હિટલર બીવીઃ આપેલી યાતનાનો બદલો લેવા ઉંઘતા પતિની હત્યા કરી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

પતિ પત્નીને ત્રાસ આપે, મારે કે મોતને ઘાટ ઉતારે એવી ઘટના આપણે ઘણી સાંભળી છે, પણ વડોદરાના છાણી વિસ્તારમાં અજબ ઘટના બની છે. અહી એક પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. રોજ તેની સાથે ઝઘડતો હતો અને પીટતો પણ ખરો. પત્ની પતિના આવા સ્વભાવથી તંગ આવી ગઇ હતી. કંટાળીને 27 વર્ષની પત્નીએ તેના 42 વર્ષના પતિની હત્યા કરી નાખી હતી.
બનાવની વિગત મુજબ નવીનભાઇ તેમની પત્ની રંજન અને 8 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રી સાથે વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા હતા. રવિવારે રાત્રે તેઓ ઘરમાં ઉંઘી ગયા હતા અને પત્ની પણ બીજા રૂમમાં બાળકો પાસે આવીને સૂઇ ગઇ હતી. સવારે રંજનબેન પતિને જગાડવા ગયા હતા અને ગભરાઇને બૂમાબૂમ કરવા માંડ્યા હતા. અવાજ સાંભળીને બાજુના મકાનમાં રહેતા નવીનભાઇના પિતાજી દોડી આવ્યા હતા. રંજનબેને તેમને જણાવ્યું કે નવીનભાઇ પલંગ પરથી પડી ગયા છે અને કશુ બોલી નથી રહ્યા. પિતાએ રૂમમાં જઇને જોયું તો પુત્રને ગળાના ભાગે અને પગે ઇજાઓના નિશાન હતા અને તે બેભાન અવસ્થામાં હતો. પતિને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
નવીનભાઇના મોત અંગે પોલીસને શંકા ગઇ હતી અને તેમણે રંજનબેનની કડકાઇથી પૂછપરછ કરતા રંજને પતિની હત્યા કરવાનું કબુલ્યું હતું. પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને મારપીટ કરતો હતો. તેનો બદલો લેવા તેણે પતિની હત્યા કરી નાખી હતી. તેણે મધરાતે લોખંડના ટૂકડાથી પતિનું ગળું દબાવી દીધું હતું અને તેના પગ વીજ વાયરથી બાંધી દીધા હતા અને કરંટ આપીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ રંજન બાળકો સાથે સૂવા ચાલી ગઇ હતી. સવારે કોઇને તેના પર કોઇ શંકા ન જાય તે માટે તેણે નિયતક્રમ પ્રમાણે તેના પુત્ર અને પુત્રીને તૈયાર કરીને સ્કૂલે પણ મોકલ્યા હતા.
નવીનના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે રંજનની ધરપકડ કરવામાં આવી છે. પત્નીની ધરપકડ થતાં બાળકો નોધારા બની ગયા છે.
આવો ક્રૂર મર્ડર પ્લાન બનાવવામાં રંજન એકલી જ હતી કે તેના કોઇ સાગરિત પણ હતા, એની તપાસ પોલીસે શરૂ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.