આડા ઊભા ત્રાંસા સંબંધો: રોમાન્સ પર નવું રિસર્ચ!

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: જે ગમે,એનું બધું જ ગમે! (છેલવાણી)
(ડિસ્કલેમર/ ખુલાસો: લેખ માત્ર મનોરંજન માટે છે, કોઇએ વાંચીને જાતે પ્રયોગો કરવા નહીં!)
કહેવાય છે કે- ‘પ્રામાણિક એ જ છે જેને ગુનો કરવાની તક નથી મળી!’ આમ તો યુગોથી સ્ત્રી-પુરૂષોના ‘કફ Affair’ ઉર્ફ લફરાં, આડા-ઊભા-ત્રાંસા-વાંકા-ચૂકા સંબંધો ચાલતા જ આવ્યા છે પણ હમણાં દેશમાં સ્ત્રી-પુરૂષો વિશે અલગ અલગ ધર્મ-ભાષા-પ્રાંત વિશે રિસર્ચ કરવામાં આવ્યું ને એમાંથી તારણ નીકળ્યું કે અગાઉ કરતાં પુરુષોમાં ને ખાસ તો મહિલાઓમાં (૪૮ % પરણેલી મહિલાઓમાં) પણ લગ્ન બહારના લફરાંઓનું પ્રમાણ વધ્યું છે! ’લફરાંઓ’ વિશે અમેરિકન કોમેડિયન બિલી ક્રિસ્ટલ કહે છે: ‘સ્ત્રીને તો પ્રેમ કરવા માટે કારણ જોઇએ પણ પુરૂષને તો માત્ર એકાંતવાળી જગ્યાની જરૂર પડે છે!’
જેમ કે-
એક ભાઇ, રસ્તા પર ગુસ્સામાં ગાળો બોલીને ગાડીઓના કાચ તોડી રહ્યો હતો. પોલીસે એને પકડીને પૂછ્યું, “શું થયું? કોના પર ગુસ્સો કાઢે છે?
પેલાએ કહ્યું,”આજે મને ગાર્ડનમાં એક સુંદર સ્ત્રીએ સામેથી આંખ મારીને કહ્યું:”રાત્રે મારા ઘરે આવી જજે, કોઇ નહીં હોય!
“પછી?
“પછી શું? હું ત્યાં ગયો , ત્યાં કોઇ નહોતું. પેલી સ્ત્રી પણ નહીં!
આ જોકમાં મહત્ત્વની વાત છે: લોકેશન! જગ્યા! લફડાં કરવામાં લોકેશનનું એ જ મહત્વ છે જે પાણીપતના યુદ્ધમાં પાણીપતનું છે.
પુરૂષો, સ્ત્રીના સ્મિતથી પાણી-પાણી થઇ જાય છે. કમનસીબે
મોટાભાગના પુરૂષ માટે સુંદર સ્ત્રી એક ‘મિનિ-પાણીપત’ જ છે! નોર્મલ પુરૂષો બાથરૂમમાં ભાગ્યે જ લપસે છે પણ પરસ્ત્રી સામે વારંવાર
લપસી જાય છે! (ગુજરાતી મીઠાઇ “લાપસીનું ઉદ્ભવ સ્થાન “લપસવામાં છે કે નહીં? -એના પર કોઇએ પી.એચ.ડી. કરવું જોઇએ!) પણ એ તો હળહળતી હકીકત જ છે કે પુરૂષોના લફરામાં લપસવા એ
રીતે લાચાર હોય છે, જેમ આપણે બોલીને ફરી જતી સરકારો સામે હેલ્પલેસ છીએ!
જેમ કે-
એક પરણેલી સ્ત્રીને દરિયાના મોજામાં તણાઇ આવેલી કાચની બાટલી મળે છે. સ્ત્રી, એ બાટલી ખોલે છે. એમાંથી જિન્ન બહાર નીકળે છે ને કહે છે,”તમારી ઇચ્છા બોલો! હું પૂરી કરીશ!” પેલી સ્ત્રી, ભલી ને સંસ્કારી હતી એટલે જિન્નને કહ્યું, “દેશમાંથી નાત-જાત-ધર્મ-ભાષા વગેરેના ઝઘડાઓ હંમેશ માટે ખતમ થઇ જાય એવું કરો!”
જિન્ને માથું ખંજવાળીને કહ્યું,”સોરી, જ્યાં સુધી દેશમાં ઇલેક્શન રહેશે ત્યાં સુધી તો આ અશકય છે. બીજી કોઇ ઇચ્છા કહો!”
સ્ત્રીએ વિચારીને કહ્યું,”ઓકે, એમ કરો કે મારો વર કાયમ માટે બ્હાર લફડાં કરતો બંધ થઇ જાય!
જિન્ને તરત જ કહ્યું, “રહેવા દો, તમે પેલું ‘દેશમાં એકતા’-વાળું વરદાન માગેલું એ ટ્રાય કરવા દો. એ સહેલું પડશે!
‘દરેક જોક પાછળ એક સંકેત છૂપો હોય છે’- એવું પ્રખર માનસશાસ્ત્રી સિગ્મંડ ફ્રોઈડે કહેલું પણ એમણે એમ પણ કહેલું કે ‘સ્ત્રીને શું જોઈએ
છે એ કોઈ સમજી શકયું નથી!’ અર્થાત્ લફરાંઓના ઈતિહાસમાં
અમુક (જ) મહિલાઓનો પણ સિંહફાળો કે રાધર, સિંહણફાળો રહી ચૂકયો છે.
ઇંટરવલ:
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં (મરીઝ)
એમાં તો જગતભરમાં કોઇ બેમત નથી કે એકંદરે જગતભરની મહિલાઓ પ્રેમમાં વધુ વફાદાર હોય છે પણ ’અપવાદ ભી કુછ ચીઝ હૈના?’
જેમ કે-
એક કુંવારી સ્ત્રીએ, જ્યોતિષને કુંડળી દેખાડી પૂછ્યું, “નંદુ ને ચંદુ બેઉ મારાં પ્રેમમાં છે! મારા લગ્ન કોની સાથે થશે?
જ્યોતિષે કહ્યું, “લગ્ન નંદુ જોડે થશે અને લકી તો ચંદુ સાબિત થશે!
પેલી બોલી, “ટૂંકમાં બેઉનો સાચો પ્રેમ મને જીવનભર મળશેને?
જોક, સમજી ગયાને? શું છે કે લફરાંની બાબતમાં ભારત જ નહીં જગત આખામાં ખૂબ એકતા છે. કોઈ દેશ, જાતિ કે કોમ એમાંથી મુક્ત નથી. રોમાંસની બાબતમાં સર્વત્ર સામ્યવાદ પ્રવર્તે છે. આમાં અમેરિકનો અને યુરોપિયનો રોમાંસની બાબતમાં બહુ ફ્રેંક ને ફ્રી લોકો છે. આપણે ત્યાં તો નાકનો ઉપયોગ શ્ર્વાસ લેવામાં અને રોમાંસ પર ટીચકું ચઢાવવા માટે કરવામાં આવે છે. અંદરખાને દરેકને મનભાવન મહોબ્બતની મહેક સૂંઘવી સૌને ગમે છે.
જેમ કે-
એક બ્રહ્મચારી ગાંધીવાદી સજજન બહુ સંયમી હતા. એમના મિત્રોને સતત શંકા રહેતી. એકવાર એ સજ્જન બહારગામ ગયા ને હોટેલ રૂમમાં જેવા પ્રવેશ્યા કે એમનો ફ્રેંડ ફોન કરીને કહે છે: “બારણું ખોલીને જો! બહાર એક સરપ્રાઇઝ છે!
સજજન, બારણું ખોલે છે તો એક અદ્ભુત સુંદરી શરાબની બોતલ સાથે અંદર ધસી આવે છે. પેલા સંસ્કારી ભાઇ, મિત્રને ફોન કરીને ધમકાવે છે, “તને ખબર છે ને કે હું બ્રહ્મચારી, નિર્વ્યસની છું..આવી મજાક કરાય? અને ગુસ્સામાં ફોન પટકી દે છે.
સુંદરી ડરીને પાછી જવા જાય છે તો પેલા ભાઇ કહે છે: “વેઇટ..તારા પર ગુસ્સે નથી! તું ક્યાં જાય છે?
ઇનશોર્ટ, રોમાંસમાં વફાદારીની વાતો પણ દૂરથી દેખાતા પહાડ ને છેટેથી સંભળાતા ઢોલ જેવા દૂરથી રળિયામણા લાગે છે! કોઇને ગમે કે ના ગમે પણ જીવનમાં સંબંધોનાં સમીકરણો સતત બદલાતાં હોય છે. માટે જ કોઇ શાયરે કહ્યું છે: “દ્રષ્ટિ તો ચાડિયા જેવી છે રૂપના દરેક ખેતમાં ખોડી શકાય છે!
એંડ ટાઇટલ્સ:
આદમ: તને મારા પર ભરોસો નથી?
ઈવ: તારા પર છેને, તારા મોબાઇલ રેકોર્ડ પર નથી!
———

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.