પાકિસ્તાનના હિંદુ લઘુમતીઓ પર થઇ રહેલા હુમલા અને અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. હિન્દુ લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો મામલો હૈદરાબાદ (પાકિસ્તાન સ્થિત હૈદરાબાદ)માંથી જાણવા મળ્યો છે. અહીં હોળીની રાત્રે ઘરમાં ઘૂસીને એક હિન્દુ ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી.
ડોક્ટરનું નામ ધરમદેવ રાઠી જણાવવામાં આવી રહ્યું છે. ડૉ. ધરમદેવ રાઠીની હત્યાનો આરોપ તેમના જ ડ્રાઇવર પર લગાવવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. શિવ કાચી નામના યુઝરે ટ્વિટર પર લખ્યું કે, હૈદરાબાદમાં હોળીની રાત્રે પ્રખ્યાત હિંદુ ત્વચારોગ વિજ્ઞાની ધરમ દેવ રાઠીની તેમના ડ્રાઈવર મુહમ્મદ હનીફ લેઘારીએ છરી વડે તેમનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
રિપોર્ટ્સ અનુસાર, આરોપી ડ્રાઈવર અને ડોક્ટર વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જે બાદ ડોક્ટર ધરમદેવ રાઠીના ડ્રાઈવરે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપી ડ્રાઈવર મુહમ્મદ હનીફ લેઘારીએ છરી વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડો.રાઠીનો પરિવાર અમેરિકામાં રહે છે.
અગાઉ 7 માર્ચે કટ્ટરપંથી ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ કરાચી યુનિવર્સિટી કેમ્પસમાં કથિત રીતે હોળી રમી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. કરાચી યુનિવર્સિટીના અધિકારીના જણાવ્યા અનુસાર, સિંધી વિભાગમાં એક ઘટના બની હતી જ્યાં હિન્દુ અને અન્ય વિદ્યાર્થીઓ હોળીની ઉજવણી કરી રહ્યા હતા અને એકબીજા પર રંગો ફેંકી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. આ પહેલા સોમવારે પંજાબ યુનિવર્સિટીની લો કોલેજમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે 30 જેટલા હિંદુ વિદ્યાર્થીઓ હોળીની ઉજવણી કરવા ભેગા થયા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. આ હુમલામાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.