મહારાષ્ટ્રમાં અચાનક પેટ્રોલ-ડીઝલના ભાવ કઈ રીતે ઘટ્યા?

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

પ્રર્વતમાન પરિસ્થિતિમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા કાબૂમાં છે. બે સપ્તાહ પહેલાં જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની અછત જે પ્રકારે ઊભી થઇ હતી ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. એ બે સપ્તાહમાં મહારાષ્ટ્રે ઘણું જોયું અને ઘણું ભોગવ્યું… એ સમયગાળામાં જ સરકાર પણ બદલાઈ.. હવે નવા સીએમ એકનાથ શિંદે છે એ સર્વવિદિત છે. શિંદે સરકારે આવતાની સાથે જનતાલક્ષી નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું.
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે પટ્રોલ ૫ રૂપિયા અને ડીઝલ ૩ રૂપિયા પ્રતિ લીટર સસ્તુ કરી દીધું છે. રાજ્ય સરકારે થયેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. અત્યારે મુંબઈમાં લિટર દીઠ પેટ્રોલનો ભાવ ૧૧૧.૩૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૭.૨૮ રૂપિયા થયો છે. આ ઘટાડા પછી હવે પેટ્રોલનો ભાવ ૧૦૬.૩૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૭.૨૮ રૂપિયા થયો છે. ઘણા રાજ્યોમાં તો છેલ્લા એક વર્ષથી પેટ્રોલના ભાવ વધ્યા નથી. આ ઘટાડા સાથે મહારાષ્ટ્ર દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેણે બે મહિનામાં પેટ્રોલ પર સાત રૂપિયા ને ડીઝલ પર સાડાચાર રૂપિયા જેટલો ટેક્સ ઘટાડ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં ૩ મહિનામાં બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. તેનું કારણ મોદી અને શિવસેનાના અહ્મની લડાઈ છે.
મે મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોેલમાં ૮ રૂપિયા અને ડીઝલમાં ૬ રૂપિયા સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટી ઘટાડીને લિટરે ૮-૧૦ રૂપિયાની રાહત આપી એ મુદ્દે રાજકીય જંગ શરૂ થઈ ગયો હતો. કેન્દ્રના પગલે રાજસ્થાન, કેરળ સહિતનાં રાજ્યોએ વેટ ઘટાડી લોકોને રાહત આપી હતી. એ સમયે મોદીએ કહેલું કે મુંબઈમાં પેટ્રોેલ ૧૨૦ રૂપિયા લિટરે મળે છે જ્યારે પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવમાં ૧૦૨ રૂપિયા લિટરના ભાવે મળે છે. મોદીએ બીજાં ઉદાહરણ પણ આપેલા પણ મુંબઈનો ઉલ્લેખ થયો તેથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉધ્ધવ ઠાકરેને લાગી આવેલું.
ઠાકરેએ આંકડા આપીને પેટ્રોલ-ડીઝલ પર રાજ્યો કરતાં કેન્દ્રનો ટેક્સ બહુ વધારે હોવાનો દાવો કરેલો પણ તેનો ગજ વાગ્યો નહીં. એટલે ક-મને મે મહિનામાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર લાગતા વેટમાં ૨.૦૮ રૂપિયા અને ડીઝલમાં ૧.૪૪ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વેટની કમાણીના મુદ્દે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ૨૦૨૧-૨૨માં વેટ દ્વારા મહારાષ્ટ્ર સરકારે ૩૪,૦૨૨ કરોડની કમાણી કરી હતી. ત્યારપછી ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશે ૨૬,૩૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વેટ વસૂલવા મુદ્દે મણિપુર સૌથી આગળ છે, અહીં પેટ્રોલ પર ૩૬.૫૦% અને ડીઝલ પર ૨૨.૫૦% ટેક્સ વસૂલવામાં આવે છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુમાં વેટ ઓછો છે, અહીં પેટ્રોલ પર ૧૫% અને ડીઝલ પર ૧૧% ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
અહીં એવો વિચાર આવે કે આ વેટ નક્કી કઈ રીતે થાય ! જૂન ૨૦૧૦ સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર ૧૫ દિવસે તેમાં ફેરફાર થતા હતા. ૨૬ જૂન ૨૦૧૦ પછી સરકારે પેટ્રોલની કિંમતોનું નિર્ધારણ ઓઈલ કંપની ઉપર રાખી દીધું છે. આવી રીતે ઓક્ટોબર ૨૦૧૪ સુધી ડીઝલની કિંમત પણ સરકાર નક્કી કરતી હતી, પરંતુ ૧૯ ઓક્ટોબર ૨૦૧૪થી સરકારે આ કામ પણ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું.
અત્યારે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને અન્ય ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે. પણ આપણો સવાલ હજુ એ જ છે કે આ વેટ એટલે શું ?
આ વાત સમજવા પેટ્રોલ-ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડયુટીના સ્ટ્રક્ચરને સમજવું જરૂરી છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે જ્યારે રાજ્ય સરકારો વેટ લગાવે છે એવી સામાન્ય માન્યતા છે. આ માન્યતા ખોટી નથી પણ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં પણ ચાર અલગ પ્રકારના કર છે એ મોટા ભાગનાં લોકોને ખબર નથી. પેટ્રોલ-ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં બેઝિક એક્સાઈઝ, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) તથા રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ એમ ચાર ટેક્સ છે. આ પૈકી બેઝિક એક્સાઈઝ ડ્યૂટી ડીવોલ્યુશન પુલમાં આવે. મતલબ કે, બેઝિક એક્સાઈઝ ડ્યૂટીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સરખા ભાગે વહેંચાય છે. બાકીના કરવેરાની બધી રકમ કેન્દ્ર સરકાર લઈ જાય છે.
પેટ્રોલ પર પહેલાં લિટરે ૨૭.૯૦ રૂપિયા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી હતી તેમાં બેઝિક એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા ૧.૪૦, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા ૧૧, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) રૂપિયા ૨.૫૦ તથા રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ રૂપિયા ૧૩ હતો. ડીઝલ પર બેઝિક એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા ૧.૮૦, સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી રૂપિયા ૮, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) રૂપિયા ૪ તથા રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ રૂપિયા ૮ મળીને કુલ રૂપિયા ૨૧.૮૦ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી હતી.
મોદી સરકારે પેટ્રોલની એક્સાઈઝ ડ્યૂટીમાં ૮ રૂપિયાનો અને ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ૬ રૂપિયાનો જે ઘટાડો કર્યો એ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો છે. મતલબ કે, પેટ્રોલની એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી૧૧ રૂપિયાથી ઘટાડીને ૩ રૂપિયા અને ડીઝલની એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી ૮ રૂપિયાથી ઘટાડીને ૨ રૂપિયા કરી દીધી છે. તેના કારણે પેટ્રોલની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ૧૯.૯૦ રૂપિયા અને ડીઝલની ૧૫.૮૦ રૂપિયા થઈ ગઈ છે.
મે મહિનામાં કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે પોતે ટ્વિટ કરીને આ વાતને સમર્થન આપ્યું હતું. સ્પેશિયલ એડિશનલ ડ્યૂટીથી થતી આવક કેન્દ્રને જ મળતી હતી તેથી તેમાં જે ઘટાડો થશે એ ઘટાડો કેન્દ્રની આવકમાં થશે, રાજ્યોને તો નાનો ઘસરકો પણ નહીં પડે. ટૂંકમાં કહીએ તો મોદી સરકારે પોતાની આવક ઘટાડીને લોકોને રાહત આપી છે.
પહેલાં ક્રૂડના ભાવ ઓછા હતા ત્યારે મોદી સરકારે ભાવ નહોતા ઘટાડયા પણ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરીને રોકડી કરેલી તેની વિપક્ષો ટીકા કરે છે. તેમાં કશું ખોટું નથી પણ હવે સરકાર પોતાની આવક જતી કરીને રાહત આપી રહી છે ત્યારે તેનાં વખાણ પણ કરવા જોઈએ. દેશનાં તમામ રાજ્યોએ પોતાની આવકમાંથી થોડુંક જતું કરીને લોકોને રાહત આપવી જોઈએ.
આપણે એવી આશા નથી રાખતા કે, રાજ્યો પણ ૮-૧૦ રૂપિયા ઘટાડી દે પણ કેન્દ્રે એક્સાઈઝ ત્રીસેક ટકા ઘટાડી તો રાજ્યો પણ વેટમાં પચ્ચીસ-ત્રીસ ટકાનો ઘટાડો કરી શકે. દરેક રાજ્યોમાં વેટ અલગ અલગ હોવાથી રાહત અલગ અલગ રહે પણ રાજ્યો સરેરાશ વધારાની ત્રણ-ચાર રૂપિયાની રાહત આપી જ શકે. સવાલ દાનતનો છે ને રાજ્યોએ પોતાની દાનત શુભ છે એ સાબિત કરવું જોઈએ.
રાજ્યોની પોતાની સમસ્યાઓ છે તેનો ઈન્કાર ના કરી શકાય. જીએસટીના કારણે રાજ્યો પાસે આવકનાં બીજાં સાધન રહ્યાં નથી તેથી વેટ ઘટાડવામા તેમને પેટમાં ચૂંક આવે છે પણ એ ચૂંકને અવગણીને પણ લોકોને રાહત આપવી જરૂરી છે. દરેક રાજ્ય સરકારની એ ફરજ છે. હવે મહારાષ્ટ્રમાં એક વાર તો ભાવ ઘટી ગયા હતા, પરંતુ શિંદે સરકારે ફરી ભાવ ઘટાડીને ભૂલ કરી હોય તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
કારણ કે ૨૦૨૧-૨૨માં વેટ દ્વારા મહારાષ્ટ્ર સરકારે ૩૪,૦૨૨ કરોડની કમાણી કરી હતી હવે જે રીતે પેટ્રોલના ભાવ ઘટ્યા છે તેનાથી ચોક્કસપણે સરકારની તિજોરીમાં પણ આર્થિક ફટકો પડવાનો છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપની ગઠબંધન વાળી સરકારની સમસ્યાનું નિવારણ કઈ રીતે મેળવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.