કવર સ્ટોરી -વર્ષા અડાલજા
અચાનક એક દિવસ સુવર્ણાએ બેગમાં કપડાં ભરવા માંડ્યા અને છાત્રાલયમાં ભણવા જવાની તૈયારી કરવા માંડી. મા તો ડઘાઈ જ ગઈ. મોટી બહેન આશાએ પણ ન જવા ખૂબ સમજાવી પણ સુવર્ણાએ હઠ જ કરી. ગરીબ વિધવા માની બે દીકરી. મોટી આશા. નાની સુવર્ણા. આશા કદમાં નાની અને શામળી. દેખાવ સામાન્ય અને સુવર્ણા ખૂબ રૂપાળી અને ઠસ્સાદાર. બન્ને બહેનો જિગરજાન સખીઓ. હંમેશાં સાથે અને સાથે. મા એમને રિદ્ધિ સિદ્ધિ કહે.
એક વેળા હોસ્ટેલમાં રહી બન્ને સ્કોલરશીપ પર ભણતી હોય છે. હવે ઘરે પાછી આવી છે ત્યારની માને ચિંતા. સ્વજનોની યે સલાહ. ઉંમરલાયક દીકરીને ક્યાં સુધી સાચવશો. સમયસર ઘર મંડાઈ જાય તો સારું પછી સારા છોકરા મળવામાં મુશ્કેલી. મા હવે પહેલા મોટી દીકરી આશાનું ગોઠવવાની વેતરણ કરે છે. મુરતિયા જોવાનું ગોઠવાય છે, તૈયારીઓ થાય છે. ઘરે આશાને જોવા મુરતિયો અને સગાઓ આવે છે. મુરતિયામાં તો કશા રામ નથી. બધી રીતે સામાન્ય અને આશા કેટલી હોશિયાર!
પણ થાય છે શું! મુરતિયો અને સગાંઓને આશા પસંદ નથી પડતી. શામળી છે ને! પછી તો સિલસિલો. મા જ્યાં પણ વાત માંડે ત્યાંથી નનૈયો જ આવે. સહુ નિરાશ છે.
એક વાર સુવર્ણા ઊંઘી ગઈ છે સમજી મા અને કાકી વાતો કરે છે રાત્રે કે જ્યાં આશાની વાત કરીએ છીએ ત્યાં લોકો તો સુવર્ણાને જ પસંદ કરે છે. માનું હૃદય વલોવાય છે. માને તો બેય દીકરીઓ વહાલી. જો નાની સુવર્ણાનું નક્કી કરી લગ્ન કરી નાખે તો આશા રહી જ જવાની. સહુને થશે પહેલાં નાનીનું કર્યું તો આશાનું કેમ નથી ગોઠવાતું.
સુવર્ણાએ વાત સાંભળી લીધી હોય છે. પોતાને લીધે બહેનનાં લગ્ન નથી થતાં એનું ખૂબ દુ:ખ છે. તે એક ઉપાય શોધે છે. ઘરમાં કોઈને કહેતી નથી.
પણ અચાનક સુવર્ણા તૈયારી કરે છે, મારે આગળ હજી ભણવું છે અને હોસ્ટેલમાં રહેવા જાઉં છું. એના મનમાં છે કે આશાને જોવા આવે ત્યારે એ ઘરમાં હોય જ નહીં તો આશાનું નક્કી ગોઠવાય. આ સાચા કારણની કોઈને ખબર નથી એટલે સુવર્ણાને બેગ ભરતી જોઈને મા ખૂબ ગુસ્સે થાય છે અને સુવર્ણાને સંભળાવે છે.
સ્વાર્થ, નર્યો સ્વાર્થ નાનપણથી એણે એ સિવાય કંઈ જોયુ છે ખરું! કોઈનું દિલ ભલે દુભાય, એની પરવા એણે કરી છે ખરી! નિષ્ઠુર છે સાવ.
માના શબ્દોથી એ ચાળણીની જેમ વીંધાય છે પણ જવું તો છે જ. સ્વાર્થી અને નિષ્ઠુરની મહોર કપાળ પર લઈ એ ઘરબહાર નીકળી જાય છે.
ગુજરાતી સાહિત્યની આ ઉત્તમ, સંવેદનશીલ વાર્તાના લેખિકા છે ધીરૂબહેન પટેલ. શ્યામ ત્વચાનો અભિશાપ લઈ જન્મેલી એક યુવતીની આ વાત છે જે ખૂબ સમજુ છે, પ્રેમાળ છે પણ બસ માત્ર રંગે શ્યામ હોવાથી જે યુવાનના પોતાનામાં જ કોઈ ઠેકાણું નથી એ પણ આશાને પરણવાની ના પાડે છે.
સુવર્ણા ઘરબહાર ચાલી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે.
પણ હકીકત શરૂ થાય છે. આ કાંઈ આજકાલની વાત થોડી છે! પહેલાનાં સમયમાં કુંડળીઓ મેળવી લગ્ન થતાં (આજે ય ગ્રહ-નક્ષત્ર-તારાઓ અનેક પ્રકાશવર્ષ દૂરથી પૃથ્વીવાસિની ક્ધયાનું ભાવિ નક્કી કરે છે. જ્યોતિષીઓનો ધંધો ધમધોકાર ચાલે છે) ઘરે મુરતિયો લાવલશ્કર લઈ ક્ધયા જોવા પધરામણી કરતો (હવે કલબમાં મુલાકાત ગોઠવાય છે) ત્યારે છોકરીને શણગારીને સૌની વચ્ચે બેસાડવામાં આવતી. મુરતિયા તેમના લાવલશ્કરને રીઝવવા જાતજાતના નાસ્તા ગજા ઉપરવટ જઈ પ્રસાદની જેમ ધરવામાં આવતા. ત્યારે મોટા ભાગના કુટુંબો સંયુક્ત કુટુંબો હતાં. ઘરમાં વરાવવા જેવી બીજી દીકરીઓ હોય તેને બીજા સગાંઓને ત્યાં મોકલી દેવાતી. અને રૂપાળી બહેનોને મુરતિયા નજીક ફરકવા ય ન દેવાતી.
દીકરી માની કૂખે જન્મે ત્યારે એનું ભાવિ નક્કી થઈ જતું. જો ગુલાબી હોય તો નક્કી રૂપ ખીલી ઊઠશે એટલે માબાપને હાશ થતું. હવે એને ઠેકાણે પાડવામાં તકલીફ નહીં પડે. જો શ્યામળી હોય તો નાનપણથી ઘરમાં થતી વાત સાંભળતી રહે, આનું ક્યાં ઠેકાણું પડશે! કોણ હાથ ઝાલશે?
તમને થશે આ તો ગઈકાલની વાત.
તો આજની વાત કરીએ.
ગરમ ચાનો ઘૂંટ ભરતાં મેટ્રીમોનિયલ જાહેરખબરો પર અખબારમાં નજર ફેરવો તો ઓહો! ગોરા રંગની બોલબાલા. ક્ધયા જોઈએ છે. વેલસેટલ્ડ, એમબીએ, મલ્ટીનેશનલ કંપનીમાં જોબ, ખાનદાન પરિવારના યુવકને યોગ્ય ગોરી, સ્લીમ, સંસ્કારી પરિવારની ક્ધયાના વાલીઓ સંપર્ક કરે. દહેજ નહીં. જ્ઞાતિબાધ નથી.
થોડાં વર્ષો પહેલાં તો મુરતિયાઓ ખાસ દેશી ક્ધયાઓ પરણવા ભારત આવતા. અખબારમાં જાહેરાતો તમે વાંચી જ હશે, ફલાણાભાઈ અમેરિકાથી લગ્ન માટે આવે છે, આઠ દિવસ માટે. ક્ધયાના વાલીઓ મામા/કાકા/ફોઈનો ફલાણા નં. પર સંપર્ક કરે. ત્યારે અમેરિકા સહુને સ્વર્ગ લાગતું. ક્ધયાઓને પણ. સગાઓ અનેક અરજીમાંથી વીણીચૂણી દસેક ક્ધયા પસંદ કરતા અને મુરતિયા આવે ત્યારે દસેયને લાઈનબંધ બેસાડતા. આવી કતારબંધ છોકરીઓનું દૃશ્ય મેં સગી આંખે જોયું છે. એમાંય ફેમિલી ફ્રેન્ડ દીકરી એ કતારમાં હતી અને મલકાતી જોતાં હું સ્તબ્ધ થઈ ગઈ હતી.
ભરતી પછી ઓટ. છોકરીઓનો અમેરિકાનો મોહ છૂટી ગયો. ત્યાં જઈ ઘરકામ, નોકરીની ઘંટી સતત ફરતી રહેતી. ઘણા યુવાનોને ગોરી યુવતીઓ ગર્લફ્રેન્ડ/વાઈફ હતી અને ઘરકામ માટે દેશની છોકરીઓ જોઈતી હતી. એવી ઘણી વાતો બહાર આવવા લાગી. શિક્ષણનો વ્યાપ વધ્યો. યુવતીઓ પોતે જોબ કરતી થઈ. મહાનગરોમાં પેઈંગ ગેસ્ટ તરીકે એકલી રહેતી, જોબ કરતી, ભણતી યુવતીઓની હવે નવાઈ નથી.
પણ ગોરા રંગનું રાજ્ય યથાવત્.
જીવનમાં સફળ કેમ થશો વ. પ્રકારના સુખી જીવનની ચાવીઓ જેવાં વકતવ્યો/પુસ્તકોથી બજાર ઉભરાય છે. એનાં સેમિનારોમાં રજિસ્ટ્રેશનનાં પૈસા ભરી લોકો હાજરી આપી ગળચટ્ટી શિખામણો ગ્રહણ કરે છે. તેનાં એક સર્વેનું તારણ હતું, જેનો મુખ્ય મુદ્દો હતો રૂપાળા અને સુંદર દેખાવથી નોકરીઓમાં, સામાજિક સંબંધોમાં ઘણો ફાયદો થાય છે.
આવી માન્યતાઓ લોકોના મન પર જાદુ કરે છે. જાણે વશીકરણ મંત્ર. પછી એનો ફાયદો જાહેરખબરવાળા કેમ ન ઉઠાવે. અને ક્રીમ લોશનોનો અબજોનો ધીખતો વેપાર આ માન્યતા પર છે. બ્યુટી પાર્લર્સમાં વેઈટિંગ લિસ્ટ હોય છે. અખબારો, મોટા આંખમાં વાગે એવાં હોર્ડિંગ્સ, અને છેક ડ્રોઈંગરૂમમાં આવી સંમોહિત કરતી જાહેરખબરોમાં ગોરી ગોરી મોડેલો/એક્ટ્રેસો સાબુ સ્નાનથી પળમાં ગોરી થઈ જતી જોઈને એ સાબુની કંપની માલામાલ. જ્યારે દીપિકા સ્વયં ક્રીમ ચહેરા પર લગાડે અને કહે કે ઈન્સન્ટ ગ્લો આવી જશે તો કોણ ન માને!
જાહેરખબરો પ્રોડક્ટ નથી વેચતી, સપનાઓ વેચે છે.
દ્રૌપદીનું એક નામ શ્યામા હતું. એ ગોપીઓ, રાધા કે રુક્મિણી જેવી રૂપાળી નહોતી છતાં એ એકમાત્ર સ્ત્રી હતી જે કૃષ્ણની સખા, મિત્ર હતી. બરોબરીની. બીજા બધાં ચરણોમાં સમર્પિત.
કૃષ્ણની સામે ટટ્ટાર ઊભી રહી શકતી સ્ત્રી. પાંચ પાંચ પ્રતાપી પતિઓને સંભાળી શકતી સ્ત્રી. ભરી સભામાં ઊભા રહી સમર્થ વડીલોને વેધક પ્રશ્ર્નો પૂછી શકતી એક આત્મવિશ્ર્વાસથી ભરપૂર બુદ્ધિશાળી સ્ત્રી હતી.
અને એ શ્યામ હતી.
અને આ પૂર્વગ્રહો માત્ર ભારતમાં જ છે એવું માનવાની જરૂર નથી. સમગ્ર વિશ્ર્વમાં ગોરી ચામડીનો મોહ અજબ છે. માત્ર શ્ર્વેતરંગી ત્વચાને લીધે ગોરાઓએ કેટલી કાળી પ્રજાઓ પર અત્યાચાર કર્યા! રાજ કર્યું. માત્ર કાળી ત્વચાને લીધે હબસીઓ પર ભયાનક અત્યાચાર થયા. હિટલરે સુધ્ધાં આર્યન લોહી જાળવી રાખવા અત્યંત નિઘૃણ માનવસંહાર કર્યો.
સદીઓ બદલાય છે. સમાજ બદલાતો નથી. વિચારોના ઊંડા મૂળ ઘાલેલા હોય છે. વિજ્ઞાને હરણફાળ ભરી, નવી નવી ટેક્નોલોજીએ દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવ્યું. જીવન રેસના ઘોડાનાં વેગ કરતાં ય વધુ તીવ્ર વેગથી દોડી રહ્યું છે.
અત્યારે મનુષ્યને બે વસ્તુની ખૂબ જરૂર છે. મસ્તિક અને હૃદય. બુદ્ધિ અને પ્રેમ. બન્નેનું કોમ્બિનેશન. મનુષ્ય માત્ર પ્રત્યે મમતા, પ્રેમ પછી ચામડીનો રંગ ગમે તે હોય.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સફેદ ત્વચાની જ બોલબાલા. ઓડિશન લેવાય ત્યારે ત્વચાનો રંગ ખાસ ધ્યાનમાં લેવાય. માત્ર નમણી ન ચાલે. ગોરી એટલે ગોરી. ધેટ્સ ઈટ. ટી.વી. સિરીયલોની બધી જ નાયિકાઓ, સ્ત્રીઓ ઊજળી, ચાંદનીમાં નહાઈ હોય એવી. શ્યામ રંગ હોય તો ખાસ જુદી સિરીયલ બનાવવી પડે. ઝી ટી.વી.એ ખાસ શ્યામરંગી હિરોઈન માટે ‘સાત ફેરે’ સિરીયલ શરૂ કરેલી જેમાં સલોની શ્યામરંગ માટે ચારેબાજુથી સતત નફરત અને અવહેલના પામે છે. આખરે એનું આત્મસન્માન જાગે છે અને પોતાની જાતને શોધે છે.
સ્મિતા પાટીલ શ્યામરંગી હતી. દૂરદર્શન પર ન્યૂઝરીડર હતી તે ઉપરથી શ્યામ બેનેગલે તેને ફિલ્મો માટે પસંદ કરી પણ એની પર હંમેશાં આર્ટ ફિલ્મની હિરોઈનનું લેબલ લાગી રહ્યું. કોમર્શિયલ ફિલ્મો ટેલન્ટને લીધે મળી પણ મુખ્યત્વે આર્ટ ફિલ્મની નાયિકા.
જ્યારે પુરુષ નાયકો માટે ત્વચાનો રંગ કદી મહત્ત્વનો ન રહ્યો. કોઈ પણ સુપરસ્ટાર લો, ગઈકાલના આજના પણ ચામડીના રંગ માટે નહીં પણ સિક્સ એબ્સ શરીર સૌષ્ઠવ માટે તેમની ખ્યાતિ પ્રસરી.
મેગન માર્કલ અને પ્રીન્સ હેરીએ લગ્ન કર્યા ત્યારે રાજઘરાણાનો ઘણી રીતે વિરોધ હતો, એ વર્જીન નહોતી, રોયલ બ્લડ નહોતું. ફિલ્મ એક્ટ્રેસ નહોતી અને શ્યામરંગી ત્વચા હતી. બાળકોની ત્વચા પણ ઘઉંવર્ણી જ થાય ને! એ તો બિલકુલ અસ્વીકાર્ય.
નંદિતા દાસ અને અન્ય શ્યામવર્ણી ત્વચાની અભિનેત્રીઓએ એ સામે ઘણી ઝુંબેશ ચલાવી પણ વ્હાઈટ કલર રુલ્સ ધ ઈન્ડસ્ટ્રી એન્ડ ધ વર્લ્ડ.
ગત વર્ષની અભિનેત્રીઓ કોઈને કોઈ રીતે સિલ્વર સ્ક્રીન સુધી તો ઘઉંવર્ણી ત્વચા છતાં પહોંચી પણ એમનાં અત્યારે વીડિયો, જાખ ધ્યાનથી જોજો. બધી રૂપાળી રાધા બની ગઈ છે.
એવું કહેવાય છે કે ત્વચાની નીચેનું મિલેનીન ત્વચાનો રંગ નક્કી કરે છે. તે મિલેનીન બદલવાનું સિરમ શોધાયું છે અને એની મોંઘીદાટ, પીડાદાયક ટ્રીટમેન્ટ પછી બધી ગોરી ગોરી થઈ ગઈ છે. પણ અભિનેતાઓ તો એ જ શ્યામ રંગ સાથે મનોરંજનની દુનિયા પર રાજ કરે છે. (ગોરી અભિનેત્રીઓથી ચારપાંચ ગણી ફી વધારે લઈને).
જ્યાં સુધી પોતાના આત્મસન્માન માટે જાગૃત થઈ પોતાની અસ્મિતાની શોધ સ્ત્રીઓ કરશે ત્યાં સુધી ધોળો રંગ લોકપ્રિય જ રહેશે, લોકોને ગમશે.
વક્તા એ છે કે આત્મસન્માન જાગે તો ય અમુક ક્ષેત્રમાંથી એ હડસેલાઈ જ જવાની છે.
પણ અસ્મિતાની શોધનો આરંભ શૈશવથી, ઘરમાંથી માતાપિતા, સ્વજનોની સહાયથી કરવાનો છે.
એ સમય આવશે કે નહીં એ કાચના ગોળામાં જોઈને ય ભાખી ન શકાય. પણ એટલું તો ખરું ઘર પૃથ્વી પરનું સ્વર્ગ છે, પણ હર ઘર સ્વર્ગ નથી અને હર સ્ત્રી અપ્સરા નથી.