Homeમેટિનીઆશાએં... આશાએં... આશાએં!

આશાએં… આશાએં… આશાએં!

‘પઠાણ’ને મળેલી ભવ્ય સફળતાને પગલે ‘તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ’ જેવો માહોલ સર્જાયો છે અને એકંદરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માઠા દિવસો પૂરા થશે એવી ઉમ્મીદ જાગી છે

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

ઘોર નિષ્ફળતાનું ૨૦૨૨નું વર્ષ પૂરું થયા પછી ૨૦૨૩ના પહેલા જ મહિનામાં મેહબૂબ ખાનની ‘મધર ઈન્ડિયા’નું ‘દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે’ ગીત આજકાલ અલગ જ ભાવાર્થમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંભળાઈ રહ્યું હોય તો નવાઈ ન લાગવી જોઈએ. ગયા વર્ષે ૧૦૦થી વધુ ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાંથી ૧૦ ટકાથીય ઓછી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી. જોકે વર્ષના પ્રારંભમાં જ યશરાજ ફિલ્મ્સની ‘પઠાન’ બાબતે ‘સારી ખુદાઈ એક તરફ, જોરૂ કા ભાઈ એક તરફ’ની જેમ આખા ૨૦૨૨ના વર્ષની નિષ્ફળતા, એક તરફ અને શાહરુખની સફળતા એક તરફ જેવો ઘાટ થયો.
આ લખાય છે ત્યારે ૧૦૦૦ કરોડનું કલેક્શન હાથવેંતમાં છે. અને ચીનમાં તો શાહરૂખની ફિલ્મ હજી રિલીઝ પણ નથી કરવામાં આવી. ૩૦ વર્ષની કારકિર્દીમાં પહેલી વાર એક્શન ફિલ્મ કરનાર કિંગ ખાનની ફિલ્મને મળેલી ધૂમધડાક સફળતાનો લાભ એની બે આગામી ફિલ્મ (જવાન અને ડંકી)ને મળશે એવી આશાનો બગીચો તો ખીલ્યો જ છે, એકંદરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માઠા દિવસો પૂરા થશે એવી હૈયાધારણ પણ મળી છે. અલબત્ત આ આશાવાદનું હકીકતમાં રૂપાંતર થાય છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે. અલબત્ત બેસણા – ઉઠમણાનું વર્ષ પૂરું થયું અને ‘ઈટ ઇસ ધ ટાઈમ ટુ પાર્ટી’નો માહોલ જામ્યો છે એ હકીકત છે. ‘પઠાન’ને મળેલી ભવ્યાતીત સફળતાનું પૃથક્કરણ દરેક જણ પોતપોતાની સમજણ અનુસાર કરી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી અને કંગના રાણાવતએ પણ ઓવારણાં લેવા પડ્યા છે.
અલગ અલગ શહેરોમાં ફરી ‘પઠાન’નો જોરશોરથી પ્રચાર સુધ્ધાં નહોતો કરવામાં આવ્યો.‘બેશર્મ રંગ’ નિમિત્તે ઊભા થયેલા વિવાદે બહિષ્કારનું બ્યૂગલ પણ ફૂંકવામાં આવ્યું હતું, પણ ફિલ્મની હરણફાળ કોઈ રોકી ન શક્યું. આ બધું જોયા પછી ફરી એક વાર પ્રતિભાશાળી ગુજરાતી ફિલ્મમેકર સંજય છેલની વાત યાદ આવી જાય છે કે ‘પ્રેક્ષક માઈ -બાપને શું ગમશે એ સમજવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.’
૨૫ જન્યુઆરીએ સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફિલ્મ રિલીઝ થઈ અને આજે ૨૪ દિવસ પૂરા થાય છે ત્યારે ’તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ, નહીં તો ચરાગોં સે લૌ જા રહી થી’ ચારેકોર ગુંજી રહ્યું છે. હવે જૂન મહિનામાં શાહરુખની ‘જવાન’ રિલીઝ થવાની છે અને ડિસેમ્બરમાં ‘ડંકી’. એટલી અને રાજકુમાર હિરાણી ‘પઠાન’ની ધૂમધડાક સફળતા જોઈ મૂછમાં મલકાતા હશે અને ‘જવાન’ -‘ડંકી’ને ‘પઠાન’ની સફળતાનો લાભ મળશે એવી મનોમન ગણતરી કરતા હોય તો એ એમનો હક છે. અલબત્ત એ બંને દિગ્દર્શકના મનમાં શું ચાલી રહ્યું હશે એ તો એ લોકો જ જાણે, પણ ઈન્ડસ્ટ્રીમાં ત્રિરાશિ જરૂર માંડવામાં આવી રહી છે.
ફિલ્મ બિઝનેસનો વિશાળ અનુભવ ધરાવતા તરણ આદર્શનું કહેવું છે કે શાહરુખની બાકીની બંને ફિલ્મને ‘પઠાન’ની સફળતાનો લાભ જરૂર મળશે. કોઈ એક ફિલ્મની સફળતા એક્ટરની આગામી ફિલ્મ માટે લાભદાયી ઠરે એના સંજોગો ઉજળા હોય છે.’
‘પઠાન’ની બોક્સ ઓફિસ સફળતામાં સાઉથનો સપોર્ટ રતીભાર પણ નથી. જોકે, ‘જવાન’ને સાઉથમાં સારી સફળતા મળશે એવી ગણતરી મુકાઈ રહી છે.
સાઉથના જાણીતા કલાકાર વિજય સેથુપતિ, નયનતારા અને યોગી બાબુ ફિલ્મમાં છે અને તાજેતરમાં અલુ
અર્જુનને પણ ચમકાવવાની વાત થઈ રહી હોવાથી સાઉથની ફિલ્મના દર્શકો માટે આ કલાકારો આકર્ષણ સાબિત થઈ
શકે છે.
આ સંદર્ભમાં ફિલ્મ બિઝનેસના અન્ય એક અભ્યાસુ અક્ષય રાઠીની દલીલ છે કે નોર્થની સરખામણીમાં ‘જવાન’
સાઉથમાં વધુ સફળ રહેશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ તામિલનાડુમાં આ ફિલ્મને જબરજસ્ત આવકાર મળશે એ નક્કી. એનું કારણ એ છે કે ‘જવાન’ના દિગ્દર્શક એટલીના તામિલનાડુમાં ઘણા ચાહકો છે.’ બીજી એક વાત પર ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે કે ‘જવાન’ની રિલીઝ બહુ આઘી નથી.
ચાર મહિના પછી આવી રહી છે. ત્યારે ‘પઠાન’ની સ્મૃતિ તાજી હશે. વળી ‘જવાન’ પણ ‘પઠાન’ની જેમ એક્શન ફિલ્મ છે. ‘ડંકી’ની વાત કરીએ તો રાજકુમાર હિરાણીની ફિલ્મ માટે ઉત્સુકતા જગજાહેર છે.
શાહરુખની ફિલ્મોને જે લાભ થવાનો હશે એ થશે કે નહીં એટલું જ ન વિચારવું જોઈએ. આગામી હિન્દી ફિલ્મોનો વિચાર પણ કરવો જોઈએ. આજે કાર્તિક આર્યનની ‘શેહઝાદા’ રિલીઝ થઈ રહી છે.
રોહિત ધવન દિગ્દર્શિત આ ફિલ્મ તેલુગુ એક્શન ફિલ્મની રિમેક છે. ‘પઠાન’ પણ એક્શન ફિલ્મ છે અને એટલે એક્શનનું તત્ત્વ દર્શકોને ‘શેહઝાદા’ જોવા ખેંચી જાય એવી ગણતરી તો કરી જ શકાય. બીજી એક વાત એ પણ નોંધવી જોઈએ કે કાર્તિક આર્યન યંગ જનરેશનને પ્રિય છે અને થિયેટરમાં રિલીઝ થયેલી એની છેલ્લી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ને સારી સફળતા મળી હતી. ‘પઠાન’નો લાભ ‘જવાન’ને મળે એવી દલીલ કરીએ તો ‘ભૂલ ભુલૈયા ૨’નો ફાયદો ‘શેહઝાદા’ને મળશે એવી ત્રિરાશી પણ માંડી જ શકાય અને એ જ ગણતરી અજય દેવગનને લાગુ પાડી શકાય. અજયની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘દ્રશ્યમ ૨’ને સારો આવકાર મળ્યો હતો અને એની પોઝિટિવ અસર આવતા મહિને રિલીઝ થનારી બિગ બજેટ ‘ભોલા’ને પણ થઈ શકે છે.
આ સંદર્ભમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે ‘પઠાન’ની રિલીઝ પહેલાં કરેલી વાત સમજવા જેવી છે. એની દલીલ છે કે હું કદાચ ‘પઠાન’ જેવી ફિલ્મ ક્યારેય ન બનાવું, પણ હું ઈચ્છું છું કે ‘પઠાન’ને સફળતા મળે. ‘પઠાન’ અને ‘ભોલા’ જેવી બિગ બજેટ ફિલ્મો ચાલે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પૈસા ફરતા થાય. અનેક લોકોની રોજીરોટી
સચવાઈ જાય.
આ સિવાય કરણ જોહરની ’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, રણબીરની અલગ અંદાજની ‘એનિમલ’, મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’, સલમાન ખાનની ‘ટાઈગર ૩’ વગેરે ફિલ્મો માટે આ વર્ષ ઉજળું સાબિત થાય એવી આશાની જ્યોત અત્યારે ટમટમી રહી છે એટલું નક્કી.
કેમિયોનો નવો ટ્રેન્ડ: શાહરુખની ’પઠાન’માં સલમાન ખાનનો કેમિયો (અલપઝલપ ભૂમિકા) દર્શકોને બહુ પસંદ પડ્યો અને હવે ’જવાન’માં દીપિકા પાદુકોણ અને અલુ અર્જુન કેમિયોમાં નજરે પડશે એવી વાત વહેતી થઈ છે. દીપિકાએ તો પોતાનું શૂટિંગ આટોપી લીધું છે, જ્યારે અલુ અર્જુન સાથે મૌખિક વાત થઈ ગઈ છે.
આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થનારી ‘ટાઈગર ૩’માં શાહરુખ ખાન અલપઝલપ જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખની એન્ટ્રીના ઢોલ પીટવામાં આવ્યા છે. આવા બીજા પણ ઉદાહરણ વર્ષ દરમિયાન જાણવા મળશે તો નવાઈ નહીં લાગે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular