હાલમાં જ વિશ્વ મહિલા દિવસ ભારમાં પણ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં વિવિધ સ્થળોએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતી કરનાર મહિલાઓનું ઘણી સંસ્થાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે ભારતની મહિલા ફાઇટર પ્લેન પણ ઉડાવે છે અને દેશનું બજેટ પણ બનાવે છે. દેશની મહિલા કોઇ પણ ક્ષેત્રમાં પાછળ પડે એમ નથી. ત્યાં આ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની પાર્શ્વભૂમિ પર તમામ મહિલાઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળે એવો કિસ્સો બન્યો છે. ભારતિય સેનાના કર્નલ ગીતા રાણા હવે કમાન્ડર બન્યા છે. આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા અધિકારી છે.
પૂર્વ લદાખમાં ફિલ્ડ વર્કશોપ ‘કમાન્ડર’ તરીકે નેતૃત્વ કરી ભારતિય સેનાના કર્નલ ગીતા રાણાએ ઇતિહાસ રચ્યો છે. આવો પરાક્રમ કરનારા તેઓ ભારતિય લશ્કરના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. હાલમાં જ ભારતિય લશ્કરે મહિલા અધિકારીને કમાન્ડરની ભૂમિકા સ્વિકારવા માન્યતા આપી છે. આ નિર્ણય બાદ કર્નલ ગીતા રાણા આ યશ પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ મિહલા અધિકારી બન્યા છે. કર્નલ ગીતા રાણા ચીન સીમા પર તૈનાત ક્ષેત્રિય કાર્યશાળા (ફિલ્ડ વર્કશોપ)નું નેતૃત્વ કરશે.
ભારતિય સેના દ્વારા હાલમાં જ કેટલીક ટેકનીકલ પોસ્ટ મહિલાઓ માટે અનામત કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રોનિક, મેકેનિક્સ ઉપરાંત અન્ય શાખાઓમાં સ્વતંત્ર યુનિટનું નેતૃત્વ કરવા માટે મહિલા લશ્કરી અધિકારીઓની 108 જગ્યા અનામત રાખવામાં આવી છે. આગામી સમયમાં અન્ય મહિલા લશ્કરી અધિકારીઓની પણ આવા પદો પર નિયુક્તિ થઇ શકે છે. આ મહિલાઓને નેતૃત્વ કરવાનો મોકો મળશે તથા ભવિશ્યમાં અનેક મોટા પદ પર તેમની નિયુક્તિ થઇ શકે છે.