કેન્વાસ -અભિમન્યુ મોદી
રંગો સુંદર હોય છે. ભારત પચરંગી દેશ છે. સૌથી વધુ રંગો ભારતમાં જોવા મળે. સહેજ લાઉડ લાગી શકે પણ આપણા દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિમાં રંગોનો મોટો ફાળો છે. બ્લ્યુ અડધી દુનિયાનો ફેવરિટ કલર છે. આ દેશની અનઓફિશિયલ રાષ્ટ્રીય રમત ક્રિકેટની ટીમના યુનિફોર્મનો કલર બ્લ્યુ છે. સિનેમા કલરફૂલ થઈ જાય તેવી ટેકનોલોજીની સૌથી વધુ રાહ ભારતે જોઈ હશે. વેસ્ટર્ન કે અમેરિકન સિનેમા એવા પ્રકારનું હતું કે એને બહુ રંગોની પડી ન હતી. પણ આપણે ત્યાં કલર ટીવી, કલર સિનેમા વગેરેની રાહ આતુરતાપૂર્વક જોવાઈ રહી હતી. માટે જ મુગલે આઝમ જેવી ક્લાસિક ફિલ્મો મોટા ખર્ચે કલરફૂલ બનાવવામાં આવી. પાકીઝાને પણ રંગવામાં આવી. હોલીવુડે પણ રંગોનો ઉપયોગ કર્યો છે. થોડો મોડો તો મોડો. પણ હોલીવુડમાં પણ એકદમ પચરંગી ફિલ્મો આવી છે. જે જોઈને એવું લાગે કે આ વિદેશી અભિનેતાઓ અને કલાકારો હોળી – ધુળેટી ઉપર ભારતમાં આવે તો તેમને રંગેથી રમવું ગમે તો ખરું.
રંગો ભારતની દેન છે એવું કહેવામાં કઇ ખોટું ખરું? ભારત જેટલા રંગો ક્યાં જોવા મળે? એક સમયે અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન પણ ભારતમાં ધુળેટી રમ્યા છે. અવધમાં હોલી ખેલે રઘુવીરા છે તો ફોરેનરો પણ હોળી રમે છે. આંખોને ઠંડક આપતો તહેવાર છે. હોળી ઉપર ગીતો અને ફિલ્મોની આપણે ત્યાં ભરમાર છે. પણ હોલીવુડમાં ધુળેટી સ્પેશિયલ કઈ નથી કારણ કે ત્યાંની સંસ્કૃતિમાં ધુળેટી નથી, પરંતુ રંગો વિના માણસોને નથી ચાલતું. સિનેમાને પણ રંગની જરૂર પડે છે. માટે ફક્ત હોલીવુડમાં જ નહિ પણ વર્લ્ડ સિનેમામાં અમુક કલરફૂલ બની છે. એવી ફિલ્મો કે જેનાં દ્રશ્યો રંગબેરંગી હોય, જેની દ્રશ્યાવલીના રંગો આપણને અભિભૂત કરી દે અને આંખોના રંગ પારખતાં કોષોને સંતૃપ્તિ થાય. તો જે ફિલ્મોની રંગવિભાવના આપણને દિગ્મૂઢ કરી નાખે તેવી અમુક ફિલ્મોની વાત કરવી છે.
વાત જો રંગની હોય તો સૌથી પહેલા ‘અવતાર’ યાદ આવે. જેમ્સ કેમેરોનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ અવતાર. જેના બીજા ભાગો હવે આવી રહ્યા છે તે અવતાર. તેના નાવી કહેવાતા દસ ફૂટિયા માણસો. ભૂરી ચામડી અને ચળકતી ચામડી. લીલાછમ જંગલોમાં રહેતા તે નીલવર્ણ માણસો. તેનાં જંગલોમાં રહેલી વનસ્પતિ પણ અંધારામાં સ્વયંપ્રકાશિત હોય. અવતારમાં જે ઊડતા ડ્રેગન જેવા પ્રાણીઓ બતાવ્યા છે તે પણ એકદમ કલરફૂલ. વળી અવતાર થ્રી-ડીમાં આવ્યું હતું તો અવતારના રંગો તો ઊડીને આંખે વળગ્યા છે.
અવતાર હિન્દી શબ્દ છે. હિન્દી એક્ટર હોય એવી એક ઈંગ્લીશ ફિલ્મ- લાઈફ ઓફ પાઈ. દરિયાકિનારે અધવચ્ચે એક નાવડીમાં ફસાઈ ગયેલો ટીનેજર છોકરો. જેની નાવડીમાં હવે એક વાઘ છે. તે બંને કોઈ રીતે સર્વાઈવ થાય છે. લાઈફ ઓફ પાઈમાં ઈન્ટરવલ પછી એક જબરદસ્ત દ્રશ્ય આવે છે. તે દ્રશ્ય ખૂબ જ કલરફૂલ છે. આકાશમાં તારાઓ દેખાય છે અને દરિયામાં જુદા જુદા રંગોનાં વમળો ઊમટે છે. આ અદભુત કુદરતી નજારો પાઈ જોયે જ રાખે છે. મંત્રમુગ્ધ કરી દે તેવાં દ્રશ્યો ધરાવતી આ સિક્વન્સ ખૂબ રંગીન છે.
થ્રી કલર ટ્રાયોલોજી. ત્રણ પોલિટિકલ ફિલ્મોને સંયુક્ત રીતે થ્રી કલર ટ્રાયોલોજી કહે છે. ફ્રાન્સની ફિલ્મ છે. પોલિટિકલ કરતા પણ સોશિયો-સાયકોલોજીકલ ડ્રામા છે. બ્લ્યુ, વ્હાઈટ અને રેડ- આ ત્રણ થીમ અને એ થીમ ઉપરથી જ ત્રણેય ભાગનાં નામો. બ્લ્યુ, વ્હાઈટ અને રેડ જ કેમ? કારણ કે ફ્રાન્સના રાષ્ટ્રધ્વજમાં આ ત્રણ રંગો છે. ફ્રાન્સના ગણતંત્રનો મુદ્રાલેખ છે- સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો. ત્રણેય ફિલ્મના અંતમાં તેનું મુખ્ય પાત્ર રડતું હોય છે. ત્રણેય ફિલ્મમાં જે-તે રંગ પ્રમુખ રીતે દેખાય. આ ફિલ્મ ઓસ્કારની અમુક કેટેગરીમાં નોમિનેટ પણ થઇ હતી.
લીજેન્ડરી એક્ટર મેરિલ સ્ટ્રીપની એક એપિક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ આવેલી- આઉટ ઓફ આફ્રિકા. સાત સાત ઓસ્કાર આ ફિલ્મે જીત્યા હતા. બેસ્ટ મૂવી અને બેસ્ટ ડિરેક્ટરનો એકેડેમી ઍવોર્ડ આ ફિલ્મને મળેલો. ડેનીશ લેખક કેરન બ્લિક્શેનની બુક ઉપરથી આ સુંદર ઈમોશનલ ફિલ્મ બની હતી. વિશ્ર્વયુદ્ધનો સમયગાળો. આફ્રિકા ઉપર બ્રિટનનું રાજ. કેન્યાની વાત. કેન્યાના લેન્ડસ્કેપ દ્રશ્યો. દૂર દૂર સુધી દેખાતાં ખેતરો અને હરિયાળી. કેસરી આકાશમાં ઊડતા ફાઈટર પ્લેન. કોફીનું વાવેતર અને ઝરણાં-નદી. બધે જ કુદરતના રંગો જોવા મળે. એ જમાનો એવો હતો કે ઈલેક્ટ્રિસીટી આવતી જતી રહેતી. માટે ફાનસ અને મીણબત્તીનો પીળો પ્રકાશ, એ પીળા પ્રકાશમાં દેખાતાં પાત્રો અને તેના ઈમોશનના પડછાયા, પ્લેન શીખતી મેરિલ સ્ટ્રીપનું દ્રશ્ય, ભૂખરા પહાડોમાંથી પડતો પાણીનો ધોધ, સફેદ પક્ષીઓના ઝુંડ, બ્લ્યુ આકાશમાં સફેદ વાદળાં, આફ્રિકાના નાગરિકો અને બ્રિટિશ માણસો-આંખો સાથે મનને પણ રંગીન કરી દે એવી સુંદર મજાની ફિલ્મ.
‘ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ’- વેસ એન્ડરસનની આ અદભુત અદભુત ફિલ્મ. ફિલ્મની વાર્તા, તેનાં પાત્રો અને ડિરેક્શનની ક્રિએટીવીટી તો સોળે કળાએ ખીલી જ છે પણ આ ફિલ્મની સિનેમેટોગ્રાફી તેના વિઝ્યુઅલ્સને કારણે વખાણાઈ છે. ગુલાબી રંગનો જબરદસ્ત ઉપયોગ. આ ફિલ્મમાં દેખાતી લિફ્ટનો રંગ ઘાટો લાલ, હોટેલના વેઈટરોના યુનિફોર્મનો રંગ ડાર્ક પર્પલ. લાલ જાજમ, રૂમની અંદરની દીવાલોનો રંગ આછો પીળોથી ક્રીમ, જે મહિલાનું મર્ડર થાય છે એનું કોફીન રંગીન અને એની ઉપર રંગીન ફૂલો, ફિલ્મમાં ખૂન થાય પછી બધાના કપડા થઇ જાય કાળા, હોટેલ જે પહાડીઓમાં આવી છે તે સફેદ બરફથી આચ્છાદિત, બધું જ કલરફૂલ…દર્શકની આંખોને બત્રીસ પકવાન મળ્યા હોય એવી અતિસુંદર અને રંગીન ફિલ્મ. આ ફિલ્મો સિવાયની નિયોન ડેમન, જાપાનીઝ ફિલ્મ સર્વાઈવ સ્ટાઈલ ફાઈવ પ્લસ, ધ ફોલ અને બીજી ઘણી ફિલ્મો વર્લ્ડ સિનેમામાં છે જેમાં રંગોની મિજબાની દર્શકને મળે છે. રંગો તો આત્માની લક્ઝરી છે. ધુળેટી રંગદેવનો તહેવાર છે. સિનેમાના સફેદ પડદા ઉપર રંગોનું સામ્રાજ્ય પથરાય તે માણવાનો આનંદ ફક્ત મનુષ્ય જાણે છે, બીજા જીવો નહિ. આપણે નસીબદાર છીએ, નહિ?