છઠ્ઠી ફેબ્રુઆરીના તુર્કેયમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે જાનહાનિની સાથે સાથે માલહાનિના આંકડા હાલમાં જ વર્લ્ડ બેંકે જાહેર કર્યા છે. આ કુદરતી હોનારતને કારણે તુર્કેયમાં 5,000થી વધુ ઇમારતોને નુકસાન થયું હતું. તુર્કેય સિવાય સીરિયામાં પણ એ જ દિવસે ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. બંને દેશોમાં 50,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 80 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કુદરતી હોનારતને કારણે બંને દેશોને અબજો ડોલરનું નુકસાન થયું છે.
વર્લ્ડ બેંક દ્વારા લગાવવામાં આવેલા અનુમાન અનુસાર ભૂકંપને કારણે તુર્કેયને 34 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે 2 લાખ 81 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીના દક્ષિણ તુર્કેયમાં આવેલા વિનાશક ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે દેશને 34 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે અને આ નુકસાન તુર્કેયના જીડીપીના 4% જેટલું છે.
વર્લ્ડ બેંક દ્વારા લગાવવામાં આવેલા અનુમાન અનુસાર ઉત્તર સીરિયામાં થયેલા નુકસાનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં મંગળવારે એટલે કે આજે વર્લ્ડ બેંક દ્વારા રકમ સંબંધિત માહિતી આપવામાં આવશે. જોકે, વર્લ્ડ બેંક દ્વારા એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે કે તુર્કેયમાં સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાઓને કારણે થયેલા કુલ નુકસાનમાં હજી વધારો થવાની શકયતા છે.
આ આપત્તિ તુર્કેયના જાહેર અને ખાનગી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફ્લેક્સિબિલિરી લાવવાની જરૂર છે એ દિશામાં ઈશારો કરી રહી છે એવું વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર હમ્બર્ટો લોપેઝે જણાવ્યું હતું. નિષ્ણાતોનું એવું માનવું છે કે આ વિનાશક દુર્ઘટના પછી તુર્કેયમાં ખાસ પ્રકારની રેસીડેન્શિયલ ઇમારતો બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
વર્લ્ડ બેંક દ્વારા એવું અનુમાન પણ લગવવામાં આવી રહ્યું છે કે તુર્કેયમાં રેસીડેન્શિયલ બિલ્ડિંગને થયેલા નુકસાનને કારણે 1.25 મિલિયન લોકો અસ્થાયી ધોરણે વિસ્થાપિત થઈ ચૂક્યા છે.