ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
પ્રત્યાર્પણ. આ શબ્દ છાપામાં ઘણી વાર વાંચ્યો હશે. જ્યારે કોઈક કારણસર એક દેશનો નાગરિક બીજા દેશમાં સંતાયો હોય, ત્યારે એને કાયદેસર રીતે મૂળ દેશમાં પાછો લાવવાની પ્રક્રિયા ‘પ્રત્યાર્પણ’ તરીકે ઓળખાય છે. આ લખાય છે ત્યારે નીરવ મોદીની વાંધા અરજી યુકેની કોર્ટે ફગાવી દીધી છે. હવે આ ભાગેડુના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઇ ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી નીરવ મોદીને નામે રાજકીય પક્ષોએ એકબીજા પર ખાસ્સા માછલા ધોયા. હવે ભારત પાછો આવે, એ પછી એને કેટલીક સજા થાય છે, એ જોવું રસપ્રદ રહેશે. આ બધા વચ્ચે પ્રજાના મોટા વર્ગને જે મુદ્દાનો સવાલ સતાવતો રહ્યો, તે એ કે એક છપાયેલા કાટલા જેવા ગુનેગારને પકડી લાવવામાં આટલો બધો સમય કેમ જાય?! સામાન્ય માણસોને આવો પ્રશ્ર્ન થાય એ સ્વાભાવિક છે, પણ સાચું પૂછો તો પ્રત્યાર્પણના કાયદાઓ બહુ ઝીણું કાંતનારા હોય છે. આથી કોઈ પણ દેશ બીજા દેશ પાસે કોઈ નાગરિકના પ્રત્યાર્પણની માગણી કરે, ત્યારે એક-એક બાબતને મેગ્નીફાઈંગ ગ્લાસ વડે ચકાસ્યા બાદ જ નિર્ણય લેવાય છે.આવું કરવા પાછળ વાજબી કારણો છે.
ઘણી વાર એવું થાય છે કે દેશ છોડીને ભાગનારા લોકોમાં માત્ર ગુનેગાર જ નહિ, પણ જે-તે દેશની સરકારે દુશ્મન ગણી લીધા હોય, એવા લોકોનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે અલીબાબાનો સહસ્થાપક ચીની અબજોપતિ જેક મા હાલમાં પોતાનો દેશ ચીન છોડીને જાપાનના ટોક્યો ખાતે રહી રહ્યો હોવાનું મનાય છે. નીરવ મોદી અને જેક મા, બન્ને સામસામા છેડાના કેસ છે. એક જણ કૌભાંડ કરીને સરકારથી ભાગતો ફરે છે, જ્યારે બીજો જીવ બચાવવા સરકારથી ભાગતો ફરે છે એમ કહીએ તો ખોટું નથી. હવે એક ત્રીજા પ્રકારની વ્યક્તિઓ વિષે પણ જાણી લો. જો તમે મસાલા હિન્દી મુવીઝ જોવાના રસિયા હોવ તો એક ડાયલોગ અચૂક સાંભળ્યો હશે, તુમ્હારે બીવી-બચ્ચે (અથવા તો ગર્લફ્રેન્ડથી માંડીને બીજું કોઈ પણ સ્નેહીજન) મેરે કબ્ઝે મેં હૈ, અગર કોઈ ચાલાકી કરને કી કોશિશ કી, તો… સામાન્ય સંજોગોમાં આવો ડાયલોગ રીઢા બદમાશના મોઢે જ બોલાતો હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે મોટા મોટા દેશો પણ ક્યારેક (ક્યારેક?૦ રીઢા બદમાશને સારો કહેવડાવે એવું પરાક્રમ કરતા હોય છે. હિન્દી ફિલ્મોમાં જેમ ખલનાયક હીરોની મા-બહેનને ઉપાડી જતો હોય છે, એમ આ દેશો પણ દુશ્મન દેશોના નાગરિકોને બંદી બનાવી મૂકે છે. ફિલ્મોના ખલનાયક બિચારા વખાના માર્યા આવું પાપ કરે, પણ જે-તે દેશની સરકારો બીજા દેશ પાસેથી ધારેલું કામ કરાવવા માટે આવા બંદીઓનો ‘ઉપયોગ’ કરે છે! ટૂંકા, પોતાના રાજકીય લાભ માટે બીજા દેશના નાગરિકોને બંદી બનાવવામાં આવે છે! આ પ્રકારની મોડસ ઓપરેન્ડી માટે એક શબ્દ વપરાય છે : ‘હોસ્ટેજ ડિપ્લોમસી’.
હવે કોઈ દેશની સરકાર અમજદ ખાન કે પ્રકાશ રાજની માફક પોતાના ‘અડ્ડા’ પર તો કોઈ વિદેશી નાગરિકને બંધક બનાવીને રાખી ન શકે, નહિતર આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ એ પોતે ગુનેગાર સાબિત થઇ જાય. એટલે આ લોકો વિદેશી નાગરિકોને કોઈને કોઈ રીતે કાયદાની ચુંગાલમાં ફસાવીને જેલમાં પૂરી દે છે! જેમ બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નીકળે, એમ બે મહાસત્તાઓની લડાઈમા બિચારા ‘હોસ્ટેજ’ બની ગયેલા નાગરિકનો ખો નીકળી જાય. વળી નવાઈની વાત એ છે કે આ પ્રકારની હોસ્ટેજ ડિપ્લોમસી વિષે બહુ જાહેર ચર્ચાઓ પણ નથી થતી! જગત આખામાં જમાદાર થઈને ફરતા, અને ભારત જેવા દેશોને વગર માગ્યે સલાહો દેવા દોડી આવતા અમેરિકાના ખુદના અનેક નાગરિકો ‘હોસ્ટેજ ડિપ્લોમસી’નો શિકાર બનીને વિદેશી જેલોમાં સબડી રહ્યા છે! હમણાં આવી જ એક અમેરિકન યુવતીના કેસની ભારે ચર્ચા છે.
બ્રિટની ગ્રીનર એનું નામ. બ્રિટની અમેરિકાની અચ્છી બાસ્કેટ બોલ પ્લેયર હતી. અમેરિકન બાસ્કેટ બોલ પ્રેમીઓમાં ઠીક ઠીક જાણીતી ય ખરી. થયું એવું કે બ્રિટની નાની ‘અમથી’ ચૂકને કારણે રશિયામાં ઝડપાઈ ગઈ અને થોડા મહિનાઓ રશિયન જેલમાં વીતાવવા પડ્યા. બ્રિટનીને છોડવા માટે અમેરિકાએ કઈ ‘ડીલ’ કરી એ જાણતા પહેલા બ્રિટનીના અંગત જીવન વિષે થોડું જાણી લઈએ. કેમકે એણે જે નાની ‘અમથી’ ચૂક કરેલી, એની પાછળ એના અંગત જીવનનો પ્રભાવ કારણભૂત હોઈ શકે છે.
લેસ્બિયન સંબંધો અને વિવાદ
બ્રિટની બાળપણથી જ એની ઉંમરનાં બીજાં બાળકો કરતા સહેજ ‘જુદી’ હતી. એટલે બીજાઓ તરફથી ઘોંચપરોણાનો ભોગ બનતી રહી. ઉંમર વધતા ખ્યાલ આવ્યો કે બ્રિટની લેસ્બિયન છે. ૨૦૧૩માં એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં બ્રિટનીએ ખુલ્લેઆમ પોતાના લેસ્બિયન હોવાનો સ્વીકાર કર્યો. બાળક તરીકે પોતે કેવી મુશ્કેલીઓ વેઠવી પડેલી, એની ય વાતો કરી. વધુમાં બ્રિટનીએ કહ્યું કે એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર) લોકોને સમાજ તરફથી જે અવમાનના સહન કરવી પડે છે, એની સામે પોતે લોકજાગૃતિ આણવા માગે છે. ૨૦૧૩માં જ પ્રખ્યાત ESPN Sporst નેટવર્ક દ્વારા દર મહિને પબ્લિશ કરાતા સ્પોર્ટ્સ મેગેઝીને “Taboo’ (સમાજ જેને વર્જિત ગણતો હોય એવી પ્રવૃત્તિ કરનારા લોકો) વિશેષાંક બહાર પાડ્યો, જેમાં બ્રિટનીએ શરીર પર એક સાપ વીંટાળીને ફોટો પડાવેલો.
આ મેગેઝિન માટે બ્રિટની માત્ર ‘બાસ્કેટબોલ’ ધારણ કરેલા અનાવૃત્ત ફોટોઝ પણ પડાવી ચૂકી છે! વિખ્યાત નાઈક કંપનીએ પણ બ્રિટનીને એન્ડોર્સ કરી છે. બ્રિટની પ્રથમ ગે પ્લેયર છે, જેને નાઈકનું એન્ડોર્સમેન્ટ મળ્યું હોય. ઓગસ્ટ, ૨૦૧૪માં બ્રિટનીએ વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (WNBA) ની સહ ખેલાડી એવી ગ્લોરી જ્હોન્સન સાથે એન્ગેજમેન્ટ કરી લીધા. લગ્ન કરે એ પહેલા જ બ્રિટની અને ગ્લોરી એવા ઝગડ્યા કે છુટ્ટા હાથની મારામારી કરી નાખી, બોલો!
પડોશીએ ફરિયાદ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી! જો કે એ પછીય બન્ને બીજા જ મહિને પરણી ગયા, પરંતુ મારામારી થયેલા પોલીસ કેસને પગલે WNBA દ્વારા બન્ને ખેલાડીઓને સાત મેચ સુધી પ્રતિબંધિત જાહેર કર્યા. IVF પદ્ધતિથી આ યુગલે જોડીયા બાળકીઓને જન્મ આપ્યો. પણ ૨૦૧૬માં મતભેદો વધી પડતા છૂટાછેડા પણ થઇ ગયા. પાછળથી ૨૦૧૮માં બ્રિટનીએ બીજી એક ક્ધયા સાથે લગ્ન કરી લીધા. યે તો થી બ્રિટની કી દાસ્તાન.
રશિયામાં સલવાઈ ગઈ!
પ્રોફેશનલ બાસ્કેટબોલ પ્લેયર તરીકેની કેરિયર અને ઉપર જણાવ્યા એ બધાં પ્રકરણો પછી બ્રિટની ગ્રીનર અમેરિકામાં ઠીક ઠીક જાણીતી થઇ ચૂકેલી. સાથે જ એને જરાક વિશેષ પ્રકારના ‘છાંટો-પાણી’ની આદત પણ ખરી. જ્યારે તમારું જીવન ઝળહળતી પ્રસિદ્ધિ અને અંગત જીવનની નિષ્ફળતાઓ- સંબંધોની અધૂરપ વચ્ચે ઝોલા ખાતું હોય, ત્યારે આવા ચક્કરમાં ફસાવું બહુ સ્વાભાવિક ગણાય. બીજી મહત્ત્વની વાત એ કે અમેરિકામાં અમુક પ્રકારનો ગાંજો પ્રતિબંધિત નથી. આ પ્રકારના દ્રવ્યને મેડિકલ મારીજુઆના -“MMJ’ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટની પણ એનું સેવન કરતી હતી.
હવે અમેરિકામાં ફિઝીશિયનની સલાહ મુજબ લેવામાં આવતો પદાર્થ રશિયામાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, અને બ્રિટની એ વાતથી સાવ બેખબર હતી. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ને દિવસે બ્રિટનીને રશિયન એરપોર્ટ ઉપર ઝડપી લેવામાં આવી. એની પાસે એક ગ્રામ કરતાં પણ ઓછા પ્રમાણમાં જે નશીલો પદાર્થ હતો, એના સ્મગલિંગનો ચાર્જ લગાવવામાં આવ્યો!
જ્યારે વ્યક્તિની ભૂલ સમાજને ભારી પડે છે!
રશિયાની અદાલતમાં મહિનાઓ સુધી કેસ ચાલતો રહ્યો અને બ્રિટની જેલમાં પૂરાયેલી રહી. આ એ સમયગાળો છે, જયારે રશિયા-યુક્રેન યુદ્ધના મંડાણ થઇ ચૂક્યા હતા. રશિયન્સ અને અમેરિક્ધસ કટ્ટર દુશ્મન તરીકે સામસામી છાવણીએ હતા. અમેરિકામાં બ્રિટનીની મુક્તિ માટેની માગ વધતી ચાલી. લોકો અમેરિકન સરકારને પ્રશ્ર્નો પૂછવા માંડ્યા. આખરે ૨૭ જુલાઈ, ૨૦૨૨ ને દિવસે અમેરિકી પ્રમુખ જો બાઈડેને ‘પ્રિઝનર એક્સચેન્જ’ ડીલ માટે મંજૂરી આપી. આવી એક્સચેન્જ ડીલ હેઠળ પક્ષકાર દેશો એકબીજાના કેદીઓને છોડી મુકતા હોય છે. રશિયાએ બ્રિટની અને બીજા એક અમેરિકન જાસૂસના બદલામાં જર્મનીની કેદમાં પુરાયેલા એક ચેચેન બળવાખોરને છોડવાની માગ મૂકી. પણ જર્મની સરકારે ઘસીને ના પાડી દીધી. બીજી તરફ રશિયાની કોર્ટે બ્રિટનીને
દોષિત પુરવાર કરીને નવ વર્ષની કેદ અને દસ લાખ રૂબલના દંડની
સજા ફટકારી દીધી!
અમેરિકાનું નાક બરાબર દબાયું હતું. આખરે ફરી વખત રશિયન રાજદ્વારી સાથે મીટિંગ ગોઠવવામાં આવી. આ વખતે રશિયાએ વિક્ટર બાઉટ નામના રશિયન આર્મ ડીલરને છોડવાની દરખાસ્ત મૂકી. આખરે ૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ રશિયાએ બ્રિટની અને એક અમેરિકન જાસૂસને છોડ્યા. સામે અમેરિકાએ બાઉટને મુક્ત કર્યો.
‘વિક્ટર બાઉટ મર્ચન્ટ ઓફ ડેથ’ તરીકે કુખ્યાત છે. દાયકાઓ સુધી એણે યુરોપ-આફ્રિકાના દેશોમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાનું કામ કરેલું. ૨૦૦૮માં ઇન્ટરપોલે થાઈલેન્ડ પોલીસની મદદથી જેમ-તેમ કરીને બાઉટને ઝડપી પાડેલો. પણ બ્રિટની ગ્રીનરને છોડાવવાના ચક્કરમાં… યુ નો! એક સમયે રશિયન આર્મીમાં ટ્રાન્સલેટર તરીકે ફરજ બજાવી ચૂકેલા આ વિક્ટર બાઉટનો રશિયા હવે કેવોક ઉપયોગ કરે છે, એ તો સમય જ કહેશે. પણ સમજવાનું એ છે કે ક્યારેક એક વ્યક્તિની નાની શી ભૂલને કારણે…