Homeટોપ ન્યૂઝદ. કોરિયામાં 3 વર્ષ પછી થયેલી હેલોવીન પાર્ટીમાં હોરર શો... નાસભાગમાં 151ના...

દ. કોરિયામાં 3 વર્ષ પછી થયેલી હેલોવીન પાર્ટીમાં હોરર શો… નાસભાગમાં 151ના મોત

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલના એક અગ્રણી બજારમાં હેલોવીન માટે એકઠી થયેલી ભારે ભીડમાં નાસભાગ મચી જવાથી ઓછામાં ઓછા 151 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા મોટા ભાગના લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં ઓગણીસ વિદેશીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાંથી 97 મહિલા અને 54 પુરૂષ હતા.
ઉલ્લેખનીય છે કે 2020માં કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી આ વર્ષની હેલોવીન ઇવેન્ટ પ્રથમ હતી જેમાં દક્ષિણ કોરિયનોને ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત નહોતું.
ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે આ ઘટના પછી ઘણા લોકોને હૃદયરોગનો હુમલો થયો અને તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી. ડઝનબંધ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે અધિકારીઓને પીડિતોની ઝડપથી ઓળખ કરવાનો આદેશ આપ્યો છે જેથી તેમના પરિવારજનોને જાણ કરી શકાય. યૂને આંતરિક અને સુરક્ષા મંત્રીઓને ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે સિઓલના લોકપ્રિય ઇટાવોન જિલ્લામાં ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ હેલોવીન કાર્યક્રમ દરમિયાન માર્યા ગયેલા લોકો માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિયોલના મુખ્ય પાર્ટી સ્થળ હેમિલ્ટન હોટેલ તરફ જતા લોકોનું ટોળું એક સાંકડી ગલીમાં ઘૂસી ગયું હતું અને આ દરમિયાન ભીડ વધવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને લોકો ભીડમાં કચડાઈ જતા જાનહાનિ થઇ હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો, અને શોકગ્રસ્ત રાષ્ટ્ર સાથે ભારતની એકતાની ખાતરી આપતાં કહ્યું હતું કે તેઓ યુવાનોના જીવ ગુમાવવાથી “ઊંડો આઘાત” અનુભવે છે. યુએસ પ્રમુખ જો બિડેન અને યુકેના નવનિયુક્ત વડા પ્રધાન ઋષિ સુનાકે પણ ટ્વિટર પર દુ:ખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular