રેસ્ટોરામાં વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને લઇને મોટી ખબર સામે આવી છે. સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેકશન ઓથોરિટી (CCPA)એ હોટેલ અને રેસ્ટોરાંના બિલમાં સર્વિસ ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. હોટેલ અને રેસ્ટોરાં ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકશે નહીં. સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં તે સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ઉપભોક્તાઓના વિવેક પર નિર્ભર રહેશે. જો કોઇપણ હોટેલ કે રેસ્ટોરાં બિલમાં સર્વિસ ચાર્જ જોડવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સર્વિસ ચાર્જ એટલે શું?
જયારે તમે કોઇ પ્રોડકટ અથવા સર્વિસ ખરીદો છો તો તે માટે કેટલાક પૈસા આપવા પડે છે. આને જ સર્વિસ ચાર્જ કહેવામાં આવે છે. હોટેલ અને રેસ્ટોરામાં જમવાનું પીરસવા અને બીજી સેવાઓ માટે ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ લેવામાં આવે છે. સામાન્ય રીતે હોટેલ અને રેસ્ટોરા પાંચ ટકા સર્વિસ ચાર્જ વસૂલે છે.
દરમિયાન સરકારે કહ્યું છે કે જો હોટેલ અને રેસ્ટોરા જબરદસ્તી સર્વિસ ચાર્જ વસૂલવાનો પ્રયત્ન કરે તો ગ્રાહકો 1915 આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે.
