મત ગણતરી પહેલા જ પરિણામોની સચોટ આગાહી કેવી રીતે કરવામાં આવે છે?
આજે સાંજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બનશે એ તો આપણને આઠમી ડિસેમ્બરે જ જાણવા મળશે પણ આજે સાંજે એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવશે. એક્ઝિટ પોલ પરથી માત્ર એ જાણી શકાય છે કે કઇ પાર્ટીની સરકાર બનવાની સંભાવના છે. એક્ઝિટ પોલ માત્ર એક અંદાજ છે અને ક્યારેક ક્યારેક આવા અંદાજ ખોટા પણ પડતા હોય છે.
એક્ઝિટ પોલ કેવી રીતે કામ કરે છે?
એક્ઝિટ પોલમાં એક સર્વે હાથ ધરવામાં આવે છે. આ સર્વે મતદાનના દિવસે કરવામાં આવે છે, જેમાં જુદા જુદા મતદાર કેન્દ્ર પર જઇને મતદારોને પ્રશ્ન પૂછવામાં આવે છે. સર્વે કરનારી ટીમ મતદાન મથકની બહાર મતદારોને સવાલ કરે છે. તેમના જવાબોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના આધારે ચૂંટણીના પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. ભારતમાં ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલનું આયોજન કરે છે.
ચૂંટણી સંબંધિત સર્વે ત્રણ પ્રકારના હોય છે.
મતદાન પૂર્વે સર્વે
આ સર્વેક્ષણ ચૂંટણીની તારીખ જાહેર થાય ત્યારથી લઇને મતદાનની શરૂઆત પહેલા સુધી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ચૂંટણીની તારીખ ત્રીજી નવેમ્બરે જાહેર કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેથી મતદાન પૂર્વેનો સર્વે ત્રીજી નવેમ્બર પછી અને પહેલી ડિસેમ્બર પહેલા થઇ ગયો હશે.
એક્ઝિટ પોલ
આ સર્વે માત્ર મતદાનના દિવસે જ કરવામાં આવે છે. મતદાન કેન્દ્ર પર જઇને મતદારોને સવાલ પૂછવામાં આવે છે અને તેમના જવાબોને આધારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કયા પ્રકારના મતદારોએ કયા પક્ષને સૌથી વધુ મત આપ્યા, લોકો કયા પક્ષની તરફેણ કરે છે અને શા માટે કરે છે.. વગેરે ….
મતદાન પછીનો સર્વે
આવા સર્વેક્ષણ મતદાન થઇ ગયા બાદ કરવામાં આવે છે. દા. ત. આજે ગુજરાતમાં મતદાન પૂરું થઇ જશે ત્યાર બાદ એકાદ બે દિવસ બાદ મતદાન બાદનો સર્વે કરવામાં આવશે, જેમાં કયા પ્રકારના લોકોએ કોને મત આપ્યો છે એ જાણવામાં આવે છે.આપણા દેશમાં 1988માં એક્ઝિટ પોલ સંબંધી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. સમય સમય પર, ચૂંટણી પંચ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. તમામ તબક્કાઓ માટે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ બતાવી શકાતા નથી. છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલના પરિણામો બતાવી શકાય છે.
એક્ઝિટ પોલના પરિણામો ઘણી વાર એકદમ સચોટ સાબિત થાય છે અને ક્યારેક ખોટા પણ સાબિત થાય છે, તેથી એના પર સંપૂર્ણ ભરોસો કરી શકાય નહીં. ઉદા. 2004ના લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રમાં ભારે બહુમતીથી એનડીએની સરકાર બનશે અને ભાજપ સૌથી મોટો પક્ષ બનશે, પણ જ્યારે પરિણામો આવ્યા ત્યારે એનડીએને 200થી પણ ઓછી બેઠકો મળી અને કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની તેમ જ દેશમાં યુપીએની સરકાર બની હતી.