અભિમન્યુ મોદી

નીતીશ કુમાર. આ નામથી ગૂગલ પર છેલ્લા અઠવાડિયામાં સૌથી વધુ સર્ચ થયું છે. જે યુવાનો નીતીશ કુમારને ઓળખતા નહોતા તેઓ પણ હવે તેમના ફોટાને રજનીકાંત સાથે મર્જ કરીને મીમ શેર કરી રહ્યા છે. જેમાં લખ્યું છે ‘ક્યોં હિલા ડાલાના…’ સાચે તેમના નિણર્યથી બિહાર ભાજપના કાર્યકરો હચમચી ગયા હતા. એટલે જ ભાજપના નેતાઓ નીતીશને ભરપેટ અપશબ્દો કહી રહ્યા છે. નીતીશને પક્ષપલટુથી માંડીને સાપ સુધીનાં વિશેષણોથી ભાજપના નેતા નવાજી રહ્યા છે. ભાજપના નેતાઓની લાગણી સમજી શકાય એવી છે, કેમ કે નીતીશે ભાજપને પોતાનું ધાર્યું કરવાની તક આપ્યા વિના લાત મારીને તગેડી મૂક્યો. અત્યાર લગી એવું બનતું કે ભાજપ પોતાના સાથીઓને લાત મારીને તગેડી મૂકતો ને અંતિમ હાસ્ય તેનું રહેતું. નીતીશના કિસ્સામાં ઊંધું થયું છે ને ભાજપ હાસ્યાસ્પદ બની ગયો છે, તેથી તેની ખીજ નીકળે એ તો સ્વાભાવિક છે, પરંતુ ભાજપના કાર્યકરો એ વાતથી અજાણ છે કે નીતીશ હંમેશાં મનમાની કરવામાં જ માને છે.
મહત્ત્વની વાત એ કે ભાજપને નીતીશ સામે એ આક્ષેપોનો અધિકાર જ નથી. નીતીશ પાંચ વર્ષ પહેલાં આ જ રીતે તેજસ્વી યાદવને છોડીને આવેલા. એ પહેલાં નીતીશને ભ્રષ્ટાચારી યાદવ પરિવાર સાથે સત્તા વહેંચવામાં કોઈ રસ નહોતો, પણ પછી અચાનક તેજસ્વી તેમને ભ્રષ્ટાચારી લાગ્યો. ભાજપ એ વખતે નીતીશનાં ઓવારણાં લેતો હતો ને તેજસ્વી ગાળો દેતો હતો. લાલુ યાદવ એ વખતે નીતીશને સાપ ગણાવતા હતા ને હવે ભાજપ ગણાવે છે. વારા પછી વારો, મારા પછી તારો. જોકે ભાજપને આક્ષેપબાજીનો અધિકાર નથી એ સાચું, પણ તેના કારણે નીતીશ ગુલાંટબાજ નથી એવું સાબિત થતું નથી. તેમણે પણ બીજા નેતાઓની જેમ સત્તા બચાવવા ગુલાંટ લગાવી જ દીધી છે. ભાજપ તરફથી ખતરો લાગતાં ભાજપને કોરાણે મૂકી દીધો છે એ વાસ્તવિકતા બદલાતી નથી.
૧ માર્ચ, ૧૯૫૧ના રોજ નાલંદાના કલ્યાણ બીઘા ગામમાં નીતીશનો જન્મ થયો હતો. તેમના પિતા રામ લખન બાબુ સ્વતંત્રતાસેનાની હતા અને પછી કોંગ્રેસના નેતા બન્યા. નીતીશને તેઓ પ્રેમથી મુન્ના કહેતા હતા. મુન્નાએ વર્ષ ૧૯૭૦માં બિહાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પટનામાંથી બીટેક કર્યું છે. એ જમાનામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો એ જ મોટી વાત હતી, તેથી ગામના લોકો તેમને એન્જિનિયર બાબુ કહેવા લાગ્યા. તેમના ગામમાં પ્રેમલગ્ન કરવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન હતું, પણ નીતીશ ધાર્યું કરવામાં જ માને છે.
પટનાની મગધ મહિલા કોલેજમાં નીતીશના પડોશી ગામ સિઓધાની એક છોકરી અભ્યાસ કરતી હતી. નામ હતું- મંજુ કુમારી સિંહા. એક દિવસ બન્ને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યાં. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.પહેલાંથી નીતીશના આખા ગામને આ લગ્ન સામે વાંધો હતો, પણ કુશાગ્ર બુદ્ધિક્ષમતા ધરાવતા નીતીશે આખા ગામને સમજાવી દીધું. બીજી તરફ મંજુના પિતાએ જાતિના કારણે વાંધો ઉઠાવ્યો હતો. એટલે નીતીશ અને મંજુએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. એ સમયે મંજુની બહેને દહેજ પેટે બાવીસ હજાર રૂપિયા નીતીશના પરિવારને આપ્યા હતા. જ્યારે નીતીશને દહેજની ખબર પડી ત્યારે તે દહેજના પૈસા લઈને મંજુના પિતાને મળ્યા અને તેમને સ્પષ્ટ કહ્યું કે તે મંજુ સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ આ લગ્નમાં કોઈ દહેજ નહીં હોય, કોઈ મોટી વિધિ નહીં થાય. તેમના આ પ્રસ્તાવથી જ મંજુના પપ્પા માની ગયા અને ૨૨ ફેબ્રુઆરી, ૧૯૭૩ના રોજ બીઘા ગામમાં પ્રથમ વાર પ્રેમલગ્ન થયાં.
જે રીતે પોતાના અંગત જીવનમાં નીતીશે ધાર્યું કર્યું એમ જ ૧૯૭૪થી ૧૯૭૭ સુધી, એક વિદ્યાર્થી નેતા તરીકે, નીતીશ કુમારે કટોકટી વિરોધી ચળવળમાં ભાગ લીધો હતો, જેનું નેતૃત્વ જયપ્રકાશ નારાયણે કર્યું હતું. તેમણે ૧૯ મહિના જેલમાં પણ વિતાવ્યા હતા. ૧૯૮૫માં નીતીશે પહેલી વાર બિહાર વિધાનસભા ચૂંટણી જીતી હતી. ૧૯૮૭માં તેમને યુવા લોકદળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ૧૯૮૭થી ૧૯૮૯ સુધી બિહારમાં જનતા પાર્ટીના મહાસચિવ પણ હતા. ૧૯૯૪માં નીતીશ કુમારે જનતા દળ છોડીને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને સમતા પાર્ટી બનાવી. ૧૯૯૬માં સમતા પાર્ટી ભાજપની સાથે એનડીએનો ભાગ બની. જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે વાંકું પડતાં તેમણે રાજીનામું આપીને ભાજપમાં એન્ટ્રી કરી. નીતીશ ૩ માર્ચ, ૨૦૦૦ના રોજ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સમર્થનથી બિહારના પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યા હતા, પરંતુ બહુમતી સાબિત કરવામાં અસમર્થતાને કારણે ૭ દિવસ પછી ૧૦ માર્ચે રાજીનામું આપવું પડ્યું હતું. પછી એનડીએએ ૧૫૧ બેઠકો જીતી હતી અને લાલુની આરજેડીએ ૧૫૯ બેઠકો જીતી હતી, પરંતુ બન્ને બહુમત માટે જરૂરી ૧૬૩ બેઠકોથી ઓછા પડ્યા હતા.
નીતીશે ૨૦૦૫ની વિધાનસભાની ચૂંટણીઓ ભાજપ અને તેના સાથી પક્ષો સાથે મળીને લડી હતી અને ૨૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ પૂર્ણ બહુમતી મેળવીને બીજી વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા. નીતીશે ભાજપના ગઠબંધન સાથે મળીને ૫ વર્ષ સુધી સરકાર ચલાવી. ૨૦૧૦ની વિધાનસભા ચૂંટણીમાં પણ નીતીશ અને ભાજપ વચ્ચેનું જોડાણ ચાલુ રહ્યું અને ૨૬ નવેમ્બર, ૨૦૧૦ના રોજ નીતીશ ચૂંટણીમાં બહુમતી મેળવીને ત્રીજી વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા.
ભાજપથી અલગ થયા બાદ નીતીશે ૨૦૧૩માં આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન કર્યું હતું, પરંતુ થોડા મહિના પછી મે, ૨૦૧૪માં રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ જીતનરામ માંઝી લગભગ ૬ મહિના માટે મુખ્ય પ્રધાન બન્યા. ફેબ્રુઆરી, ૨૦૧૫માં વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલાં, નીતીશ માંઝીની જગ્યાએ ચોથી વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા.
નીતીશ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન કરીને લડ્યા હતા. ગ્રાન્ડ એલાયન્સે ૨૪૩માંથી ૧૭૮ વિધાનસભા બેઠકો જીતી અને ૨૦ નવેમ્બર, ૨૦૧૫ના રોજ પાંચમી વખત બિહારના મુખ્ય પ્રધાન બન્યા. લાલુના પુત્ર તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા. ૨૦૧૭માં, ભ્રષ્ટાચારના નામે, તેમણે આરજેડી છોડી, ફરીથી ભાજપ સાથે હાથ મિલાવ્યા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ફરી એક વાર બીજેપીને હરાવીને આરજેડી સાથે સરકાર બનાવી.
હવે સૌની નજર નીતીશ સત્તા બચાવવા માટે દારૂબંધીના મુદ્દે પણ ગુલાંટ લગાવે છે કે નહીં તેના પર છે. નીતીશકુમારે ૨૦૧૫માં બિહારની ચૂંટણી વખતે વચન આપેલું કે બિહારની જનતા તેમના પર રીઝીને ફરી સત્તા આપશે તો પોતે રાજ્યમાં દારૂબંધી દાખલ કરશે. બિહારના મતદારોએ ૨૦૧૫માં નીતીશને ફરી હોંશે હોંશે ગાદી સોંપી તેના અઠવાડિયામાં જ નીતીશે બોલેલું પાળી બતાવીને બિહારમાં ૧ એપ્રિલ, ૨૦૧૬થી સંપૂર્ણ દારૂબંધીના અમલની જાહેરાત કરી નાખી હતી. તેજસ્વી એ વખતે દારૂબંધીની તરફેણમાં
હતો, પણ નીતીશથી અલગ થયા પછી હવે દારૂબંધી ઉઠાવી લેવાની તરફેણમાં છે. નીતીશ દારૂબંધીની વાતને જડતાથી વળગી રહ્યા છે, પણ હવે સત્તા બચાવવા તેજસ્વીની વાત માનીને દારૂબંધી હટાવશે કે નહીં તેના પર સૌની નજર છે. નીતીશ અત્યાર લગી દારૂબંધી હટાવવાની વાતે અક્કડ રહ્યા છે, પણ હવે સત્તાની લાલચમા ગુલાંટ લગાવી શકે છે. નીતીશને દારૂબંધી હટાવવાની લાલચ થાય એ માટે બીજું પણ કારણ છે. ભારતમાં સંખ્યાબંધ રાજ્યો દારૂની ધીંગી કમાણી ને તેના કારણે મળતી જંગી રોજગારી પર નભે છે. નીતીશ અત્યાર લગી આ કમાણીની લાલચથી બચતા રહ્યા છે, પણ હવે કેન્દ્ર સરકારની સામે પડ્યા છે ત્યારે તેમને પણ એ જંગી કમાણીની લાલચ જાગે એવું બને.
હવે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેમને વડા પ્રધાન બનવું છે. આ વાતો કોણ ચલાવે છે તેની ચોવટમાં આપણે નથી પડતા, પણ આવી વાતો નવી નથી. આ પહેલાં મમતા બેનરજી, નવીન પટનાઈક, ચંદ્રશેખર રાવ વગેરે પોતપોતાનાં રાજ્યોમાં સફળ મુખ્ય પ્રધાનોના સંદર્ભમાં પણ આવી વાતો ઊડી જ છે. થોડોક સમય જાય એટલે આવી વાતો હવા થઈ જાય. ગયા વરસે બંગાળમાં ભાજપને હરાવ્યા પછી મમતા માટે દેશભરમાં ભાજપને પછાડી શકે છે ને વડા પ્રધાનપદે બેસી શકે છે એવી વાતો ચાલેલી. થોડા સમય પછી મમતા પણ ભુલાઈ ગયા ને વડા પ્રધાનપદની વાત પણ ભુલાઈ ગઈ.
નીતીશના કિસ્સામાં પણ એવું જ થવાનું છે, કેમ કે આ વાતોનો કોઈ આધાર નથી. નીતીશ કુમારનો બિહારમાં પ્રભાવ છે ને બિહારમાંથી લોકસભાની ૪૦ બેઠકો છે. નીતીશ એકલા હાથે તો બિહારમાં જીતી શકે તેમ નથી, તેથી બધી ૪૦ બેઠકો તેમની પાસે આવે એ શક્ય નથી. નીતીશ બહુ જોર કરે તો વીસેક બેઠકો લઈ જાય ને વીસ બેઠકોના જોરે ન મોદીનો વિકલ્પ બની શકાય કે ન વડા પ્રધાનપદે બેસી શકાય.
આ દેશમાં રાજકીય રીતે એવાં સમીકરણો અત્યારે તો નથી જ કે કોઈ પ્રાદેશિક પક્ષના નેતા દેશના વડા પ્રધાનપદે બેસી શકે. આમ જોઈએ તો નરેન્દ્ર મોદી કે ભાજપ સામે જ અત્યારે કોઈ મોટો પડકાર નથી, પણ એ પડકાર ઊભો થાય તો પણ પ્રાદેશિક પક્ષનો કોઈ નેતા તો એ ઊભો કરી શકે તેમ જ નથી. આમ આદમી પાર્ટી ધીરે ધીરે કાઠું કાઢી રહી છે એ જોતાં ભવિષ્યમાં એ કદાચ મજબૂત બને તો પડકાર ઊભો કરી શકે, પણ ૨૦૨૪ની ચૂંટણીમાં તો સવાલ જ નથી. જોકે ભવિષ્યમાં પણ ભાજપ સામે કોઈ પડકાર ઊભો કરી શકે તેમ હોય તો એ કોંગ્રેસ જ છે. આ વાત કોઈને કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે, પણ એ સાવ સાચી છે. કોંગ્રેસ સાવ પતી ગયેલી લાગે છે, પણ કોંગ્રેસ જોર કરે તો ફરી બેઠી થઈ શકે છે. અત્યારે પણ લોકસભામાં કોંગ્રેસની બેઠકો કોઈ પણ પ્રાદેશકિ પક્ષો કરતાં વધારે જ છે. કોંગ્રેસ થોડીક બુદ્ધિ ચલાવીને નક્કર વ્યૂહરચના સાથે આગળ વધે તો ભાજપનો વિકલ્પ બની જ શકે છે. કોંગ્રેસ જ ભાજપને મોટો ફટકો મારીને ભાજપને પછાડી શકે તેમ છે.

Google search engine