Homeધર્મતેજઆધ્યાત્મિક, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ હોળી

આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ હોળી

પ્રાસંગિક -ડૉ. રાજેશ ચૌહાણ

લઈ હાથમાં ગુલાલ તું તૈયાર છે હવે!
મારો હતો એ આપણો તહેવાર છે હવે
હોળીનું ફંડ લાવશે એના ઘરેથી કોણ?
આ વાત પર યુવાઓમાં તકરાર છે હવે.
બાકી હતો જે રંગ, ઉમેરી દીધો છે તેં,
મરજી મુજબ પૂરો થયો શણગાર છે હવે.
તારા બદનના સ્પર્શને પામી ગયા છે તો,
મહેકી જવાને કેસુડાં હકદાર છે હવે.
રંગો ચઢયા પછી અને પલળી ગયા પછી,
સંયમમાં જાત રાખવી બેકાર છે હવે.
કોને ખબર છે રંગનો કે ભાંગનો નશો?
એ પાર જે હતું બધું આ પાર છે હવે.
રંગોને જોઈ આજ ફરી વહેમ તો થયો!
મારો સમય મને જ વફાદાર છે હવે.
– ભાવિન ગોપાણી
હોળી’ ઉમંગ, ઉલ્લાસ અને ખાનપાનનો તહેવાર છે. હોળીના પ્રથમ દિવસે હોલિકા દહન થાય છે તેના બીજા દિવસને ધુરડી, ધૂળેટી અથવા ધુલીવંદન’ કહે છે.
હોળીનો પ્રાચીન શબ્દ : આરંભમાં હોળી માટેનો શબ્દ હોલાકા હતું. ભારતના પૂર્વી ભાગોમાં આ શબ્દ પ્રચલિત હતો. ‘જૈમિની’ અને શબર’નું નિવેદન છે કે ‘હોલાકા’ આર્યો દ્વારા સંપાદિત હોવું જોઈએ. (જૈમિની,૧/૩/૧૫-૧૬) કાઠકગૃહ્ય’ ના એક સૂત્રમાં રાકા હોલા છે જેના ટીકાકાર ‘દેવપાલ’ છે. – હોલા’ એક કર્મ વિશેષ છે જે સ્ત્રીઓના સૌભાગ્ય માટે સંપાદિત છે. (કાઠકગૃહ્ય, ૭૩/૧) આ કૃત્યમાં ‘રાકા’ દેવતા છે. અન્ય ટીકાકારોના મતે તેની વ્યાખ્યા અન્ય રૂપોમાં કરી છે. હોલાકા ક્રીડાઓમાનું એક છે જે સમગ્ર ભારતમાં પ્રચલિત છે. તેનો ઉલ્લેખ વાતસ્યાયનના કામસૂત્ર’માં પણ છે જેનો અર્થ ટીકાકાર જયમંગલે કર્યો છે. (કામસૂત્ર૧/૪/૪૨) હેમાદ્રીએ ‘બૃહઘમ’નો એક શ્ર્લોક ઉદ્દગત કર્યો છે જેમાં હોલિકા- પૂર્ણિમા’ને હુતાશની કહ્યું છે. લિંગ પુરાણમાં ફાલ્ગુન પૂર્ણિમા ને ફાલ્ગુનિકા’ કહ્યું છે જે બાળક્રિડાથી પૂર્ણ છે જે લોકોને વિભૂતિ, એશ્વર્ય દેવાવાળી છે. (કાલ, પૃ ૬૪૨) વરાહ-પુરાણ તેને ‘પટવાસ-વિલાસિની’ કહે છે.
સમગ્ર દેશમાં ધામધુમથી હોળી મનાવવામાં આવશે. હોળી સાથે જોડાયેલ કેટલીક વાર્તા અને પ્રચલિત માન્યતા અનુસાર હિરણ્યકશિપુની બેન હોલિકાની હત્યાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. હોલિકાને આગમાં ન બળવાનું વરદાન પ્રાપ્ત હતું તેણે વિષ્ણુ ભક્ત પ્રહલાદને અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કરેલ પરંતુ હોલિકા બળી, પ્રહલાદ બચી ગયો. ત્યારથી હોળી મનાવવાની પ્રથા ચાલતી આવે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ હોળી: આધ્યાત્મિક દૃષ્ટિએ મનુષ્યની સાધના કે સાધકમાં આત્મા કે પરમાત્માનો સાક્ષાત્કાર જ ઈશ્ર્વર પ્રત્યેનો પ્રેમ જ હોળી છે. ઈશ્ર્વરના પ્રેમ રંગમાં રંગાય જવું તે તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ઉ. દા. કૃષ્ણ – રાધા, ભક્ત પ્રહલાદની ભગવાન વિષ્ણુ પ્રત્યેની સાધના.
આર્થિક દૃષ્ટિએ હોળી: ખેડૂતો પોતાનું અન્ન સૌ પ્રથમ ખેતરમાંથી લઈને હોળીની અગ્નિને અર્પણ કરે છે. સાચા અર્થમાં કહીએ તો ખેડૂતોના ઘરમાં નવું અન્ન, સુખ સમૃદ્ધિ આવવાની ખુશીમાં હોળીનો તહેવાર મનાવે છે.
સામાજિક દૃષ્ટિએ હોળી : સામાજિક દૃષ્ટિએ હોળીનો અર્થ એ સંદર્ભમાં છે કે, અગાઉના વર્ષમાં આવેલી મુશ્કેલી અને દુ:ખના દિવસો ભૂલી નવી શરૂઆત કરવી. આ વીતેલા દિવસની યાદ ન આવે તે હોળીની અગ્નિમાં બળીને ભસ્મ થાય તેના ઉમંગમાં ઉજવાતો તહેવાર.
પ્રાચીન ભારતીય ઇતિહાસમાં હોળી : ઇતિહાસકારોનું માનવું છે કે, આ પર્વ આર્યોમાં પ્રચલિત હતો. આ પર્વ પૂર્વી ભારતમાં વધુ મનાવવામાં આવતું. અનેક પ્રાચીન ધાર્મિક પુસ્તકોમાં તહેવાર વિશે લખાયું છે. જેમાં ખાસ જૈમિની’ ના પૂર્વ મીમાંસા-સૂત્ર’ અને કથા ગાહ્ય-સૂત્ર’ સંકળાયેલા છે. નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા પુરાણોની પ્રાચીન હસ્તલિપિઓ અને ગ્રંથોમાં પણ આ પર્વનો ઉલ્લેખ જોવા મળે છે. વિંધ્યક્ષેત્રના રામગઢ સ્થળ પર ઈ.પૂ. થી ૩૦૦ વર્ષ જુના એક અભિલેખમાં પણ તેનું વર્ણન છે.
વીના જોશી પોતાના એક લેખમાં લખે છે કે, પુરાણ અનુસાર હોલિકાના બળવાની ખુશીમાં લોકો એક બીજાને રંગ લગાવી ખુશીને વ્યક્ત કરે છે. માનવામાં આવે છે કે, દ્વાપરયુગમાં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાનશ્રી કૃષ્ણે બાળલીલા કરતી વખતે પૂતના નામની રાક્ષસીની હત્યા કરી હતી. આ કારણ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને માળવા અન્ય ક્ષેત્રોના લોકો હોળીકા દહન પર છાણથી બનેલ નાના – નાના ઉપલોથી બનેલ દોરડામાં માળાઓ બનાવી હોલિકા દહન પૂર્વે પૂજન કરી ચડાવે છે. અન્ય માન્યતા અનુસાર ભગવાન શિવ જયારે અખંડ સમાધિમાં હતા ત્યારે કામદેવ તેમની સમાધિ તોડવા ત્યાં ગયા તો ભગવાન શિવે પોતાની ત્રીજા નેત્રથી તેમને ભસ્મ કરી દિધા.
મધ્યકાલીન ભારતીય ઇતિહાસમાં હોળી : હિન્દી અખબાર પોતાના એક લેખમાં જણાવે છે કે, પ્રસિદ્ધ મુસ્લિમ પ્રવાસી અલ્બેરુનીએ પણ પોતાના ઐતિહાસિક યાત્રાના સંસ્મરણમાં હોલિકોત્સવનું વર્ણન કર્યું છે. સાથે જ ભારતના અનેક મુસ્લિમ કવિઓએ પોતાની રચનાઓમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે હોલિકોત્સવ’ માત્ર હિન્દુ જ નહી મુસ્લિમ લોકો પણ મનાવે છે. અકબર હરકાબાઈ સાથે તથા જહાંગીર નુરજહાં સાથે હોળી રમવાનું વર્ણન ઇતિહાસમાં આવે છે. અકબરના મહેલમાં સોના- ચાંદીના મોટા વાસણો કેસર અને કેવડાથી યુક્ત ટેસુના રંગોથી ધોવાતું ને સમ્રાટો પોતાની બેગમ અને હરમની સુંદરીઓ સાથે હોળી રમતા. અલવર સંગ્રહાલયના એક ચિત્રમાં જહાંગીરને હોળી રમતા દર્શાવ્યો છે. શાહજહાંના સમયમાં હોળી રમવાનો અંદાજ બદલાઇ ગયો. શાહજહાંના સમયમાં હોળીને ‘ઇર્દ-એ-ગુલાબી’ અથવા ‘આબ-એ-પાશી’ ( રંગોની બૌછાર) કહેવાતું. મુઘલ બાદશાહ બહાદુરશાહ જફર વિષે કહેવાતું કે તેના મંત્રીઓ તેમને રંગ લગાવવા જતા હતા. સૈયદભાઈઓમાંના એક અબ્દુલ્લાખાને વસંત અને હોળીના તહેવારમાં ભાગ લીધો હતો. બંગાળનો નવાબ સિરાજુદૌલાએ પણ એવા ઉત્સવોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત પ્રાચીન ચિત્રો, ભીતચિત્રો અને મંદિરોની દીવાલો પર આ ઉત્સવના ચિત્રો મળે છે. વિજયનગરની રાજધાની હમ્પીમાં ૧૬ સદીના એક ચિત્રફલક પર હોળીના આનંદદાયક ચિત્ર અંકારવામાં આવ્યું છે. આ ચિત્રમાં રાજકુમારો અને રાજકુમારીઓ અને દાસીઓ સહિત રંગ અને પિચકારી સાથે રાજ દંપતીને હોળીના રંગોમાં રમતા દેખાડ્યા છે. ૧૬મી સદીમાં અહમદનગરના એક ચિત્રમાં રાજપરિવારના એક દંપતીને બગીચામાં હિંચકો ખાતાં દેખાડ્યા છે જેમાં સાથે અનેક સેવિકાઓ નૃત્ય- ગીત અને રંગ રમવામાં વ્યસ્ત છે. તેઓ એક બીજા પર પીચકારીઓથી રંગ નાખે છે.
મધ્યકાલીન ભારતીય મંદિરોના ભીતચિત્રો અને આકૃતિઓમાં હોળીઓ સજીવ ચિત્ર જોવા મળે છે. ઉદાહરણ રૂપે ૧૭મી સદીમાં મેવાડની એક કલાકૃતિમાં મહારાણાને પોતાના દરબારીઓ સાથે ચિત્રિત કરવામાં આવ્યા છે. શાસક કેટલાકને ભેટ આપી રહ્યા છે. નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી છે. બધા વચ્ચે રંગનું એક કુંડ રાખેલ છે. બુંદીથી પ્રાપ્ત લઘુચિત્રમાં રાજાને હાથીદાંતના સિંહાસન પર બેઠેલ બતાવ્યા છે જેમાં ગાલ પર સ્ત્રીઓ ગુલાલ લગાવી રહી છે
આધુનિક ઈતિહાસમાં હોળીનું આધુનિક સ્વરૂપ: હોળી એ રંગોનો તહેવાર છે, હાસ્ય અને ખુશીનો તહેવાર છે, પરંતુ આજે હોળીમાં કુદરતી રંગોની જગ્યાએ રાસાયણિક રંગોનો ઉપયોગ, ઠંડી અને ઠંડીની જગ્યાએ નશો, લોકસંગીતની જગ્યાએ ફિલ્મી ગીતોનો ઉપયોગ તેના કેટલાક આધુનિક સ્વરૂપો છે. પહેલાના સમયમાં લોકો ટેસુ અને કુદરતી રંગોથી હોળી રમતા હતા. હાલમાં વધુ ને વધુ પૈસા કમાવવાની હોડમાં લોકોએ કેમિકલયુક્ત રંગોથી બજાર ભરી દીધું છે. હકીકતમાં રાસાયણિક રંગો આપણી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ કેમિકલ કલર્સમાં વ્હાઈટવોશ, વાર્નિશ, પેઇન્ટ, ગ્રીસ, કોલ ટાર વગેરે મિશ્રિત હોવાથી ખંજવાળ અને એલર્જીની શક્યતા વધી જાય છે, તેથી હોળી રમતા પહેલા આપણે ઘણી સાવચેતી રાખવી જોઈએ. આપણે ચંદન, ગુલાબજળ, ટેસુના ફૂલોથી હોળી રમવાની અને કુદરતી રંગોથી હોળી રમવાની પરંપરા જાળવીને કુદરતી રંગો તરફ પાછા ફરવું જોઈએ.
લોકોને હોળીમાં ન તો પ્રેમ છે, ન તો લોકો પ્રત્યે માન-સન્માન, પરંપરાગત પ્રણાલીનો લોપ, પ્રેમ ભર્યા તહેવારને વિકૃત બનાવી દીધો છે. હોળીના તહેવારને ઢાલ બનાવવા પોતાની સંસ્કૃતિ, મૂલ્યો, પરંપરાનું અપમાન બરાબર છે.
સાહિત્ય અને સંગીતમાં હોળી: પ્રાચીન કાળના સંસ્કૃત સાહિત્યમાં હોળીના અનેક રૂપ છે, જેમાં શ્રીમદ્દભાગવત મહાપુરાણમાં હોળીના રસનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય રચનાઓમાં રંગ નામના ઉત્સવનું વર્ણન છે. ભક્તિકાળ અને રીતિકાળના હિન્દી સાહિત્યમાં હોળી અને ફાલ્ગુન મહિનાનું વિશિષ્ટ વર્ણન છે તેમજ હિન્દી સાહિત્યમાં કૃષ્ણ લીલાઓ હોળીનું વિશેષ વર્ણન છે. જાગરણના લેખ અનુસાર આદિકવિ વિદ્યાપતિથી લઈને ભક્તિકાલીન સુરદાસ, રહીમ, રસખાન, પદ્માકર, જાયસી, મીરાબાઈ, કબીર અને રીતિકાલીન બિહારી, કેશવ, ઘનાનંદ વગેરે અનેક કવિઓને આ વિષય પ્રિય રહ્યો છે. મહાકવિ સુરદાસે વસંત અને હોળી પર ૭૮ પદો લખ્યા છે. પદ્માકારે હોળી વિષયક પ્રચુર રચનાઓ લખી. સુફી સંત હજરત નિજામુદ્દીન ઔલિયા, અમીર ખુશરો અને બહાદુરશાહ જફર જેવા કવિઓ પણ હોળી પર સુંદર રચનાઓ લખી છે જે આજે પણ સામાન્ય લોકોમાં પ્રિય છે. હિંદી કહાનીઓમાં પ્રેમચંદની, રાજા હરદોલ, પ્રભુ જોશીની અલગ અલગ તીલીયા, તેજેન્દ્ર શર્માની ‘એક બાર ફિર હોલી’, ઓમ પ્રકાશ અવસ્થીની ‘હોળી મંગલમય હો’ તથા સ્વદેશ રાણાની હોળીમાં અલગ અલગ રૂપો જોવા મળે છે.
વસંત રાગિની – કોટા શૈલી રાગમાલા શ્રુંખલાનું એક લઘુચિત્ર, ભારતીય શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક તથા ફિલ્મ સંગીતની પરંપરાઓમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રીય સંગીતમાં ધમારને હોળી સાથે સંબંધ છે. પરંતુ તેના ધ્રુપદ, ધમાર, નાના અને મોટા ખ્યાલ અને ઠુમરીમાં પણ હોળીનાં ગીતોમાં સૌંદર્ય જોવા મળે છે. કથક નૃત્ય સાથે હોળી, ઘમાર અને ઠુમરી પર પ્રસ્તુત કરવામાં આવતી સુંદર પ્રાર્થના જેમ કે ‘ચલો ગુઈયા આજ ખેલે હોરી ક્ધહૈયા ઘર’ આજે પણ લોકપ્રિય છે. ધ્રુપદમાં ગવાતું લોકપ્રિય ખેલત હોલી સંગ સકલ, રંગ ભરી હોરી સખી’ ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાક રાગ પણ એવા છે જેમાં હોળીના ગીત વિશેષ છે. જેમ વસંત, બહાર, હિંડોલ અને કાફી એવા રાગો છે. ઉપશાસ્ત્રીય સંગીતમાં ચૈતી, દાદરા અને ઠુમરીમાં અનેક પ્રસિદ્ધ ગીતો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular