Homeઉત્સવઆજના ઝીરો અણ્ણા હજારે એક જમાનામાં હીરો કઈ રીતે બન્યા હતા!

આજના ઝીરો અણ્ણા હજારે એક જમાનામાં હીરો કઈ રીતે બન્યા હતા!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

મહાત્મા ગાંધીનું અનુકરણ કરી લોકઆંદોલન કે જનઆંદોલનનું તરણું ઝાલીને આપણા દેશમાં ઘણા આંદોલનકારીઓ નેતા અને સુપર હીરો બની ગયા. કેટલાક આંદોલનકારી નેતાઓ ગુમનામીની ગર્તામાં પણ ધકેલાઈ ગયા. આ બધામાં અણ્ણા હજારેનો જે રીતે રાતોરાત ઉદય થયો અને ગણતરીના સમયમાં જ લોકપ્રિયતાના શિખરેથી ગુમનામીની ખીણમાં ધકેલાઈ ગયા એ ઐતિહાસિક છે. સમાજશાસ્ત્રીઓ અને રાજકિય નિષ્ણાતો માટે સંશોધનનો વિષય છે.
જરા યાદ કરો ૨૦૧૧ના એ દિવસો, જ્યારે દિલ્હી પહોંચીને અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. જનલોકપાલ બિલ માટે અને ભ્રષ્ટાચાર સામે અણ્ણાએ જંતરમંતરના મેદાનથી આંદોલનની શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્રના નાના ગામડેથી આવેલા અન્ના વિશે દિલ્હીના વડેરા તંત્રી સાહેબોને પણ કોઈ જાણકારી નહોતી. અણ્ણાની સાથે આંદોલનમાં જોડાનાર અરવિંદ કેજરીવાલથી માંડીને કુમાર વિશ્ર્વાસ સુધીનાઓ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું હતું.
એ વખતે એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડોને કારણે દેશનો મધ્યમવર્ગ ત્રસ્ત હતો. યુવાનો હતાશ હતા. સોશ્યલ મીડિયાના ઉપયોગને કારણે ધીરે ધીરે આંદોલને ગતિ પકડવા માંડી. જંતરમંતર પર યુવાનોની સંખ્યા દર કલાકે વધતી ગઈ. થોડા દિવસો પહેલાં જ રાડિયા ટેપ કાંડને કારણે કેટલાક મોટા મીડિયા હાઉસની ઇમેજ તળિયે પહોંચી ગઈ હતી.
મિડિયાનાં એક વર્ગની વિશ્ર્વસનિયતા ઘટી રહી હતી. આવા મીડિયાએ જોયું કે અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને ખૂબ ચગાવવાથી એમના પર ઉડેલા ભ્રષ્ટાચારના છાંટા કદાચ ધોવાઈ જશે. ન્યૂઝ ચેનલોએ ૨૪ ડ્ઢ ૭ અન્નાના આંદોલનનું કવરેજ શરૂ કર્યું અને આ આંદોલનની ખબર દેશ-દુનિયામાં આગની માફક પ્રસરી ગઈ.
અણ્ણા હઝારે રાતોરાત સેલિબ્રિટી બની ગયા. દેશભરના યુવાનો ‘મે હું અણ્ણા’ લખેલી ટોપી પહેરીને ફરવા માંડ્યા. ફક્ત બંગાળ અને કેરળ જ અણ્ણા આંદોલનની અસરથી મુક્ત રહ્યા, કારણ કે આ બંને રાજ્યોમાં સામ્યવાદીઓનું વર્ચસ્વ વધારે હતું. યુવાનોએ આવાં ઘણાં આંદોલનો જોયા હતા. ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના આંદોલન પછી મધ્યમવર્ગની યુવા પેઢીએ કદી આવો જુવાળ જોયો નહોતો. આમિર ખાન-અનુપમ ખેર જેવા ફિલ્મસ્ટારથી માંડીને બાબા રામદેવ જેવા યોગગુરુ પણ હઝારેની ચાલુ ગાડીમાં ચઢી બેઠા. શિયાળ જેવા ખંધા અરવિંદ કેજરીવાલ બરાબર ચાલ ચાલી રહ્યા હતા. રાષ્ટ્રિય મિડિયામાં મળેલા કવરેજને લીધે એમના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી. હઝારે પર એક ખાસ ટોળકીએ કબજો જમાવી દીધો હતો. મીડિયાની પ્રસિદ્ધિને કારણે સફળ થયેલા આંદોલનને અણ્ણાએ પોતાની સફળતા માની લીધી.
અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ખૂબ મહત્ત્વાકાંક્ષી હતા. એમની નજર સત્તાની ખુરશી પર હતી, પરંતુ જાહેરમાં હંમેશાં તેઓ દંભ કરતા રહ્યા કે, ‘હું કદી ચૂંટણી લડવાનો નથી.’ … ‘સરકારી આવાસ … ગાડી વાપરવાનો નથી.’ વગેરે. ભોટની જેમ અણ્ણા આ બધી વાતો માનતા ગયા.
છેવટે જ્યારે આંદોલન સમેટાયું ત્યારે અરવિંદ કેજરીવાલે ‘આમ આદમી પાર્ટી’ની સ્થાપના સાથે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી. સત્તા લાલચુ ટોળકી પણ અણ્ણા હઝારેને બાય બાય કરીને કેજરીવાલ સાથે ચાલી નીકળી. ડઘાઈ ગયેલા અણ્ણાએ મુંબઈમાં ફરીથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી. આ વખતે એમની સભામાં કાગડા ઊડતા હતા. આંદોલનમાં સો માણસો પણ જોડાયા નહીં. કેજરીવાલે કરેલા દગા પછી યુવાવર્ગને ભારે આઘાત લાગ્યો હતો અને એમને ઠગાઈ જવાની અનુભૂતિ થઈ. અણ્ણા હઝારેએ ચૂપચાપ એમના ગામ રાલેગણ સિધ્ધી જવા માટે ચાલતી પકડી.
હોશિયાર વ્યક્તિ હોત તો સમજી જાત કે હવે પ્રજા એમની સાથે નથી અને જનલોકપાલ જેવા સિન્થેટિક ઇશ્યુમાં કોઈને રસ રહ્યો નથી. કેજરીવાલ આણી કંપની એમને મૂર્ખ બનાવી ગઈ છે, પરંતુ અણ્ણા હઝારે આ વાત સમજી કે કબૂલી શકયા નહીં. વારેતહેવારે એમણે મરી ગયેલા ઘોડાને ચાબુક મારી મારીને જીવતો કરવાની કોશિશ કરી. શેરડીના સાંઠાને પાંચ વાર કચડો તો કદાચ થોડો રસ નીકળે, પરંતુ પચાસ વખત કચડાયેલા સાંઠામાંથી એક ટીપું પણ રસ નીકળતો હશે?
રાજકારણમાં ગયા પછી અરવિંદ કેજરીવાલને ઠીક ઠીક સફળતા મળી, પરંતુ એમના તાનાશાહી સ્વભાવથી કંટાળીને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્ર્વાસ જેવી વ્યક્તિઓ કેજરીવાલનો સાથ છોડી ગઈ. ચાવી શકાય એનાથી વધુ ખોરાક મોઢામાં ભરી દેવાથી મોટાભાગની ચૂંટણીઓમાં ‘આપ’નો ઘોર રકાસ થયો. જોકે રાજકિય અસ્તિત્વ ટકાવી રાખવા કેજરીવાલને મીડિયાનો સાથ મળતો હતો અને મળતો રહે છે.
હઝારેનું હીરોમાંથી ઝીરો બનવાનું કારણ એ છે કે લોકો એમને ખૂબ ઝડપથી ઓળખી ગયા. એક જમાનામાં કેજરીવાલને હીરો ગણતા યુવાનો પણ સમજી ગયા કે તેઓ વિકાસ વિરોધી, ધનવિરોધી, ઔદ્યોગિક ક્રાંતિ વિરોધી છે. જોકે આજની તારીખે અરવિંદ કેજરીવાલ રાજકીય ક્ષેત્રે ઠીક ઠીક સફળ ગણાય છે. શરૂઆતમાં યુવાનો એટલા માટે ઠગાયા હતા કે દેશના મોટા તંત્રી સાહેબો, ફિલ્મ સ્ટારો, યોગ ગુરુઓ, વકીલો … દ્વારા એમની ’બ્રાન્ડ’ને એન્ડોર્સ કરવામાં આવી હતી. હવે જ્યારે જ્યારે હઝારે ઉપવાસ પર બેસે છે કે કેજરીવાલ તાયફા કરે છે ત્યારે રાષ્ટ્રિય ટેલિવિઝન મિડિયા એમને ઘાસ નાંખતું નથી. ચોવીસ કલાકમાંથી પાંચ મિનિટ પણ એમને માટે ફાળવવામાં આવતી નથી.
બીજી તરફ બાબા રામદેવ હોંશિયાર નીકળ્યા. હઝારે – કેજરીવાલની લગોલગ જ આંદોલન શરૂ કર્યા પછી પવન પારખીને એમણે એમનું સંપૂર્ણ ધ્યાન વિદેશી કંપનીઓની પ્રોડક્ટને ચીત કરવા પર કેન્દ્રિત કરી ‘પતંજલી’ બ્રાન્ડને મજબૂત કરી નાંખી. ૨૦૧૧માં જ્યારે અણ્ણા હઝારેએ આંદોલનની શરૂઆત કરી હતી ત્યારે કેટલાક માનતા હતા કે સોનિયા ગાંધીની ‘નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ’ (એનએસી)નો હાથ આંદોલન પાછળ છે, તો કેટલાકનું કહેવું હતું કે આર.એસ.એસ.નો છુપો ટેકો હઝારેને છે. એ જે હોય તે પરંતુ હકીકત એ છે કે અણ્ણા હઝારે ગમે તેટલા પ્રયત્ન કરે ૨૦૧૧ જેવા આંદોલનને તેઓ ફરીથી સજીવન કરી શકે એમ નથી. મિડિયાની મદદથી કામ ચલાઉ જુવાળ ઊભો કરી શકાય, પરંતુ એજ મીડિયા જ્યારે સપોર્ટ ખેંચી લે ત્યારે ‘હીરો’ બની રહેવા માટે જનમાનસના દિલમાં સાચી ચાહના જરૂરી છે. અને આ ચાહના મેળવવી દરેકના બસની વાત નથી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular