Homeધર્મતેજજો મન,વચન અને કર્મથી કોઈનો દ્રોહ નહીં કરીએ તો હોળી પોતે જ...

જો મન,વચન અને કર્મથી કોઈનો દ્રોહ નહીં કરીએ તો હોળી પોતે જ ‘હોલી’ છે

માનસ મંથન -મોરારિબાપુ

અમારે રાજકોટના એક યુવાનને મોબાઈલની દુકાન ચાલુ કરવી હતી. મને કહે બાપુ મુહૂર્ત તમે આપો. મેં કહ્યુંં ભાઈ હું મુહૂર્ત આપનારો માણસ નથી. તો કહે નહીં, તમે જે દિવસ કહો ત્યારે મારે દુકાનનું ઉદ્ઘાટન કરવું છે. મેં કહ્યું મને પૂછ્યું છે તો જરા મુશ્કેલ લાગે તેવી વાત કરીશ. કહે બાપુ, તમે જે કહો તે. મેં કહ્યું હોળીને દિવસે ઉદ્ઘાટન રાખ. એણે ખૂબ સરસ કાર્ડ છપાવ્યું કે મારી દુકાનનું ઉદ્ઘાટન હોળીને દિવસે ! બાપ, હોળી બહુ પ્યારો દિવસ છે. શુભ કાર્યો હોળીને દિવસે કરો. મારું માનો તો તમારાં શુભ કાર્યો હોળીને દિવસે કરો. કારણ કે હોળી તો પોતાનામાં જ ‘હોલી’ છે. પણ મનથી કોઈનો દ્રોહ ન કરો. તમને બળ બહુ મળશે. તમે જલ્દીથી ભક્તિમાં સફળ થશો.
આજે તો સંસારમાં માનસિક ચિત્તદિશા એવી થઈ ગઈ છે કે કોઈ કોઈને માટે કહે કે ફલાણો માણસ બહુ સજ્જન છે, તો આપણા મનમાં તરત જ થશે કે તમારો કોઈ સગો હશે. એવું લાગે છે, સારો છે, એની ખાતરી શી ? પણ કોઈ આપણને કહે કે ફલાણો માણસ ખરાબ છે, તો વિના વિચારે આપણે કહીએ કે હા, એ તો અમને પહેલેથી ખબર છે. આપણને એ જન્મ્યા ત્યારથી ખબર છે. તને જન્મ્યો ત્યારથી ખબર છે ? મૂર્ખા ! તું આ જ ધંધો કરે છે ? તારી પ્રવૃત્તિ જ આ છે. અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, કર્મણા-માનવીનું માનસિક સ્તર કેટલું નીચે છે તેનું આ પ્રમાણ છે. એટલે મેં ગઈ કાલે કહ્યું કે નિદ્રાવાળો સારો, તંદ્રાવાળો ખરાબ. નિદ્રાવાળો સારો, ક્ષમાને પાત્ર કે બિચારો સૂઈ ગયો છે, પણ તંદ્રાવાળો ખરાબ છે. અદ્રોહ: સર્વ ભૂતેષુ…પ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો. વનસ્પતિમાં પણ જીવ છે, એથી કોઈનો દ્રોહ ન કરવો.
ભારતીયોનું આ સંશોધન છે કે પત્થરમાંયે અતિ સૂક્ષ્મ પ્રમાણમાં ક્યાંક જીવ પડ્યો છે. અને દસ-વીસ વર્ષોમાં એવી શોધ થાય કે પત્થર સાથે મીટર બાંધી એના હૃદયના ધબકારા નોંધવામાં આવે. એ પત્થર પર કોઈ જલ ચઢાવતું હોય, ચંદન ચઢાવતું હોય, ત્યારે મીટર કંઈ જુદું બતાવતું હશે અને કારણ વગર કોઈ ઘણ મારતું હશે, ત્યારે એ મીટર કંઈક જુદું બતાવતું હશે. બનવા જોગ છે. એનામાં ચેતન તત્ત્વ ન હોત તો બે પત્થરો ઘસતાં એમાંથી ચકમક નહિ ઝરતે, એમાંથી આગ ઉત્પન્ન નહિ થાત અને અગ્નિ ચેતન તત્ત્વ છે. ભલે એને પ્રકૃતિમાં જડ તત્ત્વ તરીકે ગણ્યું છે. પણ એ કંઈક પ્રકાશ કરે છે, એનો ચમકારો થાય છે, એમાંથી તણખો ઝરે છે. ચેતનતાના ગુણો એમાંથી મળે છે. વૃક્ષમાં તો લાગણી તત્ત્વ છે એવું અમેરિકામાં સંશોધન થયું જ છે. વૃક્ષને પાણી પાઓ તો એની પ્રસન્નતા મીટરમાં દેખાય, એનાં પાન વગર કારણે તોડો કે એને કુઠારાઘાત કરો તો એ નારાજ થાય છે, એવાં પ્રમાણો વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યા છે. કોઈનામાં ચેતના અતિ સૂક્ષ્મ છે, તો માનવ ભાગ્યશાળી છે કે ચેતના એનામાં પ્રગટ થાય છે. કોઈનો પણ દ્રોહ ન કરો. આ દેશ દરેક પત્થરને શાલિગ્રામ કહેતો રહ્યો. કંકરને શંકર ગણ્યા છે. બધા જ પત્થરને કંઈ પૂજવાની વાત નથી, શિવતત્ત્વ છુપાયેલું છે. હરેક કંકર શંકર છે, શિલા શાલિગ્રામ છે. હિંદુઓ ઘણા બુદ્ધિમાં છે. એમનાં આચાર્યો, અન્વેષકો અદ્દ્ભુત, એમનું અકાટ્ય દર્શન છે, જે સમાજને આપ્યું છે. એવું દર્શન આપનાર સમાજને કોમવાદી કહેવો એ અપરાધ છે. હશે કોઈ જડ વાતો કરે, એ વાત જુદી છે, પણ ભારતીય સભ્યતા છે, હિંદુસ્તાની છે, આત્મદર્શન છે. એને મૂળમાં તમે જુઓ. ઉપર ઉપરથી ન જુઓ. સકલ જડ ચેતનમાં પ્રભુ છે. આ બધું રામમય છે. કંઈ ન હોય, પણ પત્થર પર સિંદૂર લગાડી દો તો માણસો પગે લગતા થઈ જાય ! પછી ભયથી કે ગમે તે રીતે, પણ એને એમાં પ્રાણતત્ત્વ દેખાવા માંડે ! અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, કર્મણા, ગિરા-મન, કર્મથી કોઈનો દ્રોહ ન કરો તો તમે શીલવાન છો. એવા શીલવંત સાધુને પાનબાઈ, વારેવારે નમીએ ને, બદલે નહિ વ્રતમાન રે… ‘શીલ ન કસ અસ હોહિ ’ તો શીલની એવી વ્યાખ્યા છે, અદ્રોહ: સર્વભૂતેષુ મનસા, વચસા, ગિરા-મનથી પણ કોઈનો દ્રોહ થાય એવું વિચારવું નહિ; કર્મથી કોઈને ચોટ લાગે એવું વર્તન કરવું નહીં અને વાણીથી પણ કોઈનો દ્રોહ થાય એવું વચન ઉચ્ચારવું નહીં.
એક ફૂલ, એને તમે આમ મસળી નાખો ચૂંટીને, તો જોનારને પણ નહિ ગમે, તમને પણ નહિ ગમે અને ફૂલને શું થતું હશે એ તો ફૂલ જાણે ! ફૂલને આમ ચગદી નાખો તો ફૂલનું શું થતું હશે ? એક સુમનને ચગદવાનું આટલું પાપ લાગે તો માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ? કોઈના મનને મુરઝાવી નાખવાનું કેટલું પાપ થાય ? કોઈના મનની હત્યા કરવાનું કેટલું પાપ લાગે ? અને તેથી સત્સંગ કરનારાઓએ મનના વિચારો પણ એવા નહિ કરવા કે કોઈનું મન દુ:ખી થાય; એવી પ્રવૃત્તિ નહિ કરવી, એવું વર્તન નહિ કરવું કે કોઈનો દ્રોહ થાય.
મારાં ભાઈ-બહેનો, આજના દિવસે હોલિકાને સળગાવી દેવાની યોજના થઇ હતી. આજે હોળી છે. આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને હેપી હોળી. આજના દિવસનો અર્થ છે, કચરો બળી જાય અને સાચું નીકળે. અને બીજે દિવસે પછી રંગ ધુળેટી, એ તો ભક્તિ બચી અને આસક્તિ બળી ગઈ એનો ઉત્સવ શરૂ થયો. આ હોળી આવે છે, તો બહુ પાણી બગાડતાં નહીં, કેમિકલ્સવાળા રંગ એકબીજાની આંખમાં નાખતા નહીં. અરસપરસના દિલના ભાવથી હોળી ખેલજો. અને શેનું દહન કરવાનું છે ?
હું પ્રાર્થના કરું છું સૌ ભાઈ-બહેનોને કે, ‘કોઈ બુદ્ધપુરુષ મળી જાય અને મોકો મળે તો એમની પાસે બેસી રહેવું, બોલબોલ ન કરવું. એમની આંખોની ઝલક મળી જાય અને ખભે હાથ મૂકીને એ કયારેક ખબર પૂછી લે કે, કેમ છે ?’ તો સમજવું કે તમારા હાથમાં મોક્ષ દઈ રહ્યા છે. ત્યાં બેસવું જ પૂરતું છે. એક ભીતરી હવન-યજ્ઞ શરૂ થઈ જાય અને કેટલાં સમિધ એમાં બળી જાય ! મારા તુલસીએ ‘માનસ’ માં સપ્તસમિધની ચર્ચા કરી છે. હું જયારે દાદાજીનાં ચરણોમાં બેસીને ‘રામાયણ’ શીખતો હતો, ત્યારની વાત છે. દિવાળીનો સમય આવ્યો, નાનકડું મકાન હતું, વચ્ચે એક ભીંત હતી. મા એને વ્હાઇટવોશ કરતી હતી, ત્યારે મેં દાદાજીને કહ્યું કે મારી ઈચ્છા છે કે, એ ભીંત પર ‘રામાયણ’ની કોઈ ચોપાઈ લખું. તો, દાદાજીએ મને કહ્યું કે, ‘બેટા, સપ્તસમિધવાળી વાત લખ.’ સાતસમિધનાં નામ આ પ્રમાણે લખાયાં છે-
ઇૂંક્ષઠ ઇૂંટફઇં ઇૂંખળરુબ ઇંરુબ ઇંક્ષચ ર્ડૈધ ક્ષળર્રૈજ
ડવણ ફળપ ઉૂંણ ઉૃં઼ળપ રુઘરુપ ર્ઇૈઢણ અણબ ન્નફર્ખૈજ॥
આપણાં શાસ્ત્રોમાં સપ્તસમિધની વ્યવસ્થા છે. તુલસીજી કહે છે, તમારે ભીતરી યજ્ઞ કરવો હોય તો એમાં સાત સમિધ હોમાઈ જશે. કુપંથ; આપણને કોઈ મંગલમૂર્તિ મળી જાય તો પહેલાં કુપંથ આહૂત થઈ જશે. મનમાં આપોઆપ વિચાર આવે કે, હું આ બાદશાહ પાસે બેઠો છું, હવે મારા કુપંથ છૂટી જવા જોઈએ. એ તો કંઈ નહીં બોલે, પરંતુ એણે મને જોઈ લીધો છે ! સાહેબ, બીજાને સુધારવાથી એવું પરિણામ નથી આવતું. મારું તો એક જ મિશન છે, હું કોઈને સુધારવા નીકળ્યો જ નથી, સૌને સ્વીકારવા માટે નીકળ્યો છું. સૌનો સ્વીકાર થાય. કેટલાને સુધારશો ? એકવાર એમને પ્રેમ કરો.
(સંકલન: જયદેવ માંકડ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular