આવે અને ત્રીજું, ફેરવપરાશ કે નિકાલ પર્યાવરણને અનુકૂળ હોય, વધારે પ્રદૂષણ કે આરોગ્યને નુકસાનકારક સાબિત ન થાય.’
શું ઉદ્યોગો પ્રતિબંધ માટે તૈયાર છે?
સરકાર તો પ્રતિબંધ માટે કટિબદ્ધ છે, પણ ઉદ્યોગો તેને માટે તૈયાર છે? ભારતીય વ્યાપાર મહાસંઘે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખ્યો છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધની મુદત પહેલી જુલાઈથી એક વર્ષ માટે વધારી આપવામાં આવે. તેમની વિનંતી પ્રમાણે સરકારે વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના લોકોની મળીને એક કમિટી બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોને સમય સીમામાં અપનાવવાનાં સૂચનો આપવાં જોઈએ. તેના પરથી ખ્યાલ આવે છે કે ૨૦૧૯થી સરકાર તૈયારી કરી રહી હોવા છતાં ઉદ્યોગોએ કોઈ તૈયારી કરી નથી. નાગપુરમાં ભારતનાં વિવિધ રાજ્યોના વ્યાપારી સંગઠનના સોથી વધુ આગેવાનોની બેઠકમાં ઉપરોક્ત વિનંતી પત્ર મોકલવાનો ઠરાવ થયો હતો. વ્યાપારી મહાસંઘના પ્રમુખ બી. સી. ભારતીય અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે ‘પર્યાવરણીય પ્રદૂષણ માનવજાત માટે મોટો ખતરો છે અને તેને માટે જરૂરી પગલાં લેવાવાં જ જોઈએ, પણ કોઈ પણ પ્રતિબંધ પહેલાં તેના વિકલ્પો ઉપલબ્ધ થાય તે સુનિશ્ર્ચિત કરવાની જરૂર છે.’
એફએમસીજી માટે બહુસ્તરીય પેકેજિંગ એક પડકાર
અત્યારે જે પ્રતિબંધ છે તેમાં બહુસ્તરીય પેકેજિંગનો સમાવેશ થયો નથી. આ પ્રકારનું પેકેજિંગ બધાં ઝડપી વેચાણવાળાં ઉત્પાદનો (વેફર, શેમ્પૂથી લઈને ગુટકા સુધી)માં વપરાય છે. સરકારના જણાવ્યા મુજબ બધા જ પ્રકારના પેકેજિંગનો નવા એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી અન્વયે પ્રતિબંધમાં સમાવેશ કર્યો છે. કંપનીઓએ વાર્ષિક કેટલું પાછું ભેગું કરવું તે પણ નિશ્ર્ચિત કરાયું છે. પર્યાવરણ મંત્રાલયના નિર્દેશ મુજબ વર્ષ ૨૦૨૬-૨૦૨૭ સુધીમાં ઉદ્યોગોએ પોતાના પ્લાસ્ટિક પેકેજિંગના ૧૦૦% રિસાઇકલનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.
સુનીતા નારાયણના જણાવ્યા મુજબ કાગળ પર આ બહુ સરસ લાગતું હશે, પણ જે રીતે એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી નિશ્ર્ચિત કરાયું છે કે અત્યારે તેમાં કામ થઈ રહ્યું છે એ બહુ ઉત્સાહજનક નથી. સૌથી મોટી તકલીફ કે ઉદ્યોગો દ્વારા કેટલું પ્લાસ્ટિક ઉત્પાદન થાય છે કે કચરો પેદા થાય છે, તેના આંકડા જ નથી. તો લક્ષ્ય સિદ્ધ કેવી રીતે કરાય? બીજું કે કંપનીઓ દ્વારા પ્લાસ્ટિક રિસાઇકલ અથવા પ્રોસેસ કરવાનું ૨૦૨૪ સુધીમાં શરૂ કરી શકાય. તો ત્યાં સુધી પેદા થયેલા પ્લાસ્ટિકનું શું? કોઈ તેનો સંગ્રહ કરી રાખશે કે ગમે ત્યાં ફેંકી દેવાશે?
આજીવિકાનું નુકસાન
વ્યાપારી મહાસંઘના કહેવા મુજબ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન સ્વયં એક ઉદ્યોગનું રૂપ લઈ ચૂક્યું છે. દેશભરમાં લાખો લોકોને તેમાં રોજગારી મળી રહી છે. જો કુલ વેચાણની વાત કરીએ તો વાર્ષિક ૬૦ હજાર કરોડનો વકરો છે. સ્વાભાવિક રીતે બેન્ક જેવી નાણાકીય સંસ્થાઓ પણ લોન વગેરે સ્વરૂપે ઉદ્યોગોમાં સંકળાયેલી હોય. એટલે કોઈ યોગ્ય વિકલ્પ વિના પ્રતિબંધ મૂકવાથી છૂટક વ્યાપારના ક્ષેત્રમાં ઘણી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
અત્યારે ૯૦ ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ બહુરાષ્ટ્રીય કંપનીઓ, ઉત્પાદકો, ઈ-કોમર્સ કંપનીઓ, વગેરે દ્વારા તેમના ઉત્પાદન અથવા પેકેજિંગમાં થાય છે. વેપારીઓ તો તેમને જે પણ પ્રકારના પેકેજિંગ સાથે વસ્તુઓ મળે તે રીતે વેચવા બંધાયેલા છે. એટલે જ્યાં સુધી આ કંપનીઓ પર પેકેજિંગમાં પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ ન આવે ત્યાં સુધી ગ્રાહક તરફ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવું લગભગ અશક્ય છે.
કયા દેશોએ મૂક્યો છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ?
જુલાઈ, ૨૦૧૯ સુધીમાં વિશ્ર્વના ૬૮ દેશો પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા હતા. તાજેતરમાં કેનેડાએ ડિસેમ્બર, ૨૦૨૨થી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. બંગલાદેશે ૨૦૦૨થી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ન્યુ ઝીલેન્ડ અને ચીન પણ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. તે ઉપરાંત યુરોપિયન યુનિયન પણ જુલાઈ, ૨૦૨૧થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઘોષણા કરી ચૂક્યું છે. અમેરિકામાં આઠ રાજ્યોએ અત્યાર સુધીમાં પ્રતિબંધ ઘોષિત કર્યો છે.
ભારતમાં સ્થિતિ
પ્રચાર માધ્યમો સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, ‘નિશ્ર્ચિત કરેલી વસ્તુઓનો પુરવઠો રોકવા, રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે સૂચનાઓ આપવામાં આવી છે. દાખલા તરીકે, મુખ્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓ, પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદકોને પ્લાસ્ટિકનો કાચો માલ પૂરો નહીં પાડે. પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારને પર્યાવરણ રક્ષા કાયદા, ૧૯૬૮ અંતર્ગત દંડની જોગવાઈ છે, જેમાં પાંચ વર્ષની જેલ અથવા એક લાખ રૂપિયા દંડ અથવા બંને સામેલ છે.’ આ ઉપરાંત સ્થાનિક સ્તરે નગરપાલિકા અને મહાનગરપાલિકાના સ્તરે પણ તેના માટેના નીતિ-નિયમો ઘડાયા છે.
હવે આ પ્લાસ્ટિક પ્રતિબંધનું પણ પેલી થેલીઓ જેવું ઉલાળિયું થાય છે કે પરિવર્તન ખરેખર થાય છે તે તો સમય જ કહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.