હટકે એક્ટર આમિર ખાનની ફિલ્મ પ્રમોશનની હટકે સ્ટાઇલ

મેટિની

કલ્પના મહેતા

આમિર ખાન, નામ હી કાફી હૈ. સોહામણો આમિર તેની પહેલી ફિલ્મથી જ ફિલ્મરસિયાઓના દિલ પર છવાઈ ગયો હતો. જેટલી અનોખી તેની અદાઓ છે, તેટલાં અનોખાં પાત્રો તેણે ભજવ્યાં છે, પણ મિસ્ટર પરફેક્શનિસ્ટ જે કંઈ કરે તે હટકે જ હોય. આમિર પોતાની ફિલ્મ હિટ કરવા જબરજસ્ત મહેનત કરે છે, પછી એ ફિલ્મમાં એક્ટિંગ હોય કે તેનું માર્કેટિંગ. આમિરે અનેક વખત સાબિત કર્યું છે કે ફિલ્મોનું માર્કેટિંગ તેના જેવી સારી રીતે કોઈ ન કરી શકે. આમિર હવે પછી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવવાનો છે. આ ફિલ્મનો પ્રચાર પણ તે અલગ રીતે કરી રહ્યો છે. હાલમાં તેણે આઇપીએલની ફાઇનલમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. ક્રિકેટ અને ફિલ્મની જુગલબંદી લોકોને બહુ ગમી હતી. દર વખતે આમિરનો ફિલ્મ પ્રમોશનનો અંદાજ અલગ હોય છે. ચાલો, જાણીએ તેની ફિલ્મો વિષે.
ધૂમ ૩
ધૂમ ૩ તેની સૌથી હિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં આમિર ઘણે ઠેકાણે ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રચાર વખતે પણ આમિર લાંબો સમય ગાયબ હતો અને પ્રચારના ત્રીજા રાઉન્ડમાં સામે આવ્યો હતો. આ રીતે ફિલ્મ પ્રમોશન દરમ્યાન ગાયબ રહેવાનો આઈડિયા ખૂબ હિટ થયો. મીડિયામાં આ વાત ખૂબ હાઇપ થઇ હતી, જે ફિલ્મ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ હતી.
પીકે
૨૦૧૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પીકે’ને પ્રમોટ કરવાનો આમિરે અલગ જ રસ્તો શોધેલો. આ ફિલ્મ માટે આમિરે ભોજપુરી ભાષા શીખી હતી. ફિલ્મના ફર્સ્ટ લુક સાથે મોશન પોસ્ટરમાં આમિરનો ભોજપુરી અંદાજ બધાને જોવા મળ્યો હતો. ત્યાર બાદ આમિર ટ્વિટર પર પણ ભોજપુરી ભાષામાં શરૂ થઇ ગયો હતો. આ નવી રીતથી આમિર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થયો હતો.
ગજની
ફિલ્મ ‘ગજની’ એક માઈલસ્ટોન ફિલ્મ હતી. એ માત્ર આમિરની જ નહીં, પણ બોલીવુડની પણ પહેલી ૧૦૦ કરોડની ફિલ્મ હતી. આ ફિલ્મમાં હંમેશની જેમ લોકો આમિરની એક્ટિંગના દીવાના તો થયા હતા, પણ તેના લુકની તો વાત જ શું કહેવી! ફિલ્મની રિલીઝ પછી આમિર જેવા લુકની ફેશન શરૂ થઇ ગઈ હતી. ફિલ્મ પ્રમોશન માટે આમિર પોતે અસ્ત્રો લઈને રસ્તા પર લોકોને પોતાના જેવો લુક આપી રહ્યો હતો. ‘ગજની હેરસ્ટાઇલ’ મીડિયામાં પણ ખૂબ ગાજી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.