તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા પછી વિનાશકારી તસવીરો સામે આવી છે, જે ભયાનક છે. તુર્કી અને સરહદી દેશ સીરિયામાં અત્યાર સુધીમાં 11,000થી વધુ લોકોના મોત અને 50,000 લોકો ઘવાયા છે. હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે, જેમાં બુધવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ યુનાઈટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું.
દુનિયાભરના દેશો તુર્કીને મદદ કરવા હાથ લંબાવ્યો છે, જેમાં સૌથી પહેલા ભારત દેશનો નંબર આવે છે. તુર્કીમાં દસ જેટલા ભારતીય ફસાયા છે, જેમાંથી એક વ્યક્તિ ગૂમ છે અને તેનો સંપર્ક થઈ શકયો નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભૂકંપગ્રસ્ત તુર્કીના અલગ અલગ શહેરમાં ભારતીય છે, જે સુરક્ષિત છે તથા અમે તેમના સંપર્કમાં છીએ. તુર્કીમાં રહેનારા ભારતીય નાગરિકની સંખ્યા 3,000થી વધુ છે, જે તમામ સુરક્ષિત છે.
હાલમાં પણ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં રાત દિવસ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનું કામકાજ ચાલુ છે, જ્યારે મૃતકની સંખ્યા આઠ ગણી વધી શકે છે. આ ભૂકંપને કારણે 23 કરોડથી વધારે લોકો પ્રભાવિત થઈ શકે છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ ચેતવણી આપી હતી. આ ભયાનક આફતમાં હોમાયેલ તુર્કીને ભારત સહિત દુનિયાના 70 દેશ અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠને મદદ કરી છે. ભારત સરકારે તુર્કીને મદદ કરવા માટે ઓપરેશન દોસ્ત હાથ ધર્યું છે, જે અંતર્ગત સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ટીમ, ફિલ્ડ હોસ્પિટલ સહિત અન્ય સામગ્રી મોકલવામાં આવી છે. તુર્કીના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાન ચલાવવા માટે ગાઝિયાબાદ અને કોલકાતા બેસથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 101 કર્મચારીવાળી બે યુએસએઆર ટીમને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. બુધવારે 51 બચાવકર્તાની ટીમને સાધનસામગ્રી સાથે એક ફલાઈટ તુર્કી પહોંચી હતી અને અન્ય પચાસ કર્મચારીવાળી ટીમને તુર્કી રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત, તુર્કીને મદદ માટે 10,000 કન્ટેનર હાઉસીસ મોકલવામાં આવ્યા છે. તુર્કીએ પણ શેલ્ટર માટે 10,000 કન્ટેનર તૈયાર કર્યા છે.