વિશ્વમાં એકપણ વ્યક્તિ એવી નથી જેમાં કોઈ ખામી ન હોય. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મર્યાદા ધરાવતું હોય છે, પરંતુ તેની એ મર્યાદાને સ્વીકારી તેની પાસે જે છે તેમાંથી શ્રેષ્ઠ મેળવનાર વ્યક્તિ જ સાચો મેનેજમેન્ટનો પાઠ ભણ્યો છે. ઘણા આ ખામીનો પણ ઉપયોગ કરી તમારી પાસેથી સારું કામ કરાવી શકતા હોય છે. આવા ગુરુ, આવા માલિક ક્યારેય નિરાશ નથી થતાં અને અન્યોની મર્યાદાને પોતાની નિષ્ફળતા માટે જવાબદાર પણ નથી ગણતા. આ વાત એક અભણ ખેડૂતે પોતાના દીકરાને સમજાવી ત્યારે આવો જાણીએ શું છે આખી વાત અને વાર્તા
એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. ભગતરામ એનું નામ અને સ્વભાવ પણ એવો. ક્યારેય ક્રોંધીત ન થાય. સરળ અને શાંત. ભગતરામ એકવાર બજારમાંથી બે માટલા લાવ્યો. માટલાને કાવડમાં બાંધી ખેતરે જાય અને વળતા નદીનું શુદ્ધ અને નિર્મળ પાણી ઘરે લેતો આવે. આજે માટલા લઈ તે નીકળ્યો. પાણી ભરીને ઘરે આવ્યો તો એક માટલું આખું છલોછલ ભરેલું, પણ બીજું લગભગ અડધું ખાલી.
ભગતરામે જોયું તો એક માટલામાં સાવ નાનું એવું કાણું હતું. માટલાને થયું કે ખેડૂત મને હવે રાખશે નહીં. મારું પત્તુ કટ, પણ ખેડૂતો તો તેને બીજે દિવસે પણ લઈ ગયો. આમ તેણે ઘણો સમય કાઢી નાખ્યો. હવે તો ઘરે પહોંચે એટલે માટલામાં સાવ ઓછું પાણી બચતું. ભગતરામની પત્ની કે પુત્ર પૂછે તો તે કંઈ જવાબ ન દે અને અમથું હસે. પત્ની તો ચૂપ થઈ જાય પણ પુત્ર તો હજુ આઠ વષર્નો. તેની જિજ્ઞાસા દિવસે દિવસે વધતી જાય. તેણે એકવાર તો ખેતરે જતા પિતાનું ધોતીયું પકડ્યું ને જીદ જ કરવા લાગ્યો કે તમે તૂટેલું માટલુ ફેંકી દો ને નવું લાવો. પિતાએ તેને સાથે લીધો. પત્ની પણ સાથે ચાલી. ચાલતા ચાલતા તેઓ ખેતરે પહોંચ્યા. ખેતરમાં જોયું તો એક બાજું આખા રસ્તે રંગબંરંગી ફૂલોની ક્યારી બની ગઈ હતી. લાલ, લીલા, પીળા, ગુલાબી, જાંબલી, સફેદ ફૂલોની લાઈન. નાનકડું ખેતર લીલુંછમ જ નહીં, પણ રંગબેરંગી લાગવા માડ્યું હતું. પત્નીએ પૂછ્યું કે આ ફૂલો તમે ક્યારે ઉગાડ્યા. ભગતરામે જવાબ આપ્યો કે આ ફૂલો મેં નહીં આ ફૂટેલા માટલાએ ઉગાડ્યા છે. તેણે માંડીને વાત કરી.
ભગતરામે કહ્યું કે મહિનાઓ પહેલા કોઈ આ ફૂલોના છોડવા ને બીજ આપી ગયું હતું. મે અંહી ખેતરના છેડે વાવી તો દીધા, પણ પાણી પીવડાવવાનો કંટાળો આવતો ને સમય પણ ન હતો એટલે તે લગભગ કરમાવા જેવા થઈ ગયા હતા. તે બાદ હું આ બે માટલા લાવ્યો. નદીંમાંથી પાણી ભરીને માટલા કાવડમાં બાંધી હું આ રસ્તેથી જ ઘરે આવતો. ફૂટેલા માટલામાંથી જે પાણી નીકળતું તે આ ક્યારીમાં જતું ને છોડવા પાણા જીવંત થયા અને જોતજોતામાં ફૂલો આવવા માંડ્યા. પછી તેણે નાના દીકરાને કાખમાં તેડયો ને સમજાવ્યો. કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં દોષ હોય, મર્યાદા હોય તો તેને ફેંકી દઈએ કે તેનીપાસેથી કામ ન લઈએ તેમ ન ચાલે. મર્યાદા હોવા છતાં તેનું કોઈ ને કોઈ કામ તો હોય જ છે. આપણે માણસની મર્યાદા નહીં, પરંતુ તેનો ઉપયોગ જોવાનો અને તેમાંથી જે શ્રેષ્ઠ ઉપલ્બધી શક્ય હોય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું.
તો સમજાયું? ઘરમાં, પડોશમાં કે તમારી કંપનીમાં. સામેના વ્યક્તિમા માત્ર મર્યાદા જોશો તો મર્યાદા જ દેખાશે, પણ તેમાંથી આપણે શું લઈ શકીએ તેમ છે તે વિચારશો તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો.
વાર્તા રે વાર્તાઃ તૂટેલા મટકાની વાત કરી ખેડૂતે દીકરાને શું સલાહ આપી
RELATED ARTICLES