લવ-જેહાદ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાનની લાલ આંખ: કહ્યું ‘પ્રેમ કરવાનો હક બધાને છે, પરંતુ ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં.’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સુરતમાં ઈ-FIRના બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત પોલીસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે લવ-જેહાદ મુદ્દે આકરું વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈ ભોળી દીકરીને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું.
ગૃહપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ‘પ્રેમ કરવાનો હક બાધાને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં. કોઈ મુસ્તફા મહેશ બનીને કે મહેશ કોઈ બીજું નામ ધારણ કરીને દીકરીઓને ફસાવે તો એ સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈપણ ફરિયાદ અમને મળશે તો એ બાબતે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી હું સૌને આપું છું.’
ત્યારે ગુજરાતમાં પકડતા ડ્રગ્સ બાબતે તેમણે કહ્યું હતું કે આ દેશના એક કહેવાતા યુવા નેતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. હું કહેવા માગું છું કે ડ્રગ્સ પકડાય છે અને પકડવું એનો ભેદ તમે સમજો છો? આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરવામાં આવે છે. ગોળી ખાવા તૈયાર ગુજરાત પોલીસે ડ્રગ્સ પંજાબ-મહારાષ્ટ્ર જતું અટકાવ્યું છે. ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂ.5000 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સુરત શહેરમાં બળાત્કાર અને લૂંટ જેવા કેસોમાં 100 ટકા ડિટેકશન થયું છે, શહેરમાં ક્રાઇમ રેટમાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. સુરતે દેશને નવી દિશા આપી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને તમામ એસોસિયેશનના લોકો મને મળ્યા, ગૃહમંત્રી બન્યા બાદ તેમણે મને કહ્યું હતું કે ટેકસટાઇલમાં છેતરપિંડી થાય છે, પણ ફરિયાદ થતી નથી. આ વાત હવે નિરાકરણ તરફ જઈ રહી છે. આગામી દિવસોમાં ટેક્સટાઇલ માર્કેટ માટે એક પોલીસ સ્ટેશન બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.