બાળકોને તરુણાવસ્થામાં હિંસક થતાં કેવી રીતે અટકાવી શકાય?

લાડકી

ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

તરુણાવસ્થા દરમિયાન હિંસા માત્ર શારીરિક રીતે જ થતી હોય એવું બિલકુલ જરૂરી નથી. માનસિકરૂપે હિંસાનો ભોગ ઘણા ખરા ટીનેજર્સ બનતા આવે છે. ક્યારેક કોઈ તરુણ સ્કૂલમાં બીહહુશક્ષલનો શિકાર બને છે તો વળી કોઈ મજાકમસ્તીનું સાધન તો અમુક તરુણો તો કુટુંબ દ્વારા જ થતી સૂક્ષ્મ હિંસાના બોજ તળે કચડાઈ જતાં વાર લગાડતા નથી. બાળકો તરુણાવસ્થામાં હિંસક બની જવાનાં ઘણાં બધાં કારણો હોય છે, પરંતુ તેમાં જો કોઈ મહત્ત્વનાં હોય તો એ છે તેઓના મનમાં કોઈ ને કોઈ પ્રકારે ઉદ્ભવતું ફ્રસ્ટ્રેશન. ટીવી, મોબાઈલ, અખબાર આ બધાં માધ્યમો દ્વારા અલગ અલગ રીતે તેઓ સામે પીરસાતી રહેતી સામગ્રી, ઘટનાઓ, ઘરેલુ હિંસા તો ક્યારેક મિત્રો કે સહાધ્યાયીઓને હિંસાથી પ્રેરિત થતાં જોઈ એ તરફ પણ ઘણા ટીનેજર્સ વળી જાય છે.
ઘણી વખત એવા તરુણો પણ જાણ્યે-અજાણ્યે હિંસા તરફ વળી જતા હોય છે કે જેઓ નાનપણથી ખૂબ જ આક્રમક સ્વભાવના હોય, નાની નાની વાતમાં વધુ પડતો ગુસ્સો કરી બેસતા હોય અથવા અમુક વખતે એવાં બાળકો કે જેઓ શારીરિક હિંસા અથવા તો કોઈ જાતીય સતામણીનો તેઓ ભોગ બનેલા હોય. ઘણી વખત ઘરમાં જ અથવા તો તેઓની આસપાસના વાતાવરણમાં હિંસા સતત થતી જ હોય તો પણ તેઓ એ તરફ વળી જાય છે એવું વિચારીને કે કોઈને મારી લેવું એ સામાન્ય ઘટના છે.
ક્યારેક શાળામાં અથવા તો આસપાસના મિત્ર વર્તુળમાં પોતે મજાકનું સાધન બની રહેતાં હોય, ધીમે ધીમે તેમની અંદર એક પ્રકારે વિદ્રોહની ભાવના જો જન્મતી જાય તો એવાં બાળકો પણ આસાનીથી હિંસા તરફ વળી જતાં જોવા મળે છે. હજુ એક પરિબળ છે જેની આપણે વાત કરવી ખૂબ આવશ્યક છે – જિનેટિકલી કે વારસાગત. જેમ માતા-પિતાના સારા ગુણો બાળકની અંદર ઊતરી આવતા હોય છે તેવી જ રીતે જો કુટુંબના કોઈ સભ્ય, માતા-પિતા કે નજીકના સ્વજનની અંદર જ જન્મજાત હિંસા વણાયેલી હશે તો બાળક પણ કોઈ જ કારણ વગર હિંસક વૃત્તિનું બની શકવાની સંભાવના વધારે રહેલી છે. આ ઉપરાંત આજકાલ બાળકો પાસે જે મોબાઈલ ફોન છે એની અંદર ગુનાહિત વિષયો આસાનીથી બતાવવામાં આવે છે, ટીવી પર દર્શાવાતી સતત ગુનાખોરી, મારધાડ તેમ જ આપણી ફિલ્મો જે રીતે બની રહી છે એની અંદર એક્શન પેક મૂવી અને એક્શન હીરોઝનું જે મહત્ત્વ વધતું રહ્યું છે તેના કારણે પણ ટીનેજર્સને એવું લાગે છે કે મારામારી કરવી, કોઈને મારી લેવું, કોઈ પર હાથ ઉપાડવો એ બધું સામાન્ય છે અને તેના કારણે આપણું માન પણ વધે છે જે સારી વાત છે અને ધીમે ધીમે તે વાયોલન્સ તરફ વળી જાય છે.
એક અન્ય પરિબળ એ છે કે જો બાળક નાની ઉંમરમાં જ એટલે કે તરુણાવસ્થામાં કોઈ નશા તરફ વળી જાય તમાકુ ખાવાની, સિગારેટ પીવાની, નશો કરવા જેવી કોઈ આદત પડી જાય તો એ નશાના કારણે પણ તેનો સ્વભાવ તામસી થતાં થતાં ધીરે ધીરે એ પૈસા માટે તમારી સાથે ઝઘડો કરે, એ નશો કરવા માટે તમારી સાથે ઝઘડો કરે, ક્યારેક નશામાં ભાન ભૂલીને ઝઘડો કરે અને ધીરે ધીરે હિંસા તરફ વળી જાય છે.
અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ વારંવાર એવા બનાવો બનતા રહે છે કે કોઈ તરુણ દ્વારા બાળકો પર હુમલા થઈ રહ્યા છે જેને સાઇકો કિલર તરીકે ખપાવી દેવામાં આવે છે, પરંતુ તરુણાવસ્થામાં જ શા માટે હિંસક બનવાનો વ્યાપ વધતો જાય છે? તરુણો આ અવસ્થા સુધી પહોંચે છે જ કેવી રીતે? તેઓ ત્યાં પહોંચતા હોય ત્યાં સુધી આપણને શું કોઈ સિગ્નલ મળતાં નથી? કઈ બાબતને આપણે વોર્નિંગ સાઈન કહી શકીએ?
આપણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ટીનેજરની અંદર એક લિમિટથી વધારે ગુસ્સો આવતો હોય, તે વારંવાર નાની નાની વાતો પર આક્રમક બની બેસે, પોતાની આસપાસ રહેલી વસ્તુઓના છૂટા ઘા કરે, ખૂબ ચિડાઈ જાય, વધુ પડતા આવેગશીલ હોય, દરેક નિર્ણયો વિચાર્યા વગર લેવા માંડ્યો હોય અને નાની નાની વસ્તુઓ, વ્યક્તિઓ કે વાતો થકી એ ફર્સ્ટ્રેટ થઈ જતો હોય આવું જો વધવા માંડે તો આ ચેતવણીની નિશાનીઓ છે કે આ તરુણ ક્યારેક ને ક્યારેક હિંસક પ્રવૃત્તિ કરી બેસે છે, પરંતુ આપણે એવું શું કરી શકીએ કે જેના કારણે બાળકને હિંસક થતાં અટકાવી શકાય?
તે ટેલિવિઝન કે મોબાઈલ ફોન પર શું જુએ છે? કોની સાથે વાતો કરે છે? કેવા મિત્રો સાથે બોલે છે? કોઈ જગ્યાએ તકલીફમાં તો નથીને? કોઈ વસ્તુથી કે તમારાથી એ પરેશાન તો નથીને? પોતાને પડતી મુશ્કેલીઓની જાણકારી તમારા સુધી પહોંચાડી શકે છે કે નહીં? આવી બાબતોનો ઝીણવટપૂર્વક માતા-પિતા દ્વારા ચોક્કસ ખ્યાલ રખાવો જોઈએ, પરંતુ એક ટીનેજર તરીકે તેઓની પણ એ જવાબદારી આવે છે કે પોતાની જાતને વધારે પડતા ગુસ્સાથી થતા નુકસાનથી કેવી રીતે બચાવવી? જો તમે ખુદ આવા કોઈ વાયોલન્સના શિકાર બની રહ્યા છો અથવા તમને એવું લાગે છે કે તમારા દ્વારા હિંસક વર્તન થઈ જશે તો સૌપ્રથમ કોઈને આ વિશે વાત કરો જેના પર તમે વિશ્ર્વાસ રાખવા માટે સક્ષમ હોવ અને એની સાથે તમારી મુશ્કેલીઓનો હલ મેળવવાની કોશિશ કરો.
ઘણી વખત કાયદાથી વિરુદ્ધ જઈને ટીનેજર એવું વર્તન કરી બેસતા હોય છે તો ધ્યાન રાખો કે વાયોલન્સની વિરુદ્ધમાં કયા કાયદાઓ બનેલા છે. જો તમે કોઈ હિસા થતાં જુઓ છો તો એટલી હિંમત કેળવો કે તમે એની વિરુદ્ધમાં પણ મજબૂતીથી ઊભા રહો. જો તમે ખુદ હિંસક વર્તન કરી રહ્યા છો તો યાદ રાખો કે કોઈ બીજાને નુકસાન પહોંચાડવું એનાથી તમે કાયદાકીય રીતે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઉપરાંત બીજાને નુકસાન કરવાથી તમે ક્યારેય આગળ નહીં આવી શકો.
યાદ રાખો ગુસ્સો, ક્રોધ, હિંસા આ બધું જ કોઈ પણ સંજોગોમાં ખોટું છે. એવું નથી કે મારી સાથે ખોટું થઈ રહ્યું હતું એટલે મેં હિંસા કરી એ સાચી રીત નથી. બને ત્યાં સુધી મિત્રો બનાવો, શત્રુ બનાવવાનું ટાળો. લોકો સાથે સમાધાન કરો. બને ત્યાં સુધી તમારા મગજને શાંત રાખવાની કોશિશ કરો. કોઈ સારા કાઉન્સેલર, ટીચર કે પેરેન્ટ સાથે વાત કરી શકો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.