ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન ભારે અફડાતફડી જમાવી હતી અને એ માટે કારણો પણ મળી રહ્યાં હતાં. એમ કહી શકાય કે મોટેભાગે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની લેવાલીને કારણે બજારને ટેકો ના મળ્યો હોત તો રોકાણકારોની સંંપત્તિમાં ભારે ધોવાણ જોવા મળ્યું હોત.
ગુરુવારના સત્રમાં સ્થાનિક બજારે આઇટી શેરોની આગેવાની હેઠળ વૈશ્ર્વિક બજારની તેજી પચાવી હતી અને વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો થયો હોવાથી અપસ્ટ્રીમ ઓઇલ કંપનીઓના શેરમાં કરંટ જોવા મળ્યો હતો. જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે મજબૂત જોબ ડેટા પછી અમેરિકામાં રિટેલ સેલ્સ ડેટા પણ મજબૂત આવવાથી એવા સંકેત મળ્યા છે કે ફુગાવાનો દર ઊંચો રહ્યો હોવા છતાં અમેરિકાનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે.
જોકે, અર્થતંત્રની મજબૂતી ફેડરલ રિઝર્વને વધુ કડક નાણાં નીતિ અપનાવવા પ્રેરશે એવી ભીતિ વચ્ચે સુધારો મર્યાદિત રહ્યો હતો. આ પરિબળોની નકારાત્મકતાએ બજારનું માનસ ડહોળ્યું હતું અને પાછલા સત્રોમાં શેરબજારમાં ધોવાણ જોવા મળ્યું હતું. માર્કેટ માટે કેટલાંક પોઝિટીવ સમાચાર જોઇએ તો સરકારે ડીઝલ અને એટીએફની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને તેની નિમ્નત્તમ સપાટીએ પહોંચાડ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધોરણે ઉત્પાદિત ક્રૂડ પરની લેવીમાં પણ ઘટાડો કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં આવેલા સુધારાનું એક કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની લેવાલી પણ છે. એફઆઇઆઇએ સળંગ છ દિવસની લેવાલીમાં અંદાજે રૂ. ૬૦૦૦ કરોડના શેર ખરીદ્યા છે. એ નોંધવું રહ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ ૧૦ મહિનામાં વિદેશી રોકાણકારોે અંદાજે રૂ. ૯૬૦૦ કરોડની વેચવાલી નોંધાવી હતી. એફઆઈઆઈની સતત ખરીદીને ટેકો આપતા ૧૭ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સતત ત્રીજા સપ્તાહમાં બજારે તેની આગેકૂચ જાળવી રાખી હતી.
જોકે, બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર ફેડરલના અધિકારીઓની બેફામ ટિપ્પણીઓ અને યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો થવાને કારણે ઊંચા સ્તરે દબાણને જોતાં રેન્જબાઉન્ડ અને કોન્સોલિડેશનનો ટ્રેન્ડ હજી પૂરો થયો નથી. સેન્સેક્સ ૬૧,૦૦૦ની ઉપર અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૭,૯૪૪ પોઇન્ટની સપાટી પર બંધ થવા સાથે, બેન્ચમાર્ક સૂચકાંકો અઠવાડિયા દરમિયાન પોઝિટીવ ઝોનમાં અડધા ટકા સુધી આગળ વધ્યા હતા, પરંતુ નિફ્ટી મિડકેપ-૧૦૦ અને સ્મોલકેપ-૧૦૦ જેવા વ્યાપક બજારના સૂચકાંકોમાં એક ટકાથી વધુ ધોવાણ થવા સાથે બજારનું માનસ ખરડાયું હતું.
જાણીતા મ્યુચ્યુઅલ ફંડના ટેકનિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ટેકનિકલ ધોરણે માળખું હજુ પણ તેજીનું છે અને નિફ્ટી મજબૂત પોલેરિટી સપોર્ટ પર છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો કરેક્શન જોવા મળશે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ ૧૭,૬૫૦ – ૧૭,૫૦૦ના ઝોન તરફ આગળ વધે એવી શક્યતા છે.
એક અન્ય ચાર્ટીસ્ટે કહ્યું હતું કે જો બેન્ચમાર્ક ૧૮,૨૦૦-૧૮,૨૫૦ના સ્તરની ઉપર મક્કમ બંધ આપી શકે અને ત્યાં અમુક સત્ર ટકી શકે તો ૧૮,૪૫૦-૧૮,૫૦૦ના સ્તર તરફ તેજીની ગતિ શરૂ થવાની શક્યતા છે. તેમના મતે એકંદરે ઓપ્શન ડેટા મુજબ નિફ્ટી-૫૦ માટેની ટ્રેડિંગ રેન્જ, આગામી સત્રો માટે ૧૭,૮૦૦-૧૮,૨૦૦ જેવી હોઈ શકે છે. સમીક્ષા હેઠળના પાછળા સપ્તાહમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, એનર્જી, મેટલ અને પસંદગીના એફએમસીજી શેરોએ સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો, પરંતુ ઓટો, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ અને હેલ્થકેર શેરોમાં વેચવાલીને કારણે લાભ મર્યાદિત હતો. આગામી સમયની વાત કરીએ તો સ્થાનિક ટ્રિગર્સની ગેરહાજરી વચ્ચે તમામ રોકાણકારોની નજર વૈશ્ર્વિક સંકેતો પર રહેશે, જેમાં બજારના સહભાગીઓ મોટાભાગે એફઓએમસીની મિનિટસ અને ચોથા ક્વાર્ટરના યુએસ જીડીપી ડેટાનો સમાવેશ થાયછે. નિષ્ણાતોએ જણાવ્યું હતું.
જ્યાં સુધી બજારના વલણનો સંબંધ છે ત્યાં સુધી તેઓ અપેક્ષા રાખે છે કે રેન્જબાઉન્ડ અને કોન્સોલિડેશન આ સપ્તાહમાં પણ હકારાત્મક પૂર્વગ્રહ સાથે ચાલુ રહેશે અને ફેબ્રુઆરીના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની માસિક સમાપ્તિ થોડી વધુ અસ્થિરતા ઉમેરી શકે છે.
ફેડરલ રિઝર્વની આવતા ગુરુવારે નિર્ધારિત થયેલ ફેબ્રુઆરીની પોલિસી મીટિંગની મિનિટ્સ પર વૈશ્ર્વિક રોકાણકારોની નજર રહેશે, જોકે ફેડરલના મોટા ભાગના અધિકારીઓએ તેમના ભાષણો દ્વારા પહેલેથી જ ફુગાવાના ઊંચા સ્તરને જોતા વધુ વ્યાજદરમાં વધારા માટે સંકેત આપ્યો જ છે. આ ઉપરાંત મજબૂત આર્થિક ડેટાએ પણ નિષ્ણાતોને વર્તમાન અપેક્ષાઓ કરતાં આગામી પોલિસી મીટિંગ્સમાં વધુ દર વધારાની શક્યતા સ્વીકારી લીધી છે.
પાછલા અઠવાડિયે, ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ફુગાવા સંદર્ભેે કહ્યું હતું કે ફેડરલને તેની હાલની કાર્યવાહીની યોજના જાળવી રાખવાની જરૂર છે. તે એક લાંબી લડાઈ હોઈ શકે છે, જેમાં કેટલાક લોકો હાલમાં અપેક્ષા રાખે છે તેના કરતા લાંબા સમય સુધી વ્યાજ દરો વધારો ચાલુ રહી શકે છે. પરંતુ મારૂ કામ પૂર્ણ કરવા માટે જે જરૂરી છે તે કરવામાં હું અચકાઈશ નહીં.
એ જ સાથે આવતા ગુરૂવારે નિર્ધારિત ચોથા ક્વાર્ટર (૨૦૨૨) યુએસ જીડીપી ડેટાનો બીજો અંદાજ મુખ્ય પરિબળ બનશે. પ્રથમ અનુમાન મુજબ, યુએસ અર્થતંત્રે ૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ૨.૯ ટકાના દરે વૃદ્ધિ નોંધાવી હતી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૩.૨ ટકા હતી.
સ્થાનિક ધોરણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બુધવારે તેની ફેબ્રુઆરીની નાણાકીય નીતિની બેઠકની મિનિટ્સ પણ બહાર પાડશે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીએ ૮ ફેબ્રુઆરીના રોજ ઘટી રહેલા મોંઘવારી વચ્ચે રેપો રેટ ૨૫ બેસિસ પોઇન્ટ વધારીને ૬.૫ ટકા જાહેર કર્યો છે અને ફુગાવો આગળ જતા લક્ષ્યની અંદર રહે તેની ખાતરી કરવા માટે એકોમોડેશન સ્ટાન્સ પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે જીડીપી અનુમાન અગાઉના ૬.૮ ટકાથી સુધારીને ૭ ટકા જાહેર કર્યો છે. મધ્યસ્થ બેન્કે હવે વૃદ્ધિ પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાય છે; અને ફુગાવાનો અનુમાન અગાઉ ૬.૭ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કર્યો. દરમિયાન મધ્ય અને પશ્ર્ચિમ ક્ષેત્ર માટે પ્રથમ પીએમ ગતિશક્તિ એનએમપી કાર્યશાળાનું આજે ૨૦મીએ ગોવામાં ડીપીઆઇઆઇટીના લોજિસ્ટિક વિશેષ સછિવની અધ્યક્ષતા હેઠળ આયોજન થશે. જેમાં પરવિહન વિકાસ સંદર્ભની ચર્ચામાં વિવધિ રાજ્ય સરકારો સહભાગી થશે.