ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે, દરેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચુંટણીપ્રચાર માટે ગામે ગામ ફરી રહ્યા છે. ગામના ચોકમાં ચૂંટણીની ચર્ચાઓ જામી રહી છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં ચૂંટણી માહોલ એકદમ શાંત છે. મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા સજનપુર નામના ગામમાં કોઈ નેતા કે કાર્યકર્તા ફરકતા નથી. કારણ એવું છે કે સજનપુર એ એક એવું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ રાજ્ય હેઠળ છે.
સજનપુરના પડોશના ગામ ટીમલા ગામ ચુંટણીનો ધમધમાટ છે નેતાઓની આવન જાવન થઇ રહી છે ત્યારે સજનપુર ગામમાં માહોલ શાંત છે. ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે. અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગામમાં 1,200 લોકોની વસ્તી છે. જયારે એમપીમાં ચૂંટણી હોય છે, ત્યારે ગુજરાતમાં આવેલા આ ગામમાં ચૂંટણી પ્રચાર થાય છે.
સજનપુરના ભૂતપૂર્વ સરપંચે જણાવ્યું કે, ‘અમારું ગામ ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે પરંતુ વહીવટી રીતે તે એમપી હેઠળ છે. એટલે ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ અમારા ગામની મુલાકાત લે છે, ચૂંટણી વખતે પણ નહીં. અમારા રાજ્યમાં પહોંચવા માટે અમારે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.’
સજનપુર ગુજરાત સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલા એમપીના અલીરાજપુર જિલ્લાના વહીવટી ક્ષેત્ર હેઠળ આવે છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. રાજ્યના મુખ્ય ભાગથી ભૌગોલિક રીતે કપાયેલું હોવા છતાં સજનપુરના રહેવાસીઓને એમપી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. ગામલોકો કહે છે કે સરકાર તેમની સારી રીતે દેખભાળ રાખે છે.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, ‘અમે ઘરે ગુજરાતી બોલીએ છીએ જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સજનપુર નજીકના ગુજરાતના ગામો સાથે સારા સંબંધો ધરાવે છે. લોકો સામાજિક અને રાજકીય મુદ્દાઓ વિષે ચર્ચાઓ પણ કરતા રહે છે.
ઘર ગુજરાતમાં મત મધ્યપ્રદેશમાં, જાણો બોર્ડર પર આવેલા આ અનોખા ગામ વિષે
RELATED ARTICLES