કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મહેસાણાની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે તેમના સાસરી પિલવાઇ ગામમાં ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા ત્યારબાદ મંદિર પરિષરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે શેઠ જી.સી.હાઈસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. તેમણે દેશની નવી શિક્ષણનીતિ અંગે વાત કરતા કહ્યું હેતુ કે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા પછી ભારતને દુનિયામાં નંબર 1 બનતા કોઈ નહિ રોકી શકે.
પીલવઇની જાણીતી શેઠ જી.સી હાઇસ્કુલના 95 વર્ષ પૂર્ણ થવા નિમિતે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા કહ્યું કે જે શાળામાં મારા પિતાજી મારા પત્નીના પિતાજી ભણ્યા એજ શાળાના 95 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું એટલે સંસ્થાનું રૂણ ચૂકવવાનો મને મોકો આપ્યો. એક સંસ્થા 95 વર્ષ ચાલે એનો અર્થ જ એ થાય કે એનો પાયો ખૂબ પવિત્રતાથી નખાયો હશે. અમિત શાહે શાળામાં નવી કોમ્પ્યુટર લેબ અને સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યુ હતું.
તેમણે વધુમાં કહ્યું કે PM મોદીએ નવી શિક્ષણ નીતિની શરૂઆત કરી. આ નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા પછી ભારતને દુનિયામાં નંબર 1 બનતા કોઈ નહિ રોકી શકે. શિક્ષણ પદ્ધતિમાં વિધાર્થીઓને તેમની માતૃ ભાષામાં ઉચ્ચ શિક્ષણ પણ મળી રહેશે. બાળક માતૃભાષામાં ભણે-બોલે-વિચારે ત્યારે વિચારવાની ક્ષમતા પણ વધે અને ગુણ પણ વિકસિત થાય. અવનારા 2 થી 7 વર્ષમાં સમગ્ર દેશમાં દરેક બાળક પોતાની માતૃભાષામાં અભ્યાસ કરતું હશે. ટેક્નિકલ શિક્ષણ, મેડિકલ શિક્ષણ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ બધા જ અભ્યાસક્રમ માતૃભાષામાં ઉપલબ્ધ હશે. કોઈ બાળકને સંગીતમાં રસ હશે તો તેનું જ્ઞાન પણ તેને આપવામાં આવશે.
ગૃહપ્રધાન અમિત શાહ પીલવાઈ ગામના ગોવર્ધનનાથજી મંદિરના વિવિધ કાર્યોંનો શિલન્યાસ કરવા પહોંચ્યા હતા. અમિત શાહે તેમના પત્ની અને પુત્ર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિરનો જીરણોદ્ધારની શરૂઆત કરાવી. આ મંદિર અમિત શાહના સાસરી પક્ષે લગભગ 80થી 90 વર્ષ પહેલા બંધાવ્યું હતું.