રોહિત શેટ્ટી ભાજપમાં જોડાયો? અમિત શાહની શેટ્ટી સાથેની મુલાકાત રાજકીય વર્તુળમાં બની રહ્યું છે ચર્ચાનું કારણ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈના પ્રવાસે છે. આજે એટલે કે સોમવારે અમિત શાહે બોલીવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ અને રોહિત શેટ્ટીની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બંને કોઈને કોઈ મુદ્દા પર ખૂબ જ ગંભીરતાથી વાત કરતા જોવા મળે છે. જો કે આ બેઠકનો હેતુ શું હતો તે અંગેની માહિતી બહાર આવી નથી, પરંતુ રાજકીય ગલિયારામાં એવી અફવાએ જોર પકડ્યું છે કે રોહિત શેટ્ટી ભાજપમાં જોડાવાનો છે.
અમિત શાહની મુંબઈ મુલાકાતની વાત કરીએ તો તેઓ લાલબાગચા રાજાના દર્શન કરવા જવાના છે. એવું માનવામાં આવે છે કે આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં અમિત શાહની આ મુલાકાત ખૂબ જ ખાસ છે.
રોહિત શેટ્ટી સાથે અમિત શાહની મુલાકાતને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. રાજકીય પક્ષો પણ ચૂંટણીમાં સેલિબ્રિટીઓ પર દાવ રમે છે. રોહિત શેટ્ટી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના સફળ ફિલ્મ નિર્માતા છે, જેને મુંબઈ, દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહે રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી છે. જોકે, હજી સુધી તેની પુષ્ટિ કરી શકાતી નથી, કારણ કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ અમિત શાહની આ પહેલી મુંબઈ મુલાકાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહ પહેલા રોહિત શેટ્ટીને મળ્યા હતા, તેમને મળ્યા બાદ તેઓ લાલબાગના રાજાના દર્શને ગયા હતા. અમિત શાહ બપોરે 12 વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ ઉપરાંત અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ મળ્યા હતા. રાજકીય બેઠક બાદ અમિત શાહ મુંબઈમાં એક શાળાનું ઉદ્ઘાટન પણ કરવાના છે.
રોહિત શેટ્ટી પહેલા અમિત શાહ હૈદરાબાદમાં સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર જુનિયર એનટીઆરને પણ મળ્યા હતા. તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણીના કારણે આ બેઠકના પણ અનેક અર્થો કાઢવામાં આવ્યા હતા. જોકે, બાદમાં એવી માહિતી મળી હતી કે અમિત શાહ હૈદરાબાદમાં જે હોટલમાં રોકાયા હતા ત્યાં જુનિયર એનટીઆર પણ હતા. એવું કહેવામાં આવ્યું હતું કે બંનેની મુલાકાતને ચૂંટણી સાથે જોડીને જોઈ શકાય નહીં, કારણ કે તે સામાન્ય બેઠક હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.