નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસના બિહારના પ્રવાસ પર છે. નવાદાની જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે હું સાસારામની જનતાની માફી માગુ છું, કારણ કે ત્યાં રેલી થઈ નોહતી. આગામી વખતે જ્યારે બિહાર જઈશ ત્યારે સાસારામ ચોક્કસ જઈશ. સાસારામમાં થયેલી હિંસાને કારણે હું ત્યાં જઈ શક્યો નહોતો, એમ તેમણે જણાવ્યું હતું.
સાસારામમાં થયેલી હિંસા મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. સાસારામની જનતાની હું માફી માગુ છું, પરંતુ અહીંની જનતાને ચોક્કસ કહીશ કે હું ટૂંક સમયમાં આવીશ. સાસારામના મહાન સમ્રાટ અશોકના સન્માનમાં સભાનું આયોજન કરવામાં આવશે. હાલમાંહું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે સાસારામમાં ઝડપથી શાંતિનું નિર્માણ થાય, કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. આ મુદ્દે રાજ્યપાલ લલનસિંહ સાથે વાત કરી હતી તો તેઓ નારાજ થઈ ગયા હતા. પણ હું તેમને એ વાત ચોક્કસ કહીશ કે હું આ દેશનો ગૃહ પ્રધાન છું. બિહાર પણ આ દેશનો હિસ્સો છે. જો તમે રાજ્યમાં શાંતિનું નિર્માણ કરી શકતા નથી, તેથી અમારે ચિંતા કરવી પડે છે.
ગૃહ પ્રધાને લાલુ પ્રસાદ યાદવને જંગલરાજના પ્રણેતા ગણાવ્યા હતા. નીતિશ બાબુને સત્તાની ભૂખને કારણે લાલુ યાદવના ખોળામાં બેસવા માટે મજબૂર કર્યા હતા, પણ અમારી કોઈ લાચારી નથી. જનતાની વચ્ચે જઈશું અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવીશું. મેં આવી કોઈ સ્વાર્થી સરકાર જોઈ નથી, જે સત્તાની લાલચમાં ફક્ત પોતાનું વિચારે. હું ફરી એકવાર કહીશ કે દેશની જનતા ત્રીજી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટશે. એટલું જ નહીં, ન તો તેજસ્વી મુખ્ય પ્રધાન બનશે કે નીતિશ પીએમ, એવું તેમણે જણાવ્યું હતું.